સ્પોર્ટસ

IND vs ENG:  હાર પછી પ્રહાર, ભારત 2021નું વિજયી પુનરાવર્તન કરે પણ ખરું: અશ્વિન 500મી વિકેટની તલાશમાં

સરફરાઝ કે પાટીદાર, બેમાંથી કોને મળશે બીજી ટેસ્ટમાં મોકો?

વિશાખાપટ્ટનમ: હૈદરાબાદમાં ઇંગ્લૅન્ડ સામેની પાંચ મૅચવાળી ટેસ્ટ-સિરીઝની પ્રથમ મૅચમાં ભારતે પહેલા પ્રભુત્વ જમાવ્યું, પણ પછી ધીમે-ધીમે મૅચ પરથી પકડ ગુમાવી અને છેવટે ચોથા જ દિવસે 28 રનના ટૂંકા માર્જિનથી પરાજય જોવો પડ્યો એ નિરાશાજનક બાબત છે, વિરાટ કોહલી તેમ જ કેએલ રાહુલ અને રવીન્દ્ર જાડેજા જેવા દિગ્ગજો શુક્રવારે વિશાખપટ્ટનમમાં શરૂ થનારી બીજી ટેસ્ટમાં નથી રમવાના એ પણ ખરું અને એકાદ-બે પીઢ ખેલાડીને બાદ કરતા યુવાનિયાઓથી ભરેલી ટીમે બેન સ્ટૉક્સ ઇલેવન સામે સંઘર્ષમાં ઉતરવાનું છે એ વાત પણ સાચી, પરંતુ કહેવાય છેને કે ‘ઇતિહાસનું પુનરાવર્તન ક્યારેક તો થઈને જ રહે છે.’

2021માં આપણે ઘરઆંગણે ઇંગ્લૅન્ડ સામે ચેન્નઈમાં સિરીઝની પહેલી ટેસ્ટ હારી ગયા હતા, પણ પછી આપણા વીરલાઓએ જબરદસ્ત કમબૅક કર્યું અને પછીની ત્રણેય ટેસ્ટમાં વિજય મેળવીને સિરીઝ 3-1થી જીતી લીધી હતી.
આ તો ક્રિકેટ છે, કંઈ પણ શક્ય છે. હૈદરાબાદમાં જીતી શકાય એમ હતું એમાં આપણે હારી ગયા અને નિરુત્સાહના વાતાવરણમાં તેમ જ પ્રચંડ માનસિક દબાણમાં હવે આપણી ટીમ વિશાખાપટ્ટનમાં જીતે પણ ખરી. આંધ્ર પ્રદેશના આ શહેરમાં ભારતનો 100 ટકા વિનિંગ ટેસ્ટ-રેકૉર્ડ છે. અહીં ભારત બંને ટેસ્ટ જીત્યું છે. 2016માં ભારતે અહીં ઇંગ્લૅન્ડને અને 2019માં સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું.


ત્રણ વર્ષ પહેલાંની હોમ-સિરીઝની વાત પર ફરી આવીએ તો ફેબ્રુઆરી 2021માં કૅપ્ટન જો રૂટની ડબલ સેન્ચુરી (218 રન)ના જોરે ઇંગ્લૅન્ડે આર. અશ્ર્વિનના કુલ નવ વિકેટના તરખાટ છતાં 227 રનના તોતિંગ માર્જિનથી વિજય મેળવીને 1-0થી સરસાઈ મેળવી હતી. જોકે ચેન્નઈની જ બીજી ટેસ્ટમાં વિરાટ કોહલીના સુકાનમાં ભારતે વળતો પ્રહાર કરવાની શરૂઆત કરી દીધી હતી. આ વખતના બ્રિટિશ ખેલાડીઓ એ બીજી ટેસ્ટની વીડિયો જરૂર જોઈ લેશે, કારણકે એમાં રોહિત શર્મા, અશ્ર્વિન અને અક્ષર પટેલે ધમાલ મચાવી દીધી હતી.


આ વખતે આ ત્રણેય પ્લેયર ફરી મૅચ-વિનર બની શકે એમ છે. 2021ની એ બીજી ટેસ્ટમાં રોહિતે પ્રથમ દાવમાં 161 રન બનાવ્યા હતા, અશ્ર્વિને પાંચ તથા અક્ષરે બે વિકેટ લીધી હતી અને બીજા દાવમાં અશ્ર્વિને બૅટથી પણ કમાલ દેખાડીને 235 મિનિટ સુધી ક્રીઝ પર ટકી રહીને સેન્ચુરી (106) ફટકારી હતી. જો રૂટની ટીમને 482 રનનો તોતિંગ લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ લેફ્ટ-આર્મ ફિંગર સ્પિનર અક્ષરની પાંચ વિકેટ તથા અશ્ર્વિનની ત્રણ વિકેટના તરખાટને લીધે બ્રિટિશરો સાવ પાણીમાં બેસી ગયા હતા અને 164 રનમાં તેમની ટીમ તંબૂ ભેગી થઈ જતાં ભારતનો 317 રનથી શાનદાર વિજય થયો હતો.

ત્યાર બાદ ભારતે અમદાવાદમાં ત્રીજી ટેસ્ટ 10 વિકેટે તથા ચોથી ટેસ્ટ એક ઇનિંગ્સ અને પચીસ રનથી જીતીને 3-1ની સરસાઈ સાથે શ્રેણીની ટ્રોફી પર કબજો કર્યો હતો.


અશ્ર્વિન ત્યારે મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર જીત્યો હતો અને આ વખતે પણ કમાલ બતાડી શકે છે, કારણકે તે 500 ટેસ્ટ-વિકેટના મોટા કીર્તિમાનની નજીક છે. 500 વિકેટ લેનાર ભારતનો (અનિલ કુંબલે પછીનો) બીજો બોલર બનવા અશ્ર્વિનને ફક્ત ચાર વિકેટની જરૂર છે.


ઈજાગ્રસ્ત કેએલ રાહુલની જગ્યાએ ફેવરિટ બૅટર રજત પાટીદારને અથવા ડોમેસ્ટિક ક્રિકેટના સ્ટાર બૅટર સરફરાઝ ખાનને રમવાનો મોકો મળી શકશે. ઈજાને લીધે ન રમી શકનાર રવીન્દ્ર જાડેજાના સ્થાને લેફ્ટ-આર્મ સ્પિનર કુલદીપ યાદવને રમવા મળી શકે એમ છે, જ્યારે માત્ર જસપ્રીત બુમરાહથી ચલાવી લઈને મોહમ્મદ સિરાજને ડ્રૉપ કરવામાં આવશે તો ઑફ-સ્પિનિંગ ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદરને તક મળી શકે. નવા લેફ્ટ-આર્મ સ્પિનર સૌરભ કુમારનો પણ સ્ક્વૉડમાં ઉમેરો થયો છે. વિરાટ કોહલી ત્રીજી ટેસ્ટથી કમબૅક કરવાનો જ છે, પરંતુ શુભમન ગિલ અને શ્રેયસ ઐયરના પર્ફોર્મન્સ પર સૌની નજર રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…