સ્પોર્ટસ

રણજી ચૅમ્પિયન મુંબઈના ઓછા જાણીતા સુપરસ્ટાર ઑલરાઉન્ડરની ટૂંકી કરીઅરના ધમાકેદાર આંકડા જાણવા જેવા છે

મુંબઈ: રણજી ટ્રોફીમાં મુંબઈ અગાઉ વિક્રમજનક 41 ટાઇટલ જીત્યું હતું અને છેલ્લા આઠ વર્ષથી એને 42મી ટ્રોફી હાથતાળી આપી રહી હતી. જોકે આ વખતે ફરી એકવાર અજિંક્ય રહાણેના સુકાનમાં મુંબઈના ખેલાડીઓ મનમાં ગાંઠ વાળીને વિદર્ભ સામેની ફાઇનલમાં રમવા આવ્યા અને 42મું ટાઇટલ જીતીને રહ્યા. આ વિરલ સિદ્ધિમાં રહાણેની કાબિલેદાદ કૅપ્ટન્સી ઉપરાંત બીજા ઘણા ખેલાડીઓના પર્ફોર્મન્સ સહભાગી છે, પરંતુ પચીસ વર્ષના ઑફ-સ્પિનિંગ ઑલરાઉન્ડર તનુષ કોટિયનનો દમદાર પર્ફોર્મન્સ બધાથી અલગ તરી આવે એવો રહ્યો છે.

મુંબઈએ ગુરુવારે વાનખેડેમાં વિદર્ભને ફાઇનલમાં 169 રનથી હરાવ્યું હતું. 538 રનના તોતિંગ લક્ષ્યાંક સામે વિદર્ભના બૅટર્સે જબરદસ્ત ફાઇટબૅક સાથે મુંબઈની ટીમની જીતને વિલંબમાં મૂકી દીધી હતી. વિદર્ભની ટીમ 368 રન બનાવી શકી હતી અને ‘મહાકાય’ મુંબઈ સામે હાર સ્વીકારી લીધી હતી.

મુંબઈની આ શાનદાર જીતમાં કોટિયનનું બહુ મોટું યોગદાન હતું. કોટિયને આખી રણજી સીઝનમાં બૉલ અને બૅટથી પરચો બતાડ્યો હતો અને પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટનો અવૉર્ડ જીત્યો હતો. ફાઇનલમાં તેણે કુલ સાત વિકેટ લીધી હતી. મૅચના ચોથા દાવમાં વિદર્ભના કૅપ્ટન અક્ષય વાડકરે સેન્ચુરી ફટકારીને એક સમયે મુંબઈની ટીમને થોડી ચિંતામાં મૂકી દીધી હતી, પરંતુ કોટિયને તેની વિકેટ લઈને મુંબઈને વાપસી અપાવી હતી.

કોટિયન આ વખતની (2023-’24ની) રણજી સીઝનમાં 10 મૅચ રમ્યો જેમાં તેણે 16.96ની શાનદાર સરેરાશે કુલ 29 વિકેટ લીધી. એ ઉપરાંત, તેણે એક સેન્ચુરી અને પાંચ હાફ સેન્ચુરીની મદદથી 41.83ની ઍવરેજ સાથે કુલ 502 રન બનાવ્યા અને લગભગ દરેક હરીફ ટીમને ભારે પડ્યો. કોટિયને 2018-’19ની રણજી સીઝનથી પ્રથમ કક્ષાની મૅચોમાં રમવાનું શરૂ કર્યું હતું. અત્યાર સુધીમાં તે 26 મૅચમાં 27.00ની ઍવરેજ સાથે 75 વિકેટ લઈ ચૂક્યો છે. બે વાર તે દાવમાં પાંચ-પાંચ વિકેટ લઈ ચૂક્યો છે. તેની બૅૅટિંગની વાત કરીએ તો આ 26 મૅચમાં તેણે 45.00ની સરેરાશે 1152 રન બનાવ્યા છે જેમાં એક સેન્ચુરી અને અગિયાર હાફ સેન્ચુરી સામેલ છે. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટની ‘લિસ્ટ-એ’ મૅચોમાં કોટિયને 20 વિકેટ અને ટી-20 મૅચોમાં 24 વિકેટ લીધી છે તેમ જ કુલ 150 જેટલા રન પણ બનાવ્યા છે.

પૂંછડિયા બૅટર્સમાં ભાગીદારી કરવામાં પણ કોટિયન ચમક્યો છે. બરોડા સામેની ક્વૉર્ટર ફાઇનલમાં તેણે તુષાર દેશપાંડે સાથેની જોડીમાં દસમી વિકેટ માટે 232 રનની વિક્રમજનક પાર્ટનરશિપ કરી હતી. કોટિયને ત્યારે 129 બૉલમાં અણનમ 120 રન અને દેશપાંડેએ 129 બૉલમાં 123 રન બનાવ્યા હતા. ર્ફ્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 10મી વિકેટ માટેની ભાગીદારી કરનાર 10મા તથા 11મા ક્રમના બૅટરે સેન્ચુરી ફટકારી હોવાનો એ બીજો જ કિસ્સો હતો. કોટિયન-દેશપાંડેની જોડીએ ચંદુ સરવટે (અણનમ 124) અને શૂત બૅનર્જી (121)ની બરાબરી કરી હતી. કોટિયન અને દેશપાંડેની જોડી માત્ર એક માટે અજય શર્મા અને મનિન્દર સિંહના 32 વર્ષ જૂના વિક્રમની બરાબરી કરવાનું ચૂકી ગઈ હતી. અજય શર્મા અને મનિન્દરે 10મી વિકેટ માટે 233 રનની પાર્ટનરશિપ કરી હતી, જ્યારે કોટિયન-દેશપાંડે વચ્ચે 232 રન બન્યા હતા.

કોટિયનનો જન્મ અને ઉછેર મુંબઈમાં થયા. જોકે તેના પરિવારનું મૂળ વતન કર્ણાટકમાં છે. તેના પપ્પા કરુણાકર અને મમ્મી મલ્લિકા કોટિયન મૂળ ઉડુપી જિલ્લાના પંગાલા ગામનાં છે. કોટિયન ભારતની અન્ડર-19 ટીમ વતી પણ રમી ચૂક્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup! Post Office Scheme: Earn Rs 1,11,000 Yearly with This Government Scheme