સ્પોર્ટસ

યશસ્વીએ ધબડકો રોક્યા પછી અશ્વિન-જાડેજાએ બાંગ્લાદેશનું બૅન્ડ બજાવી દીધું

ચેન્નઈ: ભારતે અહીં ટેસ્ટ-સિરીઝની પ્રથમ મૅચમાં ગુરુવારે બાંગ્લાદેશ સામે શરૂઆતના ધબડકાના આઘાત બાદ શાનથી પ્રારંભિક દિવસની રમત પૂરી કરી હતી. રવિચન્દ્રન અશ્વિન (102 નૉટઆઉટ, 112 બૉલ, બે સિક્સર, દસ ફોર) શ્રેણીના પહેલા દિવસનો સુપરસ્ટાર હતો. તેની અને રવીન્દ્ર જાડેજા (86 નૉટઆઉટ, 117 બૉલ, બે સિક્સર, દસ ફોર) વચ્ચે સાતમી વિકેટ માટે 195 રનની અતૂટ ભાગીદારી થઈ હતી.

રમત પૂરી થઈ ત્યારે ભારતનો સ્કોર છ વિકેટે 339 રન હતો. આ પાર્ટનરશિપ શરૂ થઈ એ પહેલાં ભારતે 144 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે ટીમ ઇન્ડિયાના બે સ્પિન-સમ્રાટ અશ્ર્વિન અને જાડેજાની જુગલ જોડીએ ટીમને મૅચ પર મજબૂત પકડ અપાવી દીધી હતી.

જોકે સવારે ભારતે ટૉપ-ઑર્ડરનો રકાસ જોવો પડ્યો હતો, પરંતુ એ ધબડકા વચ્ચે ઓપનર યશસ્વી જયસ્વાલ (56 રન, 118 બૉલ, નવ ફોર) ક્રીઝ પર ટકી રહ્યો હતો અને તેણે રિષભ પંત (39 રન, બાવન બૉલ, છ ફોર) સાથે મળીને ધબડકો અટકાવીને ઘરઆંગણે ટીમની આબરૂ સાચવી લીધી હતી અને પછી ટીમને સન્માનજનક સ્થિતિમાં લાવવાનું બાકીનું કામ અશ્ર્વિન-જાડેજાએ સંભાળી લીધું હતું.

આપણ વાંચો: ભારત ઘરઆંગણે 12 વર્ષથી ટેસ્ટ-સિરીઝ નથી હાર્યું

સવારે બાંગ્લાદેશના કૅપ્ટન નજમુલ શૅન્ટોએ ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી અને જોત જોતામાં ભારતે કૅપ્ટન-ઓપનર રોહિત શર્મા (6), શુભમન ગિલ (0) અને વિરાટ કોહલી (6)ની વિકેટ ગુમાવી દીધી હતી. ત્રણેય વિકેટ બાંગ્લાદેશના યુવા ફાસ્ટ બોલર હસન મહમૂદે લીધી હતી.

જોકે 34 રનમાં ત્રણ વિકેટ પડ્યા બાદ યશસ્વી-પંત વચ્ચે ચોથી વિકેટ માટે 62 રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી. પંતની 96મા રને વિકેટ પડ્યા બાદ કે. એલ. રાહુલ (16) સાથે યશસ્વીની 48 રનની પાર્ટનરશિપ થઈ હતી અને યશસ્વીની 144 રનના કુલ સ્કોર પર વિકેટ પડવાની સાથે એ ભાગીદારી તૂટ્યા પછી તરત જ રાહુલ પણ એ જ સ્કોર પર આઉટ થઈ ગયો હતો અને ત્યાર બાદ અશ્વિન-જાડેજાએ બાજી સંભાળી લીધી હતી.

પહેલી ચારેય વિકેટ હસન મહમૂદે લીધી હતી. ભારતનો ધબડકો રોકનાર યશસ્વીને બીજા પેસ બોલર નાહિદ રાણાએ અને રાહુલને સ્પિનર મેહદી હસન મિરાઝે આઉટ કર્યો હતો.

ભારત ક્યારેય બાંગ્લાદેશ સામે ટેસ્ટ-મૅચ નથી હાર્યું. 13માંથી 11 ટેસ્ટ ભારત જીત્યું છે અને બે મૅચ ડ્રૉમાં પરિણમી છે.

Back to top button
દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker