સુરતઃ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પડોશીઓના ત્રાસથી કંટાળી મહિલાએ ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આત્મઘાતી પગલું ભરતા પહેલા મહિલાએ વીડિયો પણ બનાવ્યો હતો. જેનો વીડિયો સ્થાનિક વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થો હતો. આ વીડિયોમાં મહિલા, આજે મારી સહનશક્તિની હદ પૂરી થઈ ગઈ છે. છેલ્લા 6 મહિનાથી અમને પડોશીનો ત્રાસ વધી ગયો છે, મને અને મારા પરિવારને. હવે હું સાવ કંટાળી ગઈ છું, સાવ એટલે સાવ કંટાળી ગઈ છું. હવે હું જે પણ કંઈ પગલું ભરી રહી છું. કાલ સવારે મને કે મારા પરિવારને કાંઈ પણ થયું તો એના જવાબદાર આ લોકો હશે તેમ કહેતી સાંભળવા મળે છે.
પડોશીઓના સતત ત્રાસ અને દરરોજની બબાલથી કંટાળી ગયેલા મહિલાએ પોતાના ઘરે ફિનાઈલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ અને પોતાની આપવીતી તેણે સોશિયલ મીડિયામાં વીડિયો મૂકીને કરી હતી. ઘટનાની જાણ થતા તેમના પતિ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા. હાલમાં મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
શું છે સમગ્ર મામલો
સુરતના પાસોદરા વિસ્તારમાં પડોશીઓના માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને એક મહિલાએ ફિનાઈલ ગટગટાવ્યું હતું. વિવાદની શરૂઆત આશરે છ મહિના પહેલા થઈ હતી. બિલ્ડિંગની લોબીમાં કચરા-પોતા કરવા જેવી સામાન્ય બાબતે પડોશી સાથે મહિલાને તકરાર થઈ હતી. આ ઉપરાંત, બાલ્કનીમાં વરસાદનું પાણી ન આવે તે માટે લગાવેલી તાડપત્રીના પૈસા બાબતે પણ ઝઘડો કર્યો હતો. પડોશી મહિલા અવારનવાર ઘરનો કચરો વાળીને મહિલાના ઘર પાસે નાખી દેતા હતા અને બિલ્ડિંગની અન્ય મહિલાઓને તેમની વિરુદ્ધ ચઢાવતા હતા.
જ્યારે આ કચરો નાખવાની હરકતનો વીડિયો બનાવી મહિલાના પતિએ બિલ્ડિંગના વોટ્સએપ ગ્રુપમાં મૂક્યો, ત્યારે મામલો વધુ ઉગ્ર બન્યો હતો. ત્યારબાદ પડોશીએ તેમના ઘરે આવીને ગંભીર ધમકીઓ આપી હતી. તેમજ વીડિયો કેમ બનાવે છે, તારા ટાંગા ભાંગી નાખીશ અને તને સગેવગે કરી દઈશ તેવી ગર્ભિત ધમકી આપીને ધક્કો પણ માર્યો હતો. આ શખ્સોએ મહિલાને તારા જેવા કેટલાય ભાડુઆત અહીંથી જતા રહ્યા છે કહી માનસિક દબાણ બનાવ્યું હતું. પડોશીના ત્રાસના કારણે તેણે આવું આત્મઘાતી પગલું ભર્યું હતું.