સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમના પતનનાં નવા આંકડા શૉકિંગ છે…
શારજાહ: સાઉથ આફ્રિકા ક્યારેય અફઘાનિસ્તાન સામે ટેસ્ટ-મૅચ નથી રમ્યું અને ટી-20માં એની સામે કદી પણ પરાજય નહોતો જોયો, પરંતુ વન-ડેમાં સાઉથ આફ્રિકાને પ્રથમ વાર અફઘાનિસ્તાન સામે પરાજયનો અનુભવ કડવો થયો છે.
બુધવારે અહીં ત્રણ મૅચવાળી સિરીઝની પ્રથમ વન-ડેમાં હશમતુલ્લા શાહિદીના નેતૃત્વમાં અફઘાનિસ્તાને એઇડન માર્કરમની ટીમને 144 બૉલ બાકી રાખીને અને છ વિકેટના માર્જિનથી હરાવીને 1-0થી સરસાઈ મેળવી હતી. સાઉથ આફ્રિકાએ આ મૅચમાં કેટલાક એવા પતન જોયા જે તેમને મહિનાઓ સુધી માનસિક રીતે પરેશાન કરતા રહેશે. હવે એકમાત્ર ભારત એવો દેશ છે જેની સામે અફઘાનિસ્તાન કયારેય નથી જીતી શક્યું.
હજી અઢી મહિના પહેલાં ભારત સામેની ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં સૂર્યકુમાર યાદવના અભૂતપૂર્વ કૅચ અને હાર્દિક પંડ્યાની અસરદાર બોલિંગને કારણે સાઉથ આફ્રિકાની ટીમ પહેલી મોટી ટ્રોફીથી વંચિત રહી હતી ત્યાં હવે એણે અફઘાનિસ્તાન સામે નામોશી જોવી પડી છે.
બુધવારે સાઉથ આફ્રિકાએ બૅટિંગ પસંદ કરી હતી, પરંતુ ફાસ્ટ બોલર ફઝલહક ફારુકીની ચાર વિકેટ, ટીનેજ ઑફ-સ્પિનર અલ્લા મોહમ્મદ ઘઝનફરની ત્રણ અને પીઢ સ્પિનર રાશિદ ખાનની બે વિકેટને કારણે માર્કરમની ટીમ ફક્ત 106 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. અફઘાનિસ્તાને ગુલબદિન નઇબના અણનમ 34 રન અને અઝમતુલ્લા ઓમરઝાઈના અણનમ પચીસ રનની મદદથી 26 ઓવરમાં ચાર વિકેટે 107 રન બનાવીને વન-સાઇડેડ મુકાબલામાં આસાનીથી વિજય મેળવી લીધો હતો.
આપણ વાંચો: કોહલીની 45 મિનિટ બૅટિંગ, બુમરાહે પણ પસીનો પાડ્યો: ટેસ્ટ-મૅચનું કાઉન્ટડાઉન શરૂ…
સાઉથ આફ્રિકાએ માત્ર 36 રનમાં સાત વિકેટ ગુમાવી હતી. જોકે વધુ નવાઈ તો એ વાતની છે કે પહેલી વાર સાઉથ આફ્રિકાએ 10 ઓવરમાં પહેલી સાત વિકેટ ગુમાવી. આ પહેલાં તેમણે 13 ઓવરમાં સાત વિકેટ ગુમાવી હતી અને એ ગયા વર્ષે જોહનિસબર્ગમાં ભારત સામેની વન-ડેમાં બન્યું હતું.
ભારતે એ મૅચ અર્શદીપ સિંહની પાંચ વિકેટ અને આવેશ ખાનની ચાર વિકેટ તેમ જ ઓપનર સાઇ સુદર્શનના અણનમ પંચાવન રન અને શ્રેયસ ઐયરના બાવન રનની મદદથી એ લો-સ્કોરિંગ મૅચ 200 બૉલ બાકી રાખીને આઠ વિકેટના માર્જિન સાથે જીતી લીધી હતી.
સાઉથ આફ્રિકાએ પહેલી જ વાર વન-ડેમાં 50 રનની અંદર સાત વિકેટ ગુમાવી દીધી. બુધવારે એણે ફક્ત 36 રનના સ્કોર પર સાતમી વિકેટ ગુમાવી હતી.
અફઘાનિસ્તાન ક્રિકેટજગતના જે પણ પહેલા આઠ ફુલ મેમ્બર રાષ્ટ્ર સામે વન-ડે મૅચો રમ્યું છે એમાં સાઉથ આફ્રિકાના 106 રન એની (અફઘાનિસ્તાન) સામેનો એનો લોએસ્ટ સ્કોર છે. વેસ્ટ ઇન્ડિઝના 149 રન બીજા સ્થાને અને શ્રીલંકાના 158 રન ત્રીજા ક્રમે છે.
આપણ વાંચો: યશસ્વીએ ધબડકો રોક્યા પછી અશ્વિન-જાડેજાએ બાંગ્લાદેશનું બૅન્ડ બજાવી દીધું
અફઘાનિસ્તાને ઝિમ્બાબ્વેને ત્રણ વાર 100 કે વધુ ટોટલ પર અને આયરલૅન્ડને એક વાર 100 રન પર ઑલઆઉટ કર્યું છે, પરંતુ મોટા ક્રિકેટ-દેશોમાં સાઉથ આફ્રિકાના માત્ર 106 રન અફઘાનિસ્તાન માટે મોટી સિદ્ધિ છે.
સાઉથ આફ્રિકાએ વન-ડેમાં પહેલા બૅટિંગ કરી હોય એવા ટીમ-ટોટલમાં 106 રન ત્રીજા નંબરે છે. ઇંગ્લૅન્ડ સામેના 83 રન અને ભારત સામેના 99 રન પહેલા બે નંબરના એના લોએસ્ટ-ટોટલ છે.
વન-ડેમાં સાઉથ આફ્રિકાના ટોચના છ બૅટર કુલ મળીને માત્ર 32 રન બનાવી શક્યા. પહેલા છ બૅટર જેમાં આઉટ થયા હોય એવા ટોટલ્સમાં હવે 32 રન એનો નવો લોએસ્ટ સ્કોર છે.
અફઘાનિસ્તાનનો ફઝલહક ફારુકી તેના દેશ વતી 100 ઇન્ટરનૅશનલ વિકેટ લેનાર દોલત ઝડ્રાન અને ગુલબદિન નઇબ પછીનો ત્રીજો પેસ બોલર છે.