પુરુષ

ડેરેક અન્ડરવૂડ: ભીનાશવાળી પિચ પરના ‘ડેડલી’ સ્પિનરની અલવિદા

કાઉન્ટીની એક ઇનિંગ્સમાં ૯ રનમાં લીધેલી ૮ વિકેટ તેમનો સુપર-ડુપર પર્ફોર્મન્સ હતો: આ મહાન બોલર ઑસ્ટ્રેલિયા અને ભારત સામે હતા સૌથી સફળ બન્યા હતા

સ્પોર્ટ્સમેન -અજય મોતીવાલા

૧૯૬૮માં અન્ડરવૂડે તમામ ૧૦ ફીલ્ડર્સને આસપાસ ઊભા રખાવીને ઑસ્ટ્રેલિયાના જૉન ઇન્વરેરિટીને એલબીડબ્લ્યૂ કર્યા હતા.

૧૯૬૮માં લંડનના ઓવલ ગ્રાઉન્ડ પર ઑસ્ટ્રેલિયા સામે ઇંગ્લૅન્ડ ઍશિઝ સિરીઝ હારવાની તૈયારીમાં હતું. એ સમયે ટેસ્ટ મૅચમાં એક દિવસનો રેસ્ટ ડે રખાતો હતો. ટેસ્ટના છેલ્લા દિવસે બિલ લૉરીની ટીમ ૩૫૨ રનનો લક્ષ્યાંક મેળવી શકે એમ હતી. ટેસ્ટ ડ્રૉ ગઈ હોત તો પણ ઑસ્ટ્રેલિયાનો ૧-૦થી વિજય થયો હોત. એમાં વળી લંચ-બ્રેક દરમ્યાન આભ ફાટ્યું હતું. જોકે ઇંગ્લૅન્ડના મહાન સ્પિનર ડેરેક અન્ડરવૂડ ઑસ્ટ્રેલિયાના બૅટર્સ પર ત્રાટકવા તત્પર હતા. તેમના હાથમાં ખંજવાળ આવતી હતી એમ કહીએ તો પણ ખોટું નથી. વરસાદ તો અટકી ગયો અને પિચ ક્યૂરેટર અને તેમના માળીઓ પિચ અને મેદાન સાફ કરવા મેદાન પર ઊતરી પણ આવ્યા, પરંતુ આઉટફીલ્ડ એટલું બધું ભીનું હતું કે જરાય રમવા લાયક નહોતું. અન્ડરવૂડ ઑસ્ટ્રેલિયાની ત્રણ વિકેટ લઈ ચૂક્યા હતા એટલે પ્રેક્ષકોને તેમની અને બીજા બોલર્સ (જૉન સ્નો, ડેવિડ બ્રાઉન, રે ઇલિંગવર્થ, બૅસિલ ઑલિવિરા)ની કમાલ ગમે એમ કરીને જોવી જ હતી એટલે એમાંના કેટલાક લોકો મેદાન પર આવી ગયા અને આઉટફીલ્ડ સાફ કરવા માળીઓને મદદ કરવા લાગ્યા હતા. ગ્રાઉન્ડ સાફ થઈ ગયું, રમવાલાયક થયું અને રમત ફરી શરૂ થઈ. જોતજોતામાં અન્ડરવૂડે કાંગારૂઓની બાકીની વિકેટ લઈ લીધી અને ઑસ્ટ્રેલિયન ટીમની છાવણીમાં સન્નાટો છવાઈ ગયો. માત્ર ૨૭ બૉલમાં અન્ડરવૂડે ચાર વિકેટ લીધી અને ઑસ્ટ્રેલિયા ૨૨૬ રનથી પરાસ્ત થયું તેમ જ ઇંગ્લૅન્ડે સિરીઝ ૧-૧થી સમકક્ષ કરી લીધી. લેફ્ટ-આર્મ સ્પિનર અન્ડરવૂડની કમાલ તો જુઓ, મૅચમાં છેલ્લે છ મિનિટ બાકી રાખીને તેમણે ઇંગ્લૅન્ડને જિતાડ્યું હતું.

વિશ્ર્વના ગ્રેટેસ્ટ-એવર સ્પિનર્સમાં ગણાતા ડેરેક અન્ડરવૂડ પર ફોકસ રાખવા પાછળનો આશય એ છે કે આ અઠવાડિયાની શરૂઆતમાં તેમનું અવસાન થયું હતું. તેઓ ૭૮ વર્ષના હતા.

‘ડેડલી’ તરીકે ઓળખાતા આ મહાન સ્પિનરે કંઈ કેટલાયે બૅટર્સમાં ડર ફેલાવી દીધો હતો. તેમની સૌથી મોટી ખાસિયત બીજા કોઈ બોલરમાં નજરે નહોતી પડતી અને હજીયે કોઈનામાં એવી કાબેલિયત નથી દેખાતી. ‘ડેડલી’ અન્ડરવૂડ વરસાદને કારણે ભીની થયેલી પિચ પર પણ ભલભલા બૅટરની વિકેટ માટે ઘાતક સાબિત થઈ જતા હતા. સ્પિનનો એક પછી એક ડોઝ આપવાની સાથે તેઓ બૉલની પેસથી પણ બૅટર માટે માથાનો દુખાવો બની જતા હતા. ૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકાઓમાં એકલા અન્ડરવૂડને ભારતના ચાર સ્પિનર (બેદી, પ્રસન્ના, ચંદ્રશેખર, વેન્કટરાઘવન)ની બરાબરીમાં માનવામાં આવતા હતા. ૧૯૬૯થી ૧૯૭૩ સુધી ભારતના મહાન સ્પિનર્સ તેમ જ પાકિસ્તાનના અબ્દુલ કાદિરની હાજરીમાં અન્ડરવૂડ વિશ્ર્વના નંબર-વન બોલર હતા.

સુનીલ ગાવસકરે અન્ડરવૂડની બોલિંગમાં ૧૨ વખત વિકેટ ગુમાવી હતી. ગાવસકરે બીજા કોઈ પણ બોલર સામે આનાથી વધુ વખત વિકેટ નહોતી ગુમાવી. અન્ડરવૂડની બોલિંગમાં જે સચોટતા હતી, તેઓ નિતનવા સ્પિનના શસ્ત્રો ફેંકતા અને બોલિંગમાં જે ધૈર્ય બતાવતા એ તેમની સૌથી મોટી વિશેષતાઓ હતી જે તેમના કૅપ્ટનો હંમેશાં આશીર્વાદરૂપ સાબિત થતી હતી. અન્ડરવૂડ વિદેશમાં રમવા જતા ત્યારે ત્યાંની પિચને અનુરૂપ બોલિંગ કરતા હતા અને સફળતા મેળવતા હતા. ઉદાહરણ તરીકે, ઑસ્ટ્રેલિયા જતા ત્યારે બૉલની પેસ ઓછી કરી દેતા હતા. ઑસ્ટ્રેલિયા સામેની ૧૦૫માંથી ૫૦ વિકેટ તેમણે ઑસ્ટ્રેલિયાની પિચો પર અને ભારત સામેની ૬૨માંથી ૫૪ વિકેટ ભારતની ધરતી પર લીધી હતી.

૧૯૬૬થી ૧૯૮૨ દરમ્યાન ૮૬ ટેસ્ટ રમનાર અન્ડરવૂડે કુલ ૨૯૭ વિકેટ લીધી હતી જેમાંથી સૌથી વધુ ૧૦૫ વિકેટ ઑસ્ટ્રેલિયા સામે અને સેક્ધડ-બેસ્ટ ૬૨ વિકેટ ભારત સામે લીધી હતી.
૧૯૭૪માં લંડનમાં ઇન્તિખાબ આલમના સુકાનમાં રમવા આવેલી પાકિસ્તાનની ટીમ સામેની ટેસ્ટના બીજા દાવમાં અન્ડરવૂડે ૫૧ રનમાં આઠ વિકેટ લીધી હતી, પણ કમનસીબે એ મૅચ ડ્રૉમાં જતાં માઇક ડેનેસના નેતૃત્વમાં ઇંગ્લૅન્ડ વિજયથી વંચિત રહ્યું હતું.

અન્ડરવૂડ ભીનાશવાળી પિચ પર થોકબંધ વિકેટો લેવામાં નિપુણ હતા એનો બીજું ઉદાહરણ પણ રસપ્રદ છે. ૧૯૭૩માં હૅસ્ટિંગ્સમાં તેઓ કેન્ટ વતી એક કાઉન્ટી મૅચ રમી રહ્યા હતા. ખૂબ વરસાદ પડ્યો એટલે ગ્રાઉન્ડ ભીનું થઈ ગયું. વરસાદ બંધ થયો, પણ પિચ અને આઉટફીલ્ડ ભીના હતા એટલે રમત ફરી શરૂ થઈ શકે એવી સ્થિતિમાં નહોતી. જોકે ફાયર-બ્રિગેડના કર્મચારીઓની સાથે કેટલાક પ્રેક્ષકો ઉઘાડા પગે મેદાન સાફ કરવા નીચે આવી ગયા અને જોત જોતામાં જોરદાર સાફસૂફી થઈ હતી. ત્યાર પછી અન્ડરવૂડે સસેક્સની બૅટિંગ લાઇન-અપની સાફસૂફી કરી નાખી હતી. તેમણે માત્ર નવ રનમાં આઠ વિકેટ લઈને સસેક્સની ટીમને પાયમાલ કરી નાખી હતી અને કેન્ટની ટીમને આનંદ-ઉલ્લાસથી માલામાલ કરી દીધી હતી.

અન્ડરવૂડની વિદાયથી ઇંગ્લૅન્ડ ઉપરાંત ખાસ કરીને કેન્ટ કાઉન્ટી ક્લબને સૌથી વધુ આઘાત લાગ્યો છે. અન્ડરવૂડે ૧૭ વર્ષની ઉંમરે કેન્ટ વતી રમવાનું શરૂ કર્યું હતું અને ત્રણ દાયકા દરમ્યાન એના વતી ૯૦૦ જેટલી મૅચ રમ્યા હતા, ૩૦૦૦ જેટલી વિકેટ લીધી હતી અને ૬૦૦૦થી પણ વધુ રન બનાવ્યા હતા. અન્ડરવૂડ ઇંગ્લૅન્ડ વતી સૌથી વધુ વિકેટ લેનારા બોલર્સમાં છઠ્ઠા નંબરે છે અને બ્રિટિશ સ્પિનર્સમાં ૨૯૭ વિકેટ સાથે અગ્રેસર છે. ગ્રેમ સ્વૉન (૨૫૫) તેમના પછી બીજા ક્રમે અને મોઇન અલી (૨૦૩) ત્રીજા સ્થાને છે.

અન્ડરવૂડે જો ૧૯૭૦ના દાયકામાં કેરી પૅકરની વર્લ્ડ સિરીઝ ક્રિકેટમાં અને ૧૯૮૦ના દાયકામાં સાઉથ આફ્રિકા ખાતેના પ્રતિબંધિત પ્રવાસમાં ભાગ ન લીધો હોત તો શેષ વિશ્ર્વની ટીમોના બૅટર્સને તેમણે વધુ પરેશાન કર્યા હોત.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door Catches Win Matches: Top Indian Cricket Fielders Through the Decades IPL: Sixes Galore! Delhi vs Mumbai Turns into a Hitting Extravaganza