Tue Nov 10 2026

Logo

Ranbir Kapoor Raha Photo: 'રામાયણ'ના સેટ પર પિતા-પુત્રીનું ક્યૂટ બોન્ડિંગ! રણબીર માટે આલિયાએ લખી હૃદયસ્પર્શી નોટ; ફેન્સ ફિદા

2026-11-05 20:50:14
Author: Darshana Visaria
Ranbir Kapoor Raha Photo: 'રામાયણ'ના સેટ પર પિતા-પુત્રીનું ક્યૂટ બોન્ડિંગ! રણબીર માટે આલિયાએ લખી હૃદયસ્પર્શી નોટ; ફેન્સ ફિદા

હાલમાં જ્યાં જુઓ ત્યાં નિતીશ તિવારીના નિર્દેશનમાં બનેલી બહુભાષી મેગા બજેટ ફિલ્મ 'રામાયણઃ પાર્ટ 1'ની જ ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મને થિયેટર્સમાં દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મમાં રણબીર કપૂર 'પ્રભુ શ્રીરામ', સાંઈ પલ્લવી 'માતા સીતા', યશ 'રાવણ', રવિ દુબે 'લક્ષ્મણ' અને સની દેઓલ 'બજરંગબલી હનુમાન'ની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. જોકે, આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર ફિલ્મના સેટ પરથી બીટીએસ ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. 

ફિલ્મ રામાયણની આ ભવ્ય રિલીઝ વચ્ચે સોશિયલ મીડિયા પર બે અનસીન પડદા પાછળના (BTS) ફોટો વાઈરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ ફોટો રણબીર કપૂરની પત્ની અને એક્ટ્રેસ આલિયા ભટ્ટે શેર કરી છે, જેમાં રણબીર શ્રીરામના દિવ્ય ગેટઅપમાં પોતાની ચાર વર્ષની લાડલી દીકરી રાહા કપૂર સાથે સ્નેહભર્યા પળો વિતાવતો જોવા મળે છે.

શ્રીરામના અવતારમાં રણબીરે રાહા પર લૂંટાવ્યો પ્રેમ

રણબીર કપૂરે તાજેતરમાં જણાવ્યું હતું કે શૂટિંગ દરમિયાન રાહા ઘણીવાર સેટ પર તેને મળવા આવતી હતી. આલિયા દ્વારા શેર કરાયેલા ફોટોમાં રણબીર શ્રીરામના આઈકોનિક પિતાંબરી અને લાંબા વાળવાળા ગેટઅપમાં રાહાને વહાલ કરતો નજરે પડે છે. 

આલિયાએ શેર કરેલાં એક બીજા ફોટોમાં રણબીર રાહાના ગાલ પર પ્રેમથી કિસ કરી રહ્યો છે, જ્યારે બીજા ફોટોમાં તે સેટના આકરા તડકાથી દીકરીને બચાવવા માટે છાયડામાં ઊભો રાખીને તેનું ધ્યાન રાખતો જોવા મળે છે. જોકે, પ્રાઈવસી જાળવી રાખતાં આલિયાએ રાહાના ચહેરા પર હાર્ટ ઈમોજી મૂકીને તેનો ફેસ ઢાંક્યો છે.

આલિયા ભટ્ટની ઈમોશનલ નોટ મને તારા પર ગર્વ છે, રણબીર!

ફોટો શેર કરવાની સાથે આલિયા ભટ્ટે રણબીરના સમર્પણ અને 'રામાયણ'ની સમગ્ર ટીમની પ્રશંસા કરતી ભાવુક પોસ્ટ લખી છે. આલિયાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે તમે આ ફિલ્મ માટે તમારું સર્વસ્વ સમર્પિત કરી દીધું, છતાં તમારી દીકરી માટે તમારી પાસે ભરપૂર પ્રેમ અને સમય હંમેશાં રહ્યો. 

આલિયાએ પોતાની પોસ્ટમાં આગળ એવું પણ લખ્યું છે કે રણબીર, મને તારા પર ખૂબ ગર્વ છે! અને એ તમામ કલાકારો-ટેકનિશિયનો પર પણ ગર્વ છે જેમણે આ ભવ્ય સિનેમેટિક અનુભવ તૈયાર કરવા માટે પોતાનો જીવ રેડી દીધો છે. કેટલીક વાર્તાઓ આપણા બધા કરતાં મોટી હોય છે, અને 'રામાયણ' તેમાંથી જ એક છે.

દર્શકોમાં 'રામાયણઃ પાર્ટ 1'નો ક્રેઝ: વીએફએક્સ અને ક્લાઈમેક્સ હિટ

થિયેટરોમાં ફિલ્મ જોયા બાદ દર્શકો તેના વિઝ્યુઅલ ઈફેક્ટ્સ અને 3D એનિમેશનના ભારોભાર વખાણ કરી રહ્યા છે. ફિલ્મનો ક્લાઈમેક્સ અને લડાઈના સીન્સ રુંવાડા ઊભા કરી દે તેવા હોવાનો રિવ્યુ મળી રહ્યો છે. ફિલ્મના અંતે આવતા પોસ્ટ-ક્રેડિટ સીને પાર્ટ-2 માટે દર્શકોની ઉત્સુકતા ચરમસીમાએ પહોંચાડી દીધી છે. આ સીનમાં 'બજરંગબલી' તરીકે સની દેઓલની એન્ટ્રી બતાવવામાં આવી છે, જોકે નિર્માતાઓએ તેમના ચહેરા પરથી હજુ સસ્પેન્સ હટાવ્યું નથી.