Tue Sep 01 2026

Logo

પ્રોફેસરે વિદ્યાર્થીને આતંકી કહેતા બબાલ, વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

2026-03-28 21:12:26
Author: Mumbai Samachar Team
પ્રોફેસરે વિદ્યાર્થીને આતંકી કહેતા બબાલ, વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

AI Generated Images


બેંગલુરુઃ શનિવારે, કર્ણાટકના બેંગલુરુમાં એક ખાનગી યુનિવર્સિટીના પ્રોફેસર વિરુદ્ધ એક વિદ્યાર્થીને "આતંકવાદી" કહેવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. યુનિવર્સિટીએ પ્રોફેસરને સસ્પેન્ડ કરી દીધા છે. કૉલેજ એમની સામે કાયદેસરના પગલાં લીધા છે. આ ઘટનાનો 58 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પોલીસે આ મામલાની નોંધ લીધી હતી. 

પ્રોફેસર સામે પોલીસ ફરિયાદ થઈ
એફઆઈઆર અનુસાર, એક ચોક્કસ સમુદાયના વિદ્યાર્થીએ પ્રોફેસર પાસે વર્ગખંડ છોડવાની પરવાનગી માંગી હતી. આનાથી પ્રોફેસર ગુસ્સે થયા, જવાબ આપ્યો હતો કે, "તમને શરમ નથી... તમે આતંકવાદી!" પોલીસના જણાવ્યા અનુસાર, પ્રોફેસરે વર્ગ દરમિયાન પીડિત વિદ્યાર્થીને વારંવાર "આતંકવાદી" કહ્યો હતો. તેના પર અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. ઘટના સમયે વર્ગખંડમાં અનેક વિદ્યાર્થીઓ હાજર હતા. પોલીસનું કહેવું છે કે તેમને વિદ્યાર્થી તરફથી ઔપચારિક ફરિયાદ મળી નથી, પરંતુ પ્રોફેસર વિરુદ્ધ BNS ની કલમ 299 (ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ) અને 352 (ઇરાદાપૂર્વક અપમાન) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

વહીવટી તંત્ર ઉપર પણ આરોપ
યુનિવર્સિટીના વહીવટીતંત્ર પર આરોપ છે કે વર્ગની ઘટના દરમિયાન પીડિત વિદ્યાર્થીને ટેકો આપનારા વિદ્યાર્થીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને આ બાબત છુપાવવા માટે કહેવામાં આવ્યું હોવાનું કહેવાય છે. સોશિયલ મીડિયા પરથી ઘટનાના વીડિયો દૂર કરવા માટે તેમના પર દબાણ લાવવામાં આવ્યું હતું. દરમિયાન, આ બાબત અંગે, પ્રોફેસરે કોલેજમાં લેખિત માફી માંગી છે, પરંતુ પીડિત વિદ્યાર્થીની સીધી માફી માંગી નથી. વિભાગના વડા (HOD) એ પ્રોફેસર વતી વિદ્યાર્થીઓની માફી માંગી હતી. જોકે, ત્યારબાદ 27 માર્ચે પ્રોફેસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.