સંજય છેલ
આપણે પુલને ત્યારે જ પાર કરીએ છીએ જ્યારે એની પાસે પહોંચીએ છીએ ને પાર કર્યા પછી પાછળ સળગાવી દઈએ છીએ.
દરેક બહાર ઉઘડતો દરવાજો ક્યાંક તો અંદર તરફનો પ્રવેશ છે.
મને નથી લાગતું કે લેખકો પવિત્ર હોય છે, પરંતુ શબ્દો પવિત્ર છે. જો તમે સાચા શબ્દોને સારી ભાવનાથી સમજો કે વાપરો, તો વિશ્વને થોડું બહેતર બનાવી શકો છો.
લેખક ટોમ સ્ટોપાર્ડનાં આ વાક્યો હાસ્ય અને ચતુરાઈ સાથે સામાન્ય માણસના જીવનની ગૂંચવણને સ્ટેજ કે પડદા પર હસતાંહસાવતાં રજૂ કરે છે. 1960થી 2025 સુધી નવી રંગભૂમિમાં વિશ્વભરમાં સૌથી વધુ જેમનાં નાટકો ભજવાયાં છે એવા બે લેખક છે- નીલ સાયમન અને ટોમ સ્ટોપાર્ડ.....
દરેક ભાષામાં એમનાં નાટકો ભજવાયાં છે ધૂમ ચાલ્યાં છે. ભારતમાં હિંદી, મરાઠી, બંગાળીમાં સ્ટેજ પર પણ ભજવાયાં છે. જો કે ગુજરાતી ભાષામાં ટોમ સ્ટોપાર્ડના એક રમૂજી નાટક ‘ધ રિયલ થીંગ’ કાંતિ મડિયા કરવાના હતા, પણ મુંબઇના ગુજજુ નાટ્યજગતના રાજકારણે એ નાટકને ધરાર થવા દીધું નહીં, જેનો મડિયાને અંત સુધી અફસોસ હતો અને એ આપણું કમભાગ્ય છે.
ટોમાસ સ્ટ્રાઉસ્લર નામનો 1937માં ચેકોસ્લોવેકિયા દેશના નાના નગરમાં જન્મેલો છોકરો, યુદ્ધમાં નાઝીઓથી ભાગીને પોતાના યહૂદી ફેમિલી સાથે સિંગાપુર પહોંચ્યો. જ્યાં પછી જાપાનીઓથી પણ ભાગવું પડ્યું. ટોમના પિતા-ભલા ડોક્ટર એટલે લોકોની મદદ માટે ત્યાં જ રહ્યા ને એક વહાણ હુમલામાં ગાયબ! 45 વર્ષનો ટોમ, માતા ને ભાઈ સાથે, આપણાં ભારતના પર્વતોમાં વસીને દાર્જીલિંગની શાળામાં ભણ્યા. ત્યાં ક્રિકેટ ને અંગ્રેજી શબ્દો સાથે પ્રેમ થયો.
પછી ટોમની માતાના બ્રિટિશર સાથે લગ્ન થયા ને સૌ 1946માં ઇંગ્લેન્ડ જઇ પહોંચ્યા અને ત્યાં એ ‘ટોમ સ્ટોપાર્ડ’ બન્યા, ભણવાનું છોડીને કમાવા માટે બ્રિસ્ટોલમાં પત્રકારત્વમાં કૂદી પડ્યા. નાટકોની સમીક્ષા લખતા ને લેખક બનવાનાં સ્વપ્નો જોતા. દિગ્દર્શક જ્હોન બૂરમન અને અભિનેતા પીટર ઓ‘ટુલે ટોમની કલમમાં ચમક પહેલી-વહલી પારખી...
મેલાઘેલા કપડામાં ગરીબ ટોમ 1960ના દાયકામાં, જે નાટકો લખતો એમાં હાસ્ય સાથે ગંભીર વિચારો મૂકતો. ટોમનાં નાટકો આતશબાજી જેવાં હતાં... સ્માર્ટ ટ્વિસ્ટ, ઇતિહાસ ને ભાગ્ય વિશેના પ્રશ્નોથી ભરપૂર. પહેલું હિટ નાટક, ‘રોઝન્ક્રાન્ટ્ઝ એન્ડ ગિલ્ડન્સ્ટર્ન આર ડેડ’ (1966), જેમાં એણે શેક્સપિયરના ‘હેમલેટ’ને ઊંધું કરી નાખ્યું, બે ભૂલાઈ ગયેલાં પાત્રોને જીવન વિશે વિચારતા અને સિક્કા ઉછાળતા દેખાડીને..પછી ‘જમ્પર્સ’ (1972): એક ફિલોસોફરની પત્નીના ખૂનની તપાસમાં ઈશ્વર, નૈતિકતા અને અરાજકતા મિક્સ થાય છે, અમુક અભ્યાસુઓ અને મર્ડર સાથે!
વિવેચકો ટોમનાં કામને વખાણે ને વખોડે પણ છે. કેટલાક કહે છે કે ટોમનાં નાટકો વિચિત્ર અને અત્યંત સ્માર્ટ હોવા છતાં આંખમાંથી આંસુ ટપકાવી શકે છે તો કોઇ કહે છે ટોમનાં નાટકો પુસ્તકોમાંથી જન્મે છે, સાચી પ્રેરણામાંથી નહીં, પણ ‘લેઓપોલ્ડસ્ટાડ્ટ’ નાટકમાં ટોમ યુરોપમાં ચોક્કસ પ્રકારના યહૂદીઓનું વર્ણન કરેલું ને ત્યારથી ટોમ જીનિયસ ગણાવા માંડ્યો.
ટોમની સરખામણી સમકાલીન લેખકો નહીં, શેક્સપિયર અને જ્યોર્જ બર્નાર્ડ શો સાથે થાય છે. 1990ના દાયકામાં, ચેકોસ્લોવેકિયા વતનમાં પાછા ફરીને જોયું તો પોતાના વિખૂટા પડેલા કુટુંબીજનોમાં દાદા-દાદી અને કાકીઓ બધાં સરકારી કેમ્પમાં માર્યા ગયેલા. ટોમને માત્ર એમની કબર જોવા મળી! પછી ટોમનું મજેદાર ‘જાદુઈ’ જીવન હવે પોતાની ઓળખની ગહન શોધમાં બદલાઇ ગયું. એક વખતે તેમણે એક ટાપુ પર એકલા પ્લાસ્ટિક ફૂટબોલ સાથે દિવસો કાઢ્યા!
સફળ નાટકો બાદ માત્ર 29 વરસે ટોમની કલમનો જાદૂ હોલિવૂડમાંયે ચાલ્યો. ‘બ્રાઝિલ’ (1985) માટે પહેલો ઓસ્કર એવોર્ડ મેળળ્યો. પછી પોતાના યુદ્ધમય બાળપણમાંથી પ્રેરણા લઈને ‘એમ્પાયર ઓફ ધ સન’ (1987) જેવી સફળ ફિલ્મ લખી. ‘ઇન્ડિયાના જોન્સ એન્ડ ધ લાસ્ટ ક્રુસેડ’ (1989)માં હીરોના આક્રોશમય સંવાદો લખ્યા. ટોમનું શ્રેષ્ઠ કામ એટલે સુપરહિટ ‘શેક્સપિયર ઇન લવ’ (1998) જેવી રોમેંટિક ફિલ્મ, જેણે ફરી ઓસ્કર એવોર્ડ અપાવ્યો.
લીઓ ટોલસ્ટોયની ક્લાસિક નવલકથા પરથી ‘અન્ના કારેનિના’ (2012) જેવી ભાવુક ફિલ્મ પેશ કરી. ‘સ્ટાર વોર્સ’ જેવી સાયંસ ફિક્શનમાં પણ ટોમની કલમ ચાલી. હોલિવૂડમાં તે ‘સ્ક્રિપ્ટ ડોક્ટર’ તરીકે પ્રખ્યાત હતા એટલે કે બીજા લેખકોની કથાપટકથાઓમાં સુધારા-વધારા સાથે રોમાંચક તત્ત્વ ઉમેરી દેતા જેમ કે ‘ધ બોર્ન અલ્ટિમેટમ’માં અને ‘શિન્ડલર્સ લિસ્ટ’ જેવી ક્લાસિક ફિલ્મમાં ટોમે આગવું ઊંડાણ ઉમેર્યું. ટોમે ‘શ્રેષ્ઠ નાટ્ય લેખન માટે 5 વાર ટોની એવોર્ડઝ, 2 વાર ઓસ્કર અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડઝ મેળવ્યા.
જોકે આ બધી સફળતા વચ્ચે એમના પણ અંગત જીવનમાં અંધારું હતું. અનેક સંબંધ બન્યા ને તૂટ્યા. પ્રથમ પત્ની જોસી (1965-1972), પછી મિરિયમ (1972-1992) ટોમના પ્રેમસંબંધોએ અખબારોમાં તોફાન મચાવેલાં. અભિનેત્રી ફેલિસિટી કેન્ડલ સાથે ‘ધ રિયલ થિંગ’ દરમિયાન અને સિનેડ કુસેક સાથે, ફ્રાન્સમાં ઘર માંડ્યું ને આખરે 2014માં, સેબ્રિના ગિનેસ સાથે કાયમી સંબંધ બંધાયો.
સ્ટોપાર્ડ જીવનનાં અંત સુધી લખતા રહ્યા. ટોમે લખેલું બ્રોડવે પરનું સુપરહિટ નાટક ‘લેઓ પોલ્ડસ્ટાડ્ટ’ એટલે સ્ટેજ પરથી ટોમ સ્ટોપાર્ડની આખરી ઇમોશનલ વિદાય.. ટોમ સ્ટોપાર્ડનાં નાટકો થિયેટર ઇતિહાસમાં એટલે મહત્ત્વનાં છે, કારણ કે ટોમ એબ્સર્ડિટી, ફિલોસોફી અને ઇતિહાસને મનોરંજનમાં પલટી નાખે છે. વિશ્વયુદ્ધો બાદ એણે બ્રિટિશ થિયેટરને બુદ્ધિજીવી બનાવ્યું.
29 નવેમ્બર, 2025ના 88 વરસે ઘરમાં જ પ્રિયજનો વચ્ચે વિદાય લીધી. જો કે ટોમનાં નાટકો ને ફિલ્મો હજી જીવે છે, જે આપણને જીવનની વિચિત્રતા, ક્રૂરતા- એબ્સર્ડિટી એટલે -વાહિયાતપણું દ્વારા હસાવતા રહે છે.