Sat Apr 18 2026

Logo

વસંત ગજેરાને ઝટકો: 1,900 કરોડની છેતરપિંડીના કેસમાં હાઈ કોર્ટે FIR રદ કરવાની અરજી ફગાવી

2026-03-19 08:46:11
Author: MayurKumar Patel
Article Image

અમદાવાદઃ ગુજરાત હાઈ કોર્ટે સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને ડાયમંડ કિંગ વસંત ગજેરાને મોટો ઝટકો આફ્યો હતો. ગુજરાત હાઈ કોર્ટે વસંત ગજેરા અને અન્ય લોકો વિરુદ્ધ નોંધાયેલી FIR રદ કરવાની અરજીઓને ફગાવી દીધી હતી. આ કેસમાં એક ખાનગી કંપનીમાંથી દસ્તાવેજોમાં છેડછાડ કરી અંદાજે રૂ. 1,900 કરોડની ઉચાપત કરવાના ગંભીર આક્ષેપો છે. ન્યાયાધીશ એમ.આર. મેંગડેએ ચુકાદો આપ્યો હતો કે તપાસ હાલ પ્રારંભિક તબક્કે છે અને ગુનાહિત કૃત્યના પ્રથમ દૃષ્ટિએ મજબૂત પુરાવાઓ અસ્તિત્વમાં છે.

આ કાનૂની વિવાદ એક ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનર દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદથી શરૂ થયો હતો. જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે છેતરપિંડી દ્વારા તેમનું શેરહોલ્ડિંગ 43 ટકાથી ઘટાડીને 4 ટકા કરી દેવામાં આવ્યું હતું. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આરોપીઓએ કંપનીની માલિકીની દુકાનો બજાર ભાવે વેચીને વિશાળ રકમની ઉચાપત કરી છે.

ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ગજેરા પરિવારની માલિકીના માલિકીના લક્ષ્મી ડાયમંડ ગ્રૂપ અને મહાકાલ ગ્રૂપ સહિતના ભાગીદારો પર 28 જાન્યુઆરી, 2026ના રોજ વહેલી સવારથી આવકવેરા વિભાગે સુરતમાં વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ડાયમંડ, એજ્યુકેશન અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટું નામ ધરાવતા આ ગ્રુપના ગુજરાતભરમાં આવેલા ઠેકાણાઓ પર 150થી વધુ અધિકારીઓની અલગ-અલગ ટીમોએ એકસાથે ત્રાટકીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. વસંત ગજેરા અને તેમની સંલગ્ન કંપનીઓની આશરે 30 જેટલા સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભાજપ છોડી કોંગ્રેસમાં ગયેલા અને ફરી પાછા ભાજપમાં આવેલા ભૂતપૂર્વ ધારાસભ્ય ધીરૂ ગજેરાની કંપનીના 1900 કરોડના બેનામી ગોટાળા પકડાયા હતા.

વસંત ગજેરાનો મેહુલ ચોકસી સાથે શું છે સંબંધ?

 સૂત્રોના જણાવ્યા અનુસાર, પંજાબ નેશનલ બેંકમાં ₹12,600 કરોડથી વધુના કૌભાંડમાં સંડોવાયેલા અને ભાગેડુ ગુનેગાર મેહુલ ચોકસી સાથે ગજેરાના વ્યવસાયિક સંબંધો મળી આવ્યા બાદ આ દરોડા પાડવામાં આવ્યા હતા. વર્ષ 2020માં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પંજાબ નેશનલ બેંક સાથે ₹7080 કરોડની છેતરપિંડીના કેસમાં ગીતાંજલિ ગ્રુપના મેહુલ ચોક્સીને મુખ્ય આરોપી અને વસંત ગજેરા તેમજ તેમની કંપની 'લક્ષ્મી ઇન્ફ્રા ડેવલપર લિમિટેડ' ને સહ-આરોપી તરીકે દર્શાવી ચાર્જશીટ દાખલ કરી હતી. વર્ષ 2018માં CBI દ્વારા નોંધવામાં આવેલા કેસના આધારે મુંબઈની કોર્ટમાં આ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

ધીરૂ ગજેરા મૂળ જનસંઘમાં સક્રિય હતા ત્યાર બાદ તેઓ ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 1995થી 2007 સુધી ભાજપ સાથે જોડાયેલા રહ્યાં હતા. ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયા હતા. ધીરૂ ગજેરા કોંગ્રેસમાંથી સતત ચાર વખત પરાજિત થયા હતા. 2021માં ફરી તેઓ ભાજપમાં સામેલ થયા હતા. ભાજપમાં જોડાતાં સમયે જાહેરમંચ પરથી પ્રતિજ્ઞા લેતાં ધીરૂ ગજેરાએ જાહેર કર્યું કે, હવે અંતિમ શ્વાસ સુધી ભાજપ સાથે રહીશ અને મારો 14 વર્ષનો વનવાસ પૂરો થાય છે. સીઆર પાટીલે ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા.