નેશનલ

પ્રથમ તબક્કામાં સરેરાશ ૬૦ ટકા મતદાન

મતદાન કરનારા મહાનુભાવો

મોહન ભાગવત, કિરણ રીજીજુ, એમ. કે સ્ટાલિન, કમલનાથ, અર્જુનરામ મેઘવાલ, કોનરાડ સંગમા, મુખ્તાર અબ્બાસ નકવી, માણીક શાહ, રજનીકાંત, કમલ હસન, કાર્તિક, બાબા રામદેવ, પુષ્કરસિંહ ધામી, ભજનલાલ શર્મા, બિપ્લવકુમાર દેબ, રંગાસ્વામી

નવી દિલ્હી: દેશના ૨૧ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં શુક્રવારે લોકસભાની ૧૦૨ બેઠક માટે સરેરાશ ૬૦ ટકા મતદાન થયું હતું. સૌથી વધુ મતદાન પશ્ર્ચિમ બંગાળમાં સરેરાશ ૭૮ ટકા થયું હતું, જ્યારે સૌથી ઓછું મતદાન બિહારમાં એકંદર ૪૭ ટકા થયું હતું. મતદાન દરમિયાન છૂટી છવાઇ હિંસાની ઘટનાને બાદ કરતા કોઇ મોટો અનિચ્છનીય બનાવ નહોતો બન્યો.

પુડુચેરીમાં ૭૩ ટકા, ત્રિપુરામાં ૭૨ ટકા, આસામમાં ૭૧ ટકા, મેઘાલયમાં ૭૦ ટકા અને મણિપુરમાં ૬૮ ટકા એકંદર મતદાન થયું હતું.

ઉનાળાની કાળઝાળ ગરમીને અવગણીને ઘણી જગ્યાએ મતદારો મોટી સંખ્યામાં મતદાન કરવા ગયા હતા.

આંદામાન નિકોબારમાં ૫૭ ટકા, અરુણાચલ પ્રદેશમાં ૬૪ ટકા, છત્તીસગઢમાં ૬૪ ટકા, જમ્મુ અને કાશ્મીરમાં ૬૬ ટકા, લક્ષદ્વીપમાં ૬૦ ટકા, મધ્ય પ્રદેશમાં ૬૪ ટકા, મહારાષ્ટ્રમાં ૫૫ ટકા, મણિપુરમાં ૬૮ ટકા, મિઝોરમમાં ૫૩ ટકા, નાગાલૅન્ડમાં ૫૬ ટકા, રાજસ્થાનમાં ૫૧ ટકા, તમિળનાડુમાં ૬૩ ટકા, ઉત્તરાખંડમાં ૫૮ ટકા અને ઉત્તર પ્રદેશમાં ૫૪ ટકા મતદાન થયું હતું.

સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાન કરાયું હતું. ૨૧ રાજ્યમાં અંદાજે ૧૬.૬૩ કરોડ મતદારમાંથી સરેરાશ ૬૦ ટકા મતદારે સાંજે છ વાગ્યા સુધીમાં મતદાન કર્યું હતું. મતદાન કેન્દ્રમાં પ્રવેશ્યા બાદ મતદાન કરવાનું બાકી હોય એવા કેટલાક મતદાર હોવાથી આ ટકાવારીમાં મામૂલી વધારો થવાની આશા છે.

કેન્દ્રીય પ્રધાનો – નીતિન ગડકરી, સર્વાનંદ સોનોવાલ, ભૂપેન્દ્ર યાદવ, રાજ્યના પ્રધાન સુધીર મુનગંટીવાર, કૉંગ્રેસના ગૌરવ ગોગોઇ, દ્રમુકનાં કનિમોઝી, ભાજપના કે. અન્નામલાઇ જેવા અગ્રણી નેતાઓનું રાજકીય ભાવિ પ્રથમ તબક્કાનું મતદાન નક્કી કરવાનું છે.

દરમિયાન, અપવાદરૂપ નાગાલૅન્ડના છ જિલ્લામાં ચૂંટણી કર્મચારીઓ મતદાન કેન્દ્રો પર મતદાર આવવાની નવ કલાક સુધી રાહ જોઇને બેઠા રહ્યા હતા, પરંતુ આ વિસ્તારના અંદાજે ચાર લાખ મતદારમાંથી કોઇ મતદાર મત આપવા નહોતું આવ્યું એટલે કે ‘શૂન્ય વૉટિંગ’ થયું હતું. નાગાલૅન્ડના આ છ જિલ્લામાં વિધાનસભાની ૨૦ બેઠક છે અને તેના ૨૦ વિધાનસભ્ય પણ મતદાન કરવા નહોતા ગયા.

મહારાષ્ટ્રની પાંચ, અરુણાચલ પ્રદેશની બે, આસામની પાંચ, બિહારની ચાર, છત્તીસગઢની એક, મધ્ય પ્રદેશની છ, તમિળનાડુની ૩૯, પશ્ર્ચિમ બંગાળની ત્રણ, રાજસ્થાનની ૧૨, સિક્કિમની એક, ઉત્તર પ્રદેશની આઠ, ઉત્તરાખંડની પાંચ, જમ્મુ અને કાશ્મીરની એક, લક્ષદ્વીપની એક, પુડુચેરીની એક, નાગાલૅન્ડની એક બેઠક પર શુક્રવારે મતદાન થયું હતું. આ ઉપરાંત, અરુણાચલ પ્રદેશ વિધાનસભાની ૬૦ બેઠક અને સિક્કિમ વિધાનસભાની ૩૨ બેઠક પર પણ શુક્રવારે જ મતદાન યોજાયું હતું.

કોહિમાથી મળેલા સંદેશામાં જણાવાયું હતું કે ઇસ્ટર્ન નાગાલૅન્ડ પીપલ્સ ઓર્ગેનાઇઝેશને ‘ફ્રન્ટિયર નાગાલૅન્ડ ટેરિટરી’ માટેની માગને લઇને બંધની કરેલી હાકલને લીધે કોઇ મતદાર મતદાન માટે નહોતું ગયું. નાગાલૅન્ડમાં કુલ આશરે ૧૩.૨૫ લાખ મતદાર છે અને તેમાંના અંદાજે ૪,૦૦,૬૩૨ મતદાર આ છ જિલ્લામાં જ છે. (એજન્સી)

નાગાલૅન્ડ: ‘ઝીરો વૉટિંગ’

છ જિલ્લામાં કોઇ મતદાન કરવા ન આવ્યું

કોહિમા: નાગાલૅન્ડના છ જિલ્લામાં ચૂંટણી કર્મચારીઓ મતદાન કેન્દ્રો પર મતદાર આવવાની નવ કલાક સુધી રાહ જોઇને બેઠા રહ્યા હતા, પરંતુ આ વિસ્તારના અંદાજે ચાર લાખ મતદારમાંથી કોઇ મતદાર મત આપવા નહોતું આવ્યું.

નાગાલૅન્ડના આ છ જિલ્લામાં વિધાનસભાની ૨૦ બેઠક છે અને તેના ૨૦ વિધાનસભ્ય પણ મતદાન કરવા નહોતા ગયા.

ઇસ્ટર્ન નાગાલૅન્ડ પીપલ્સ ઓર્ગેનાઇઝેશને ‘ફ્રન્ટિયર નાગાલૅન્ડ ટેરિટરી’ માટેની માગને લઇને બંધની કરેલી હાકલને લીધે કોઇ મતદાર મતદાન માટે નહોતો ગયો.

નાગાલૅન્ડના મુખ્ય પ્રધાન નેઇફિઉ રિયોએ જણાવ્યું હતું કે પૂર્વ નાગાલૅન્ડના આદિવાસીઓના સાત સંગઠનની ‘ફ્રન્ટિયર નાગાલૅન્ડ ટેરિટરી’ની માગણી સામે કોઇ વિરોધ નથી.

સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે પૂર્વ નાગાલૅન્ડના છ જિલ્લાના રસ્તા પર દિવસ દરમિયાન લોકોની ખાસ અવરજવર નહોતી. માત્ર જીવનાવશ્યક ચીજોની હેરફેર થતી હતી.
નાગાલૅન્ડમાં કુલ આશરે ૧૩.૨૫ લાખ મતદાર છે અને તેમાંના અંદાજે ૪,૦૦,૬૩૨ મતદાર આ છ જિલ્લામાં જ છે. (એજન્સી)

આસામ: ૧૫૦ ખરાબ ઈવીએમ બદલવામાં આવ્યા

ગુવાહાટી: આસામમાં પાંચ બેઠક પર લોકસભાની ચૂંટણી ચાલી રહી હોવા વચ્ચે શુક્રવારે ૧૫૦ ખરાબ ઈવીએમ સૅટ બદલવામાં આવ્યાં હોવાનું અધિકારીઓએ કહ્યું હતું.

આ ઉપરાંત અન્ય ખામીઓને કારણે જુદાં જુદાં ઈવીએમના વીવીપીએટી અને બૅલટ યુનિટ સહિત ૪૦૦ કરતાં પણ વધુ કમ્પોનન્ટ પણ બદલવામાં આવ્યા હતા.

ચૂંટણી વિભાગના અધિકારીએ પત્રકારોને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે વાસ્તવિક મતદાનની ૯૦ મિનિટ અગાઉ હાથ ધરવામાં આવેલા મૉક પૉલિંગ દરમિયાન મોટાભાગની ખામીઓ ધ્યાન પર આવી હતી અને તે મુજબ મશીનો બદલવામાં આવ્યાં હતાં.

વાસ્તવિક મતદાન શરૂ થયા બાદ જુદા જુદા મતદાનમથકે ઈવીએમના છ સૅટ ઉપરાંત વીવીપીએટી અને બૅલટ યુનિટ સહિત ૪૦૦ કરતા પણ વધુ કમ્પોનન્ટ પણ બદલવામાં આવ્યા હતા, એમ તેમણે કહ્યું હતું.

ઈવીએમમાં કંટ્રોલ યુનિટ (સીયુ), વૉટર વેરિફિયેબલ પેપર ઑડિટ ટ્રેલ (વીવીપીએટી) અને બૅલેટ યુનિય (બીયુ) એમ ત્રણ મુખ્ય કમ્પોનન્ટ હોય છે.

ઈવીએમના છ સંપૂર્ણ સૅટ ઉપરાંત ૧૪૦ સીયુ, ૨૩૦ વીવીપીએટી અને ૮૧ બીયુ બદલવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું. (એજન્સી)

ડોડા: મહિલાઓને પિન્ક બૂથનું આકર્ષણ

ડોડા / જમ્મુ : ઉધમપુર લોકસભા મતદારક્ષેત્રના ડોડા જિલ્લામાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા મધ્યે બધા જ મહિલા કર્મચારીઓ ધરાવતા પિંક બૂથમાં ‘નારીશક્તિ’નું પ્રદર્શન જોવા મળ્યું હતું. પિંક બૂથ મહિલા મતદારો અને ખાસ કરીને મુસ્લિમ કોમની મહિલાને મત આપવા આકર્ષિત કરી હતી. ચૂંટણીના અધિકારીના જણાવ્યા પ્રમાણે મુશળધાર વરસાદ છતાં જમ્મુ અને કાશ્મીરમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ઉધમપુર બેઠક પર પ્રથમ ચાર કલાકમાં ૨૨ ટકા મતદાન થયું હતું. જેવું મતદાન શરૂ થયું કે ડોડાની ગવર્નમેન્ટ
ગર્લ્સ હાયર સેક્ધડરી સ્કૂલમાં ઊભા કરાયેલા પિન્ક બૂથમાં મહિલા મતદારો ઉમટ્યાં હતાં. લાઈનમાં ઊભી રહેલા મહિલાઓએ કહ્યું હતું કે અમને પિન્ક બૂથમાં મતદાન કરવાની મજા પડે છે. ડોડાના પિન્ક બૂથમાં મતદાન કરનાર આરીફ બેગમે કહ્યું હતું ક્ે પ્રથમ વાર બધી જ મહિલા કર્મચારીઓ ધરાવતા પિન્ક બૂથમાં મતદાન કરવાથી મને આનદ થયો,. બૂથમાં સારી સુવિધા હતી. આ પહેલને લીધે મતદારમથકમાં આવનારી મહિલાઓની સંખ્યા વધી હતી. અને અમે ચૂંટણી પંચની આ પહેલને આવકારીએ છીએ

અધિકારીઓએ કહ્યું હતું કે ઉધમપુર લોકસભા મતદારક્ષેત્રમાં ૧૯ પિન્ક બૂથ ઊભાં કરાયાં છે અને આ ઓલ-વિમેન મોડેલ પોલિંગ સ્ટેશનમાં પોલીસ અને સુરક્ષા ચોકિયાતો સહિત બધા કર્મચારીઓ મહિલા છે.

પ્રથમ વાર મતદાન કરી રહેલી સુનીતા દેવીએ કહ્યું હતું કે મેં પિન્ક બુથમાં મતદાન કર્યું હતું. આ બૂથને શણગારવામાં આવ્યો હતો અને મને લાગ્યું કે હું કોઈ ઉત્સવના સ્થળે આવી છું. આ પહેલથી વધુ મહિલાઓ મતદાન કરવા પ્રેરાશે. (એજન્સી)

મણિપુર: હિંસા : ચાર ઈવીએમને નુકસાન કરાયું

ઈમ્ફાલ : અશાંત મણિપુરમાં શુક્રવારે લોકસભાના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન વિવિધ મતદારમથકોમાં ઓછામાં ઓછા ચાર ઈલેકટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ)ને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, એવી માહિતી સૂત્રોએ આપી હતી. સૂત્રોએ વધુમાં કહ્યું હતું કે ઈમ્ફાલ ઈસ્ટ અને વેસ્ટમાં ચાર સ્થળોમાં ઈવીએમને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. એક પોલિંગ બૂથમાં વણઓળખાયેલા તોફાનીઓએ ઈવીએમને આગ ચાંપી હતી. વાંશિક હિંસાના ઓછાયા હેઠળ મણિપુરમાં શુક્રવારે બે મતદારક્ષેત્ર ઈનર અને આઉટર મણિપુરમાં આજે મતદાન થયું હતું. આઉટર મણિપુર મતદારક્ષેત્રના અમુક વિસ્તારોમાં ચૂંટણી બીજા તબક્કામાં ૨૬ એપ્રિલે થશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે ઈનર મણિપુર મતદારક્ષેત્રમાં અનેક સ્થળોએ ડર ફેલાવાના અને આગ ચાંપવાના બનાવો બન્યા હતા.

ગયા વર્ષની ત્રીજી મેથી મણિપુરમાં વાંશિક હિંસાના બનાવો નોંધાયા છે. બહુમતી મેઈતી અને લઘુમતી કુકી વચ્ચેની અથડામણને લીધે ૨૦૦થી વધારે જણે જાન ગૂમાવ્યા છે. મેઈતી ઈમ્ફાલ શહેરમાં રહે છે, જ્યારે કૂકી પહાડી વિસ્તારમાં રહે છે. રાહત શિબિરમાં રહેતા ૨૪,૦૦૦ વિસ્થાપિત લોકોને ચૂંટણી પંચે શોધી કાઢ્યા છે અને તેમને માટે ૯૪ ખાસ મતદારમથકો ઊભાં કરાયાં છે. જોકે મણિપુર રાજ્યમાંથી હિજરત કરનાર લોકો માટે મતદાની કોઈ વ્યવસ્થા કરાઈ નથી. (એજન્સી)

ઉધમપુર: નવપરિણીત યુગલ મતદાન કરવા પહોંચ્યું

સુરેશ એસ. ડુગ્ગર
જમ્મુ : ઉધમપુર લોકસભા બેઠક પર બપોરે ત્રણ વાગ્યે ૫૭.૦૯ ટકા મતદાન થયું. ત્રણ વાગ્યા સુધી સોળ લાખ મતદાતાઓેએ મતદાન કર્યું હતું. અલબત્ત આ મતદારક્ષેત્રમાં ઘણાં નઝરાણાં જોવા મળ્યાં હતાં. ક્યાંક સૌથી પહેલાં મતદાન કરવા નવવિવાહિત દંપતી લાઈનમાં ઊભું હતું, ક્યાંક આગલી રાત્રે લગ્નના બંધનમાં બંધાયેલા દંપતી તો ક્યાંક આજે જ મેરેજ કરનારા દંપતી મતદાન કરવા આવ્યાં હતાં. નવોદિત મતદાતાઓએ પણ મતદાન કરવામાં રસ દાખવ્યો હતો. સૌથી વધારે મતદાન એટલે કે ૬૨.૦૩ ટકા જિલ્લા કથુઆની જસરોટી વિસ સીટ પર નોંધાયું હતું.

પહેલી વાર મતદાન કરી રહેલા યુવાનોમાં ગજબનો ઉત્સાહ જોવા મળ્યો
હતો. ૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં ઉધમપુર બેઠક પર ૭૦.૨ ટકા મતદાન થયું હતું. અધિકારીઓએ કહ્યું કે કુલ ૮૪,૪૬૮ પ્રથમ વાર મતદાન કરનારા યુવાનો હોઈ શકે જેમની વય ૧૬-૧૮ વર્ષની વચ્ચે છે. આમાં ૪૫,૮૨૫ યુવાન અને ૩૮,૬૪૧ યુવતી છે.

આ મતદારક્ષેત્રમાં વૃદ્ધોની સંખ્યા પણ ઘણી મોટી છે. જેમાં ૮૦ વર્ષ કે તેનાથી વધારે વયના ૧૨,૦૨૦ પુરુષ અને ૧૩,૬૧૨ મહિલા મતદાતા છે. કુલ ૨૫,૬૩૨ અનુભવી મતદાતાએ મતદાન કર્યું હતું.

ઉધમપુરમાં એક નવપરીણિત દંપતી લગ્ન પછી સીધું મતદારમથક પહોંચ્યું હતું અને ત્યાં મત નાખ્યો હતો. મતદાન પછી નવોઢાએ કહ્યું હતું કે મને આનંદ છે કે મારા પતિએ દેશ અને સમાજ વિશેે વિચાર્યું. કઠુઆ પોલિંગ બુથમાં પણ એક નવું પરણેલું યુગલ પહોંચ્યું હતું અને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

કઠુઆના પારલીબંડ મતદાર મથકે લોકતંત્રના સૌથી મોટા ઉત્સવની ભવ્ય તસવીર જોવા મળી. અહીં ગુરુવારે લગ્નના બંધનમાં બંધાયેલા અસીમ મગોત્રા અને વૈશાલીએ સાત ફેરા ફર્યા બાદ લગ્નના મંડપથી મતદાર કેન્દ્ર પહોંચ્યાં હતાં. તેમને દુલ્હા અને દુલ્હનના લિબાસમાં જ મત આપ્યા હતા.

ઉધમપુર લોકસભા મતદારક્ષેત્ર કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં છ સંસદીય મતદારક્ષેત્રમાંનું એક છે. આ મતદારક્ષેત્ર ૨૦,૨૩૦ ચોરસ કિલોમીટર પર્વતીય હિમાલય ક્ષેત્રને કવર કરે છે. આ ઈઝરાયલ જેટલા કદનું આ પ્રદેશનું સૌથી મોટું મતદારક્ષેત્ર છે. કિશ્તવાડ, ડોડા, ઉધમપુર અને કથુુઆ એમ ચાર જિલ્લામાં ૧૭ વિધાનસભા ક્ષેત્ર છે. ઉધમપુરમાં લોકસભાના પ્રથમ ચરણમાં આજે મતદાન થયું.

૨૦૧૯ના લોકસભા ચૂંટણીમાં ડૉક્ટર જિતેન્દ્રસિંહે ચોંકાવનારા ૭.૨૪ લાખ વોટ એટલે કે ૬૧.૩૮ ટકા મત મેળવીને બીજી વાર લોકસભાની ચૂંટણી જીતી હતી. તેઓ ફરી આજ બેઠક પર ઊભા છે. કૉંગ્રેસે આ બેઠક પર ચૌધરી લાલ સિંહને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ગુલામ નબી આઝાદની પાર્ટી ડીપીએપીએ જી. એમ. સરુરીને મેદાનમાં ઉતાર્યા છે. કુલ ૧૨ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.

ઈટાનગર: માત્ર એક મહિલાએ મતદાન કરતાં ૧૦૦ ટકા મતદાન નોંધાયું

ઈટાનગર: અરુણાચલ પ્રદેશના અન્જાવ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં શુક્રવારે માત્ર એક જ મહિલાએ મતદાન કરતાં ૧૦૦ ટકા મતદાન નોંધાયું હતું. ૪૪ વર્ષની સોલેકા તયાન્ગે શુક્રવારે બપોરે લગભગ એક વાગ્યે મતદાન કર્યું હોવાનું અધિકારીઓએ કહ્યું હતું. માત્ર એક જ મહિલા તેનાં મતદાનના અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી અધિકારીઓની ટુકડીએ ૪૦ કિ.મી. પગપાળા પ્રવાસ કરી મતદાન મથક ઊભું કર્યું હતું. મહિલાએ મતદાન કરવાના અધિકારનો ઉપયોગ કરવા દેવા બદલ ચૂંટણી અધિકારીઓનો આભાર માન્યો હતો. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door Catches Win Matches: Top Indian Cricket Fielders Through the Decades IPL: Sixes Galore! Delhi vs Mumbai Turns into a Hitting Extravaganza