બેન્ગલૂરુ: 2023ની સીઝનમાં ગુજરાત ટાઇટન્સ (GT) સામેની અમદાવાદની ફાઇનલનું વરસાદ અને ખરાબ વાતાવરણને કારણે છેક ત્રીજા દિવસે છેલ્લી ઓવરના અંતિમ બૉલ પર પરિણામ આવ્યું હતું. ચેન્નઈ (CSK) માટે ત્યારે રવીન્દ્ર જાડેજા મૅચ-વિનર બન્યો હતો અને જાડેજા અંતિમ બૉલ પર વિનિંગ શૉટ મારીને એમએસ ધોની પર ટિંગાઈ ગયો હતો.
જોકે શનિવારે બેન્ગલૂરુમાં ચેન્નઈએ 20મી ઓવરમાં (પ્લે-ઑફ માટે ક્વૉલિફાય થવા) 17 રન બનાવવાના હતા ત્યારે ધોની બેન્ગલૂરુના યશ દયાલની 20મી ઓવરના પ્રથમ બૉલમાં સિક્સર ફટકાર્યા બાદ બીજા બૉલમાં કૅચ આપી બેઠો હતો અને ત્યાર બાદ જાડેજા તથા શાર્દુલ ઠાકુર ચેન્નઈને જિતાડવામાં નિષ્ફળ રહેતાં અને પ્લે-ઑફમાં પહોંચાડવામાં નિષ્ફળ જતાં ધોની અત્યંત નિરાશ થઈ ગયો હતો. તેને એ થ્રિલરના પરાજયનો એટલો બધો આઘાત લાગ્યો હતો કે તે ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા વગર જતો રહ્યો હતો.
સામાન્ય રીતે મૅચ પછી બન્ને ટીમના ખેલાડીઓ મેદાન પર આવીને એકમેક સાથે હાથ મિલાવતા હોય છે. ખેલભાવનાને ધ્યાનમાં રાખીને આ પ્રથા ઘણા વર્ષોથી ચાલે છે.
શનિવારની મૅચ પછી સીએસકે અને આરસીબી, બન્ને ટીમના પ્લેયર્સ એકમેક સાથે હાથ મિલાવતા જોવા મળ્યા હતા. એની થોડી ક્ષણો પહેલાં ધોની સીએસકેના ખેલાડીઓની લાઇનમાં સૌથી આગળ જોવા મળ્યો હતો, પરંતુ થોડી વાર તે ત્યાં રોકાયો હતો અને ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા વિના ત્યાંથી જતો રહ્યો હતો.
આરસીબીના કેટલાક પ્લેયર્સ જઈ રહેલા ધોનીને બાઉન્ડરી લાઇન પાસે મળ્યા ત્યારે ધોનીએ તેમની સાથે હાથ મિલાવ્યા હતા અને ત્યાંથી જ પૅવિલિયનમાં જતો રહ્યો હતો.ધોની આઇપીએલની આ સીઝન રમ્યા બાદ નિવૃત્તિ લેશે એવી ઘણા મહિનાઓથી ચર્ચા હતી એટલે શનિવારની તેની મૅચ ‘ફેરવેલ-મૅચ’ ગણી શકાય જેમાં તેણે નિરાશા ખમવી પડી.
ધોનીએ આ સીઝનમાં 161 રન બનાવ્યા હતા જેમાં 13 સિક્સર અને 14 ફોરનો સમાવેશ હતો.
ધોનીએ શનિવારે છેલ્લા સ્કોરિંગ-શૉટમાં જે સિક્સર ફટકારી એનાથી આરસીબીના પેસ બોલર યશ દયાલને આડકતરી રીતે ફાયદો થયો હતો. યશની 20મી ઓવરના પ્રથમ બૉલમાં ધોનીએ (આ સીઝનની સૌથી લાંબી) 110 મીટર લૉન્ગેસ્ટ સિક્સર ફટકારી હતી. એમાં બૉલ સ્ટેડિયમની બહાર ગયો હતો.
પરિણામે, વપરાયેલો પરંતુ નવો ડ્રાય બૉલ લેવામાં આવ્યો હતો જેનાથી યશ ભેજવાળા હવામાન છતાં એ બૉલ પર બરાબર ગ્રિપ મેળવી શક્યો હતો. યશ પછીના જ બૉલમાં ધોનીને ધીમો બૉલ ફેંક્યો જેમાં ધોની ડીપમાં સ્વપ્નિલ સિંહને કૅચ આપી બેઠો હતો. યશ એ ડ્રાય બૉલની મદદથી પછીથી શાર્દુલને તેમ જ જાડેજાને પણ કાબૂમાં રાખી શક્યો હતો. બેન્ગલૂરુની ટીમના ખુદ વિકેટકીપર-બૅટર દિનેશ કાર્તિકે મૅચ પછી કહ્યું, ‘યશને ધોનીની સિક્સર પછી મળેલા ડ્રાય બૉલથી ફાયદો થયો હતો. છેવટે એ લાભ આરસીબીને જ થયો અને અમે પ્લે-ઑફમાં પહોંચી શક્યા.’
આઇપીએલ-2024ની લૉન્ગેસ્ટ સિક્સર કોના નામે?
(1) ધોની (ચેન્નઈ), 110 મીટર, બેન્ગલૂરુ સામે
(2) કાર્તિક (બેન્ગલૂરુ), 108 મીટર, હૈદરાબાદ સામે
(3) ક્લાસેન (હૈદરાબાદ), 106 મીટર, બેન્ગલૂરુ સામે
(4) વેન્કટેશ (કોલકાતા), 106 મીટર, બેન્ગલૂરુ સામે
(5) પૂરન (લખનઊ), 106 મીટર, બેન્ગલૂરુ સામે