Fri Nov 06 2026

Logo

ખાદ્ય સુરક્ષાને પ્રાધાન્ય આપવા મીઠાઇ, માવા અને ફરસાણના વેપારીઓ માટે રેપિડ ટેસ્ટિંગ કીટ રાખવી ફરજિયાત

2026-10-29 23:00:49
Author: Mumbai Samachar Team
ખાદ્ય સુરક્ષાને પ્રાધાન્ય આપવા મીઠાઇ, માવા અને ફરસાણના વેપારીઓ માટે રેપિડ ટેસ્ટિંગ કીટ રાખવી ફરજિયાત

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગુરુવાર, તા. 29 ઓક્ટોબર, 2026ના રોજ યોજાઈ હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં શહેરના વિવિધ વિકાસલક્ષી કાર્યો, જાહેર આરોગ્ય, પાણીના વ્યવસ્થાપન, સલામતી અને તહેવારો દરમિયાન કરવામાં આવનાર રોશની સહિતના વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલે જણાવ્યું કે, દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને નાગરિકોના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવી જરૂરી છે. તાજેતરમાં માવાના નામે બનાવટી અને બિનખાદ્ય પદાર્થોનું વેચાણ થતું હોવાની ઘટનાઓ સામે આવી છે. 

બિનજરૂરી બગાડ અટકાવવા પગલાં અનિવાર્ય

આવી પરિસ્થિતિમાં માવાની ગુણવત્તાની પ્રાથમિક ચકાસણી માટે ઉપયોગી રેપિડ ટેસ્ટિંગ કીટ વેપારીઓ પાસે ઉપલબ્ધ હોય તે જરૂરી છે. અત્યાર સુધીમાં આશરે 350 લોકોએ આવી કીટ પોતાની પાસે રાખી છે, જેના માધ્યમથી ગ્રાહકો પણ ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચની હાજરી અંગે પ્રાથમિક તપાસ કરી શકે છે. આશરે રૂ. 3,000ની કિંમત ધરાવતી આ કીટ માવામાં ભેળસેળની પ્રાથમિક ઓળખ માટે ઉપયોગી છે. આથી, રૂ. 5 લાખથી વધુ ટર્નઓવર ધરાવતા મીઠાઇ, માવો અને ફરસાણ બનાવતા વેપારીઓએ આવી રેપિડ ટેસ્ટિંગ કીટ ફરજિયાત રાખવા અને તેનો ઉપયોગ કરવા અંગે આરોગ્ય વિભાગને જરૂરી સૂચના આપવામાં આવી છે, જેથી માવાની ગુણવત્તાની ચકાસણી થઈ શકે અને બિનખાદ્ય પદાર્થોના વેચાણ પર અટકાવી શકાય. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એ જણાવ્યું કે, હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં થતા પાણીનો બિનજરૂરી બગાડ અટકાવી શકાય તે માટે સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. 

તપાસ હાથ ધરવા માટેની સૂચના

શહેરમાં જ્યાં પાણીનો વધુ વપરાશ કરતા એકમો તથા ગેરકાયદેસર જોડાણો મારફતે પાણીનો ઉપયોગ થતો હોય તેવા સ્થળોએ તપાસ હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને કાર વોશિંગ સેન્ટરો, પીજી આવાસો, અને મોટી સંખ્યામાં રૂમ ધરાવતા લોજીંગ-બોર્ડિંગ સહિતનાં સ્થળોએ પાણીનાં જોડાણોની કાયદેસરતાની ચકાસણી કરવામાં આવશે. તપાસ દરમિયાન ગેરકાયદે પાણીનાં જોડાણો જણાય તો નિયમોનુસાર તાત્કાલિક કાર્યવાહી કરીને આવા જોડાણો કાપવા અંગે સંબંધિત વિભાગને સૂચના આપવામાં આવી છે.