Sat Oct 03 2026

Logo

માનો યાના માનોઃ અમરાવતી હોસ્ટેલમાં ભૂતનો ફફડાટ, 600થી વધુ વિદ્યાર્થીએ હોસ્ટેલ છોડી

2026-08-14 18:01:16
Author: Mumbai Samachar Team
માનો યાના માનોઃ અમરાવતી હોસ્ટેલમાં ભૂતનો ફફડાટ, 600થી વધુ વિદ્યાર્થીએ હોસ્ટેલ છોડી

અમરાવતીઃ મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં આવેલી સરકારી હોસ્ટેલ ‘ભૂતિયા હોસ્ટેલ’ હોવાની અફવાએ વિદ્યાર્થીઓમાં ભારે ભયના માહોલનું નિર્માણ થયું છે. હોસ્ટેલમાં ઝાંઝર રણકવાનો અવાજ, હસવાનો અવાજ અને કોઈના રડવા જેવા અવાજો સંભળાતા હોવાની કેટલીક વિદ્યાર્થિનીઓની ફરિયાદ બાદ વાત ઝડપથી ફેલાઈ હતી. જોતજોતામાં હોસ્ટેલમાં ભૂત-પ્રેત હોવાની ચર્ચાએ એટલું જોર પકડ્યું કે 263 વિદ્યાર્થી અને 345 વિદ્યાર્થિની સહિત કુલ 608 વિદ્યાર્થી હોસ્ટેલ છોડીને પોતાના ઘરે પરત ફર્યા હતા.

મળતી માહિતી મુજબ હોસ્ટેલમાં રહેતી કેટલીક વિદ્યાર્થિનીઓએ રાત્રિના સમયે અસામાન્ય અવાજો સંભળાતા હોવાની ફરિયાદ કરી હતી. તેમાં ખાસ કરીને ઝાંઝર રણકવાનો અવાજ, હાસ્ય અને રડવા જેવા અવાજો સંભળાતા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. એક વિદ્યાર્થિનીની ફરિયાદ બીજી સુધી અને ત્યાંથી અન્ય વિદ્યાર્થીઓ તથા વાલીઓ સુધી પહોંચતા હોસ્ટેલમાં ડરનું વાતાવરણ ઊભું થયું હતું. અફવાઓ વધતાં કેટલાક વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં કોઈ અદૃશ્ય શક્તિ અથવા ભૂત હોવાની વાતો શરૂ કરી હતી.

હોસ્ટેલના હેડમાસ્ટર સંજય ચૌધરીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થિનીઓની ફરિયાદને ગંભીરતાથી લઈને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને મનોરોગ નિષ્ણાત દ્વારા તેમની તપાસ કરાવવામાં આવી હતી. તપાસ બાદ ડૉક્ટરે કેટલાક લક્ષણો ગંભીર હિસ્ટેરિયા જેવી સ્થિતિ સાથે સંકળાયેલા હોઈ શકે હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગ આપવામાં આવી રહ્યું છે અને તેમને સમજાવીને ભયમાંથી બહાર લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 

સંજય ચૌધરીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ ફરી સ્થાપિત થાય અને તેમનો અભ્યાસ ખોરવાય નહીં તે માટે હોસ્ટેલ મેનેજમેન્ટ જરૂરી પગલાં લઈ રહ્યું છે. વાલીઓમાં પણ ફેલાયેલા ભયને દૂર કરવા માટે તેમને સમગ્ર સ્થિતિ અંગે સમજાવવામાં આવી રહી છે.

સ્થાનિક આરોગ્ય અધિકારી અભિષેક નાયડુએ વિદ્યાર્થીઓ અને વાલીઓને આ ઘટનાને ભૂત-પ્રેત કે કોઈ અલૌકિક ઘટના સાથે ન જોડવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે આ મામલો માનસિક સ્વાસ્થ્ય સાથે સંબંધિત હોઈ શકે છે અને તેમાં ગભરાવાની કોઈ જરૂર નથી. તેમણે લોકોને અફવાઓ ન ફેલાવવા તથા બાળકો અને તેમના વાલીઓને ન ગભરાવાની અપીલ કરી  હતી.

વિદ્યાર્થીઓમાં ફેલાયેલા ભયને દૂર કરવા માટે મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ પણ આગળ આવી છે. અંધશ્રદ્ધા અને હાનિકારક અંધવિશ્વાસ સામે કામ કરતી આ સ્વૈચ્છિક સંસ્થા દ્વારા ભયભીત વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગ અને સમજાવટ કરવામાં આવી રહી છે. 

વહીવટી તંત્રનું કહેવું છે કે વિદ્યાર્થીઓમાં વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવા તથા તેમની શિક્ષણપ્રક્રિયામાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. હાલ સમગ્ર ઘટનામાં સૌથી મોટો પડકાર વિદ્યાર્થીઓના મનમાંથી ‘ભૂતિયા હોસ્ટેલ’નો ભય દૂર કરવાનો છે. તંત્ર અને નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓને સમજાવવામાં આવી રહ્યા છે કે અફવા અને ભયને કારણે સ્થિતિ વધુ ગંભીર ન બને.

આ ઘટનામાં કુલ 608 વિદ્યાર્થી હોસ્ટેલ છોડીને ઘરે પરત ફર્યા છે, જેમાં 263 છોકરાઓ અને 345 છોકરીઓનો સમાવેશ થાય છે. હોસ્ટેલમાં સંભળાતા હોવાના દાવા કરાયેલા ઝાંઝરના અવાજ, હાસ્ય અને રડવાના અવાજને કારણે શરૂ થયેલી ચર્ચાએ આખરે મોટા પાયે ડરનો માહોલ ઊભો કર્યો છે. જોકે, તંત્ર અને આરોગ્ય અધિકારીઓએ સ્પષ્ટપણે લોકોને અંધશ્રદ્ધા અને અફવાઓ પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી છે.