મહાયુતિના મહારાષ્ટ્રમાં શ્રી ગણેશ: સુધીર મુનગંટીવારે ઉમેદવારી નોંધાવી
Loksabha Elections 2024: ચંદ્રપુરથી ઉમેદવારી નોંધાવીને મુનગંટીવારે ખાતું ખોલાવ્યું

મુંબઈ: ભાજપ દ્વારા Loksabha Elections 2024માં મહારાષ્ટ્રમાં 45 બેઠકો જીતવાનું લક્ષ્ય લઇને પહેલી ઉમેદવારી નોંધાવી દેવામાં આવી છે. સુધીર મુનગંટીવાર દ્વારા ચંદ્રપુર ખાતેથી ઉમેદવારી નોંધાવવામાં આવી છે. વિદર્ભથી ઉમેદવારી નોંધાવનારા સુધીર મુનગંટીવાર પહેલા જ ભાજપના ઉમેદવાર છે. આ સાથે જ લોકસભાની ચૂંટણીનું રણશિંગુ ભાજપ દ્વારા મહારાષ્ટ્રમાં ફૂંકવામાં આવ્યું છે.
ઉમેદવારી પત્ર દાખલ કરતાં પહેલા ગાંધી ચોક ખાતે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે દ્વારા નાનકડી વિજયી રેલી પણ કાઢવામાં આવી હતી.
આપણ વાંચો: રાજ ઠાકરે બનશે શિવસેના સુપ્રીમો? મહારાષ્ટ્ર નવનિર્માણ સેના શિવસેનામાં વિલીન થાય તેવી શક્યતા
ત્યાર બાદ મુનગંટીવાર કાર્યકર્તાઓની સાથે જિલ્લા કલેક્ટરની કચેરીમાં આવેદન પત્ર નોંધાવવા માટે દાખલ થયા હતા.
આ દરમિયાન ફડણવીસે જણાવ્યું હતું કે ભગવાન, છત્રપતિ શિવાજી મહારાજ અને બાબા સાહેબ આંબેડકરના આશીર્વાદથી અમે આજે ચંદ્રપુરથી સુધીર મુનગંટીવારની ઉમેદવારી નોંધાવી છે. શરૂઆત સારી રહી છે અને પરિણામ પણ સારું જ આવશે. આ વખતે અમે મહારાષ્ટ્રમાં પાછલા બધા જ રેકોર્ડ તોડી નાંખીશું.
આ દરમિયાન તેમણે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા અને ભગવાનનું નામ લઇને ઉમેદવારી નોંધાવી હોવાથી તેમની જીત પાક્કી હોવાનો વિશ્ર્વાસ પણ વ્યક્ત કર્યો હતો.