ઉત્સવ

સર ફિરોઝશાહ મહેતાના આ પ્રકારના મક્કમવલણ સામે ગવર્નર અને શેરિફને ઝૂકી જવું પડ્યું

નરીમાન પોઈન્ટની પાળેથી -મૂલચંદ વર્મા

૧૮૯૬ના ડિસેમ્બરમાં હાફકીને ઓછાં સાધનો અને સાંકડી જગ્યામાં પ્લેગ માટે રસીની શોધખોળ શરૂ કરી દીધી. હાફકીને એક રસી શોધી કાઢી અને તેનો પ્રથમ અખતરો પોતાની ઉપર કરી જોયો. ત્યાર પછી દર્દી કેદીઓને એ ઈન્જેક્શન આપી જોયું અને સફળતા સાંપડી. આથી મુંબઈના સર્જ્યન – જનરલ જી. બેઈનબ્રીજને ખૂબ લાગી આવ્યું. એટલે એક ગપગોળો વહેતો કર્યો કે પ્લેગની રસી બનાવવા માટે ગાય અને ડુક્કરનું માંસ વાપરવામાં આવે છે. ૧૮૫૭માં તો કારતૂસમાં ગાય-ડુક્કરની ચરબી વપરાતી હોવાથી બળવો સર્જાયો હતો, પણ… વાઈસરોયે પરિસ્થિતિ સંભાળી લીધી અને બ્રિટિશ ડૉક્ટરોની અદેખાઈના કારણે આ અફવા ફેલાવવામાં આવે છે એવું જાહેર કરવામાં આવ્યું.

અંગ્રેજ ડૉક્ટરોએ પોતાના અજ્ઞાનના કારણે મુંબઈ-પુણે પરિસરના સેંકડો લોકોને પ્લેગના મોઢામાં મરવા દીધા હતા.

સંત, સરકાર અને સેવક :
આપણા ખાદીધારી નેતાઓ પ્રધાનો બને છે ત્યારે અંગત હેતુ માટે સરકારી સેવા નહીં લેવાની જોરરોરથી જાહેરાત કરે છે, પરંતુ વાસ્તવમાં વધુમાં વધુ લાભ અંગત હિત માટે જ ઉઠાવતા હોય છે. શ્રી મોરારજી દેસાઈ જેવા સિદ્ધાંતપ્રિય પ્રધાનના રાજમાં પણ આવું બનવા પામ્યું છે.

૧૯૫૫ની વાત છે. મુંબઈ રાજ્યમાં ગૃહખાતું ત્યારે શ્રી મોરારજી દેસાઈ સંભાળતા અને ભાઉ સાહેબ નિંબાલકર પણ ત્યારે પ્રધાનમંડળમાં હતા. ભાઉસાહેબ નિંબાલકરના રજવાડી નિવાસસ્થાને ગાડગે મહારાજ ઊતર્યા હતા. ગાડગે મહારાજની તબિયત બરાબર ચાલતી નહોતી અને તેમને પંઢરપુરની યાત્રાએ જવું હતું. સાથે કોઈ સારા સેવકની જરૂર હતી. ભાઉસાહેબે શ્રી મોરારજીભાઈને વાત કરી તો શ્રી મોરારજીભાઈએ થાણે જિલ્લાના જાહેર સંપર્ક અધિકારી શ્રી બાળ સામંતને સચિવાલયમાં તેડાવ્યા.

શ્રી મોરારજીભાઈએ બાળ સામંતને ગાડગે મહારાજ સાથે પંઢરપુર જવા જણાવ્યું અને કહ્યું કે ગાડગે મહારાજ જ્યાં રોકાવાની ઈચ્છા દર્શાવે ત્યાં રોકાઈ જવું, તથા ગાડગે મહારાજીની અંગત કાળજી લેવી.

સંત સરકારી સેવાથી પંઢરપુરની યાત્રા કરી આવ્યા.

શ્રી મોરારજીભાઈ અને શ્રી બાળ સામંત આજે પણ આ ઘટનાની સાક્ષી પૂરી શકે છે.

(૮૬)
મુંબઈના મેયર શ્રી છગન ભૂજબળના અધ્યક્ષપદ હેઠળ તા. ૫મી નવેમ્બરે મુંબઈ શહેરના બેતાજ બાદશાહ મનાતા સર ફિરોઝશાહ મહેતાની ૭૫મી પુણ્યતિથિ મનાવવામાં આવનાર છે એ દર્શાવી આપે છે કે સર ફિરોઝશાહ મહેતાની લોકપ્રિયતા જરાયે આથમી નથી. શહેર અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એમની લોકપ્રિયતાની ઝાંખી કરાવતો એક પ્રસંગ આજે અહીં યાદ કરવા જેવો છે. વીસમી સદીના શરૂઆતના બે દાયકામાં બ્રિટિશ રાજની ઝાકઝમાળનો જમાનો હતો. શહેનશાહ જ્યોર્જ પાંચમાં અને રાણી મેરી દિલ્હીમાં દરબાર ભરવા ૧૯૧રમાં આવી રહ્યાં હતાં. આ દરબારમાં જ્યોર્જ પાંચમાને ભારતના સમ્રાટ જાહેર કરવામાં આવનાર હતા. તે વખતે વિમાનો નહોતાં અને દરિયાઈ માર્ગે સીધા મુંબઈ બંદરે ઊતરવું પડતું હતું, જ્યારે ભારતના શહેનશાહ મુંબઈ પધારી રહ્યા હોય ત્યારે મુંબઈ બંદરે તેમનું સ્વાગત કોણે કરવું? મુંબઈના ગવર્નરે કે મુંબઈના પ્રેસિડન્ટે એ સમસ્યા ઉપસ્થિત થવા પામી. મુંબઈના મેયર ત્યારે મુંબઈના પ્રેસિડન્ટ તરીકે ઓળખાતા હતા. ગવર્નર ત્યારે મુંબઈ ઈલાકા (રાજ્ય)ના વડા હતા, પણ… એ સમયમાં સમાધાન થયું કે રાજા-રાણીનું નાગરિક સન્માન કરવા માટે સાચા અધિકારી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રેસિડન્ટ છે.

ત્યાં બીજો પ્રશ્ર્ન એ ઉપસ્થિત થયો કે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રેસિડન્ટની ચૂંટણી દર વરસે હિંદુ, પારસી, મુસલમાન એવા ધોરણે ક્રમવાર થતી હતી. ૧૯૧૨-૧૩ના વર્ષ માટે હિંદુનો વારો હતો, પરંતુ આ વખતે રાજા-રાણી પધારતાં હોવાથી તેમના ભવ્ય સ્વાગત માટે મુંબઈના નાગરિકોએ એક પ્રભાવશાળી વ્યક્તિની જરૂર જણાઈ અને એ માટે સર ફિરોઝશાહ મહેતાને પસંદ કરવામાં આવ્યાં. આવા મહત્ત્વના પ્રસંગે દરેકને પ્રેસિડેન્ટ થવાની આકાંક્ષા હોય એ સ્વાભાવિક છે. આથી વિરોધનો મોટો વંટોળિયો ઊઠ્યો. સર ફિરોઝશાહ મહેતા પ્રેસિડન્ટની ચૂંટણી માટે ઊભા રહેવા તૈયાર થયા તો તેમની સામે હિંદુ ઉમેદવાર શ્રી મનમોહનદાસ રામજીએ અને સર સાસુન જે ડેવિડે ઉમેદવારી નોંધાવી. સર સાસુનને ઉચ્ચ અધિકારીઓ-યુરોપિયન લોકોનું સમર્થન હતું. સર ફિરોઝશાહ મહેતાની લોકપ્રિયતાની અગ્નિપરીક્ષા હતી. ચૂંટણી યોજાઈ અને સર ફિરોઝશાહ મહેતા માત્ર એક મતથી વિજયી નીવડ્યા. સર ફિરોઝશાહને ૨૭ મતો, સર ડેવિડ સાસુનને છ મતો અને શ્રી મનમોહનદાસ રામજીને ૧ર મતો મળ્યા હતા.

સર ફિરોઝશાહ તો એપોલો બંદર ખાતે રાજા-રાણીના સત્કારના જાહેર પ્રવચનની તૈયારીમાં વ્યસ્ત થઈ ગયા ત્યાં એક નવા જ પ્રકારનો ફણગો ફૂટી નીકળ્યો. મુંબઈના શેરિફ તરીકે ત્યારે શ્રી શાપુરજી ભરૂચા હતા. શ્રી શાપુરજી ભરૂચાને થયું કે એપોલો બંદર ગેટ વે ઑફ ઈન્ડિયા ખાતે રાજા-રાણીનું જાહેર સ્વાગત કરવાનો અધિકાર મુંબઈના શેરિફનો હોવો જોઈએ. મુંબઈના નાગરિકોની જાહેર સત્કારસભામાં સર ફિરોઝશાહ મહેતા સ્વાગત-પ્રવચન કરી શકે છે. શ્રી શાપુરજી ભરૂચા મુંબઈના ગવર્નરને મળ્યા અને વાત કરી. અંગ્રેજ ગવર્નર માટે તો ભાવતું હતું અને વૈદે કહ્યું જેવી વાત થઈ પડી. તેમણે મુંબઈના શેરિફની વાતને અનુમોદન આપ્યું.

શેરિફ શાપુરજી ભરૂચા તો આથી ખુશ ખુશ થઈ ગયા અને એક બપોરે ભવ્ય ભોજન સમારંભ યોજી તેમાં આ વાત જાહેર કરવાનો નિર્ણય કર્યો. ભોજન સમારંભમાં આ વાત રજૂ કરવામાં આવી. સર ફિરોઝશાહ મહેતા ભોજન સમારંભમાંથી સીધા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઑફિસે ગયા અને ત્યાં સાથીઓ સાથે મંત્રણા કરી તરત પત્ર તૈયાર કરી ગવર્નર અને શેરિફને સ્પષ્ટ જણાવી દેવામાં આવ્યું કે એપોલો બંદર ખાતે રાજારાણીનું સ્વાગત મુંબઈના પ્રેસિડન્ટ મુંબઈ વતી કરશે અને જો આ વાત માન્ય રાખવામાં નહીં આવે તો મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી રાજારાણીનો જાહેર સત્કાર શહેરમાં કરવામાં આવશે નહીં.

સર ફિરોઝશાહ મહેતાના આ પ્રકારના મક્કમ વલણ સામે ગવર્નર અને શેરિફને ઝૂકી જવું પડ્યું અને એપોલો બંદર ખાતે સ્વાગત-પ્રવચન સર ફિરોઝશાહ મહેતાએ જ બુલંદ અવાજે વાંચી સંભળાવ્યું.
સર ફિરોઝશાહને નીચા નમાવવાનો આ કંઈ પ્રથમ પ્રયાસ નથી. ૧૯૦૭માં પણ એવો પ્રયાસ કરાયો
હતો. તે વખતે જસ્ટિસ ઑફ પીસ. જે. પી. (વર્તમાન સ્પેશ્યલ એક્ઝિક્યૂટિવ મેજિસ્ટ્રેટ) ઓ તરફથી મ્યુ. કોર્પોરેશનમાં ૧૬ સભ્યને ચૂંટી કાઢવામાં આવતા હતા. સર ફિરોઝશાહ ઘણાં વરસોથી જે. પી. મતદાર વિસ્તારમાંથી ચૂંટાઈ આવતા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…