
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની મેચમાં મેદાન પર ધૂમ મચાવવાની સાથે અભિનેતા શાહરુખ ખાનની ટીમ કોકલતતા નાઈટ રાઈડર્સ (KKR) સોશિયલ મીડિયા પર પણ જોરદાર વાઇરલ થઈ રહ્યા છે. કેકેઆરના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેકેઆરના સ્ટાર ખેલાડી આન્દ્રે રસલ અને રિંકુ સિંહના શાહરુખ ખાન અને તાપસી પન્નુંની ફિલ્મ ‘ડંકી’નું ‘લૂટ પુટ ગયા’ ગીત ગાતાનો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. રિંકુ અને રસલના આ વીડિયો પર તાપસી પન્નુંએ પણ રીએક્શન આપ્યું હતું.
કેકેઆરના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેકેઆરના સ્ટાર ખેલાડી આન્દ્રે રસલ અને રિંકુ સિંહ ‘લૂટ પુટ ગયા’ ગીત ગાતા મજાક મસ્તી કરી રહ્યા છે. આ વીડિયોમાં પહેલા રિંકુ આ ગીત ગાતો દેખાઈ રહ્યો છે અને તે કહે છે કે રસલ ને કે. રિંકુની આ વાત સાંભળીને રસલ કહે છે કે ‘આ મારુ ગીત છે, તું નહીં ગા’ ત્યારબાદ રિંકુને રસલની ખૂબ મજાક ઉડાવી હતી.
રિંકુ અને રસલનો આ મસ્તીભર્યો વીડિયો પર ‘કોણે સારું ગાયું, આન્દ્રે કે રિંકુ’ એવું કેપ્શન આપવામાં આવ્યું હતું. આ વીડિયોને ‘ડંકી’ અભિનેત્રી તાપસી પન્નુંએ પોતાની ઇનસ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરીને લખ્યું કે ‘મને પણ આ ટુર્નામેંટને જજ કરવી છે.’ રિંકુ અને આન્દ્રે વચ્ચે જમેલી સંગીત સ્પર્ધા લોકોને ખૂબ જ ગમી છે અને તેઓ રિંકુ અને રસલના ગીતના વખાણ પણ કરી રહ્યા છે.
તાપસી પન્નું છેલ્લે રાજકુમાર હીરાનીની ફિલ્મ ‘ડંકી’માં જોવા મળી હતી અને તાપસી પન્નુંએ તેના બોયફ્રેન્ડ મેથિયાસ બો સાથે લગ્ન કરી લીધા હોવાની અફવા ફેલાઈ હતી. જોકે તાપસીએ આ વાત માત્ર એક અફવા હોવાનો ખુલાસો કર્યો હતો અને તે તેની પર્સનલ લાઈફને કોની સાથે શેર નથી કરતી એવું પણ કહ્યું હતું.