ગુજરાત હાઈકોર્ટે તમામ રામસર સાઈટ ઈકો સેન્સિટીવ ઝોનમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવા નિર્દેશ આપ્યો

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં આવેલી તમામ રામસર સાઈટ અને ઈકો સેન્સિટીવ ઝોનમાં પર્યટકો દ્વારા પ્લાસ્ટિકનો કચરો ફેંકવામાં આવતા આકરૂ વલણ અપનાવ્યું કર્યું છે. જેમાં હાઈકોર્ટે પ્લાસ્ટિક કચરાથી થતા નુકસાનને રોકવા માટે રાજ્ય સરકારને પ્લાસ્ટિક પર સંપુર્ણ પ્રતિબંધ મુકવાના નિર્દેશ આપ્યા હતા. સુપ્રીમ કોર્ટના નિર્દેશોને આધારે ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો અરજી લેવામાં આવી હતી. આ અરજી રામસર સાઈટ અને વેટલેન્ડની જાળવણીને લગતી હતી. કોર્ટ મિત્રે જણાવ્યું હતું કે, વર્ષ 2018માં હાઇકોર્ટમાં આ મુદ્દે સુઓ મોટો અરજી લેવામાં આવી હતી. તે નળ સરોવર રામસર સાઈડને લગતી હતી. સુપ્રીમ કોર્ટે દેશના વિભિન્ન સ્થળોએ આવેલ રામસર સાઈટની જાળવણીને લઈને એક વિસ્તૃત હુકમ આપ્યો છે. જે મુજબ ભારતની દરેક રામસર સાઈટની યોગ્ય જાળવણી થઈ રહી છે કે કેમ ? તે અંગે જે તે વિસ્તારની હાઈકોર્ટ સુઓ મોટો અરજી લેશે.
નળ સરોવર, વઢવાણ, થોળ અને ખીજડીયા રામસર સાઇટનો સમાવેશ
સુપ્રીમ કોર્ટના આ વિસ્તૃત હુકમમાં દેશની રામસર સાઇટ નું લિસ્ટ આપવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના નળ સરોવર, વઢવાણ, થોળ અને ખીજડીયા રામસર સાઇટ નો સમાવેશ થાય છે. નડા બેટ ભારતનું સૌથી મોટું વેટ લેન્ડ છે, જે ભારત અને પાકિસ્તાન બંનેમાં વિસ્તૃત છે. કોર્ટે કહ્યું હતું કે, બોટિંગને લઈને જે નવા નિયમો રાજ્ય સરકારે બનાવ્યા છે, તેમાં નળસરોવરનો અહેવાલ પણ આવ્યો છે, ત્યાં બધું બરોબર છે. ખીજડીયા રામસર સાઇટની ચીફ જજે મુલાકાત લીધી હતી તે પણ બરોબર છે.
ઈસરોએ ભારતની રામસર સાઈટનો મેપ તૈયાર કર્યો હતો
કોર્ટ મિત્રે અગાઉ નળ સરોવરની મુલાકાત લીધી હતી. કોર્ટે કોર્ટ મિત્રને આ તમામ રામસર સાઈટ અને નડાબેટ વેટલેન્ડ ઉપર જઈને ચેક કરીને રિપોર્ટ આપવા હુકમ કર્યો હતો. વર્ષ 2010માં ઈસરોએ ભારતની રામસર સાઈટનો મેપ તૈયાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને રામસર સાઈટ અંગે સુનવણી હાથ ધરીને અહેવાલ આપવા 3 મહિનાનો સમય આપ્યો છે. કોર્ટ મિત્રએ વેટ લેન્ડને સિંચાઇના પાણીથી ભરાતો હોવાના મીડિયા અહેવાલ અંગે જણાવ્યું હતું. જેથી, વેટ લેન્ડની બાયો ડાઈવર્સિટીને નુકસાન થતું હોવાનું જણાવ્યું હતું. જોકે, કોર્ટે મીડિયા રીપોર્ટ અવગણીને લોકલ અધિકારીઓ અને લોકો સાથે વાત કરી અહેવાલ માંગ્યો હતો.
નડાબેટનો રીપોર્ટ રજૂ કરવા માટે સમય માંગવામાં આવ્યો
આ અંગે સરકારી વકીલે પ્રિન્સિપાલ ચીફ કંઝરવેશન ઓફ ફોરેસ્ટની એફિડેવિટ કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. જેમાં જણાવાયું છે કે રામસર સાઇટ ઉપર તપાસ કરવામાં આવી છે. ગુજરાત સ્ટેટ વેટલેન્ડ ઓથોરિટીની પર્યાવરણ પ્રધાનના અધ્યક્ષ સ્થાને ત્રીજી મિટિંગ યોજાઈ હતી. વર્તમાન રીપોર્ટ નળ સરોવર અને થોળ સાઇટને લઈને આવ્યો છે. જ્યારે નડાબેટનો રીપોર્ટ રજૂ કરવા માટે સમય માંગવામાં આવ્યો છે.
પ્લાસ્ટિક બોટલ ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ
કોર્ટને જણાવાયું હતું કે, તમામ રામસર સાઇટ અને ઈકો સેન્સિટીવ ઝોનમાં પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકાયો છે, સાઈન બોર્ડ લગાવ્યા છે, કચરાપેટી મુકાઈ છે, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટે વ્યવસ્થા કરાઈ રહી છે. જોકે, કોર્ટે કહ્યું હતું કે આ પૂરતું નથી, આ ઈકો સેન્સિટીવ ઝોન છે, અહીં પ્લાસ્ટિક ઉપર ગિરનારની પર્વતની જેમ પ્રતિબંધ મૂકવો જોઈએ. દરેક પર્યટકો જે નળ સરોવર આવતા હોય તેમના માટે પ્લાસ્ટિક બોટલ ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ.
નાસ્તો, પ્લાસ્ટિક, થર્મોકલ, ડિસ્પોઝેબલ ઉપર અહીં પ્રતિબંધ મૂકો.
ચીફ જજે જાતે નળસરોવમાં જોયું હતું કે, ત્યાં પ્લાસ્ટિકની બોટલો, નાસ્તાના પડીકા અને ગુટખાના પડીકા લઈને લોકો આવે છે. આ પર્યટન સ્થળ નથી. તમે ઈકો સેન્સિટીવ ઝોનમાં ખોરાક લઈને જઈ શકો નહીં. નાસ્તો કરવા માટે અલગ વિસ્તાર જાહેર કરો. નાસ્તો, પ્લાસ્ટિક, થર્મોકલ, ડિસ્પોઝેબલ ઉપર અહીં પ્રતિબંધ મૂકો. ગીર ફોરેસ્ટ વિસ્તાર જેવી નીતિ અમલમાં મૂકો. રામસર સાઇટમાં બોટિંગ એ ગીરમાં સફારી કરવા બરાબર છે એટલે નિયમો પણ એવા હોવા જોઈએ. સાઇટની આસપાસ વ્યવસાય કરતા લોકોને કાઢવાના નથી પણ એમને યોગ્ય જગ્યા ફાળવો. બોટિંગ પ્રવૃતિઓને નિયમન કરો, હોડી ચાલકો પાસેથી ચાર્જ લેવાની કોઈ જરૂર નથી, પરંતુ તેમને લાયસન્સ આપો, યોગ્ય યુનિફોર્મ આપો જેથી તેઓને ઓળખી શકાય.
એન્ટ્રી ફ્રી ઝોન રાખી શકો નહીં, ચેક પોઇન્ટ ગોઠવો
કોર્ટ મિત્રએ કહ્યું હતું કે, તે જાતે આ સાઇટ ઉપર ગયા હતા. ત્યાં કેટલીક બાઉન્ડ્રી વોલ તૂટેલી છે. લોકો ગેરકાનૂની ઘૂસીને માછીમારી કરી છે. હાઇકોર્ટે કહ્યું હતું કે, અહીં માછીમારી ઉપર પ્રતિબંધ છે, ચેકીંગ પોઇન્ટ મૂકો. તમે પ્લાસ્ટિક, બોટિંગ વગેરેને લઈને પ્લાન બનાવો પછી ફાઇનલ નિર્દેશ કોર્ટ આપશે. કેવી રીતે તમે પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકશો અને બોટિંગની પ્રવૃતિ કેવી રીતે રેગ્યુલેટ કરશો ? તેને એન્ટ્રી ફ્રી ઝોન રાખી શકો નહીં, ચેક પોઇન્ટ ગોઠવો. તમે કેમેરા લગાવવાની વાત કરી છે તે સારો વિચાર છે. ચીફ સેક્રેટરીએ વન વિભાગ, સરદાર સરોવર નિગમ, મત્સ્ય વિભાગ વગેરેને સાથે રાખી હાઈ લેવલ કમિટી બનાવે. જેથી નદીનું પાણી અને કેનાલનું પાણી રામસર સાઇટમાં ન આવે. આ વરસાદના પાણીથી ભરાતું કુદરતી સરોવર છે, જે અમુક સમય પછી સુકાઈ જાય છે.
ચીફ સેક્રેટરી દ્વારા મોનીટરીંગ કમિટીની રચના કરવી જરૂરી
ગીર ફાઉન્ડેશનનું કામ સાઇટ્સની હેબિટેશનની ક્વોલિટી જાળવવાનું. થોળ પક્ષી અભયારણના રીપોર્ટમાં કેમિકલ કચરો ડિસ્ચાર્જ થતો હોવાનું સામે આવ્યું છે. જેમાં GPCB નો રિપોર્ટ વન વિભાગે મંગાવ્યો છે, કોર્ટે પણ મંગાવ્યો છે. થોળનુ મેનેજમેન્ટ વનવિભાગ અંતર્ગત આવે છે, જે કેન્દ્ર સરકારમાં આવે છે. રાજ્યના વિભાગ તેની સાથે સમન્વય કરતા નથી, આ પાવર ગેમ એટલે ચીફ સેક્રેટરી દ્વારા મોનીટરીંગ કમિટીની રચના કરવી જરૂરી છે. આ મુદ્દે આગામી સમયમાં વધુ સુનવણી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો અંબાજીમાં ત્રિદિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2026’નો પ્રારંભ, શ્રદ્ધાળુઓ ઉમટ્યા



