(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરના ચાંદલોડીયા વિસ્તારમાં એક નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર જયંતીભાઈ પરમારે ઝેરી દવા પીને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી. મૃતકનો મૃતદેહ ૨૫ માર્ચના રોજ એક પાર્ટી પ્લોટ પાસે ઉભેલી એક બોલેરો ગાડીમાંથી મળી આવ્યો હતો. આ મામલે મૃતકના ભાઈએ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસને મૃતક પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં તેમના પરિવારના સભ્યો દ્વારા આપવામાં આવતા ત્રાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
ફરિયાદની વિગત મુજબ, જયંતીભાઈ છ વર્ષ પહેલા નિવૃત્ત થયા બાદ ૨૦૨૨થી તેમના પત્ની કૈલાસબેન, નાનો પુત્ર મનોજ ઉર્ફે મિતેશ અને સાળી ઉષાબેન પરમાર દ્વારા તેમને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. આરોપીઓ તેમને જમવાનું આપતા નહોતા, મેણાટોણા મારતા અને પુત્ર મનોજ દારૂ પીને તેમની સાથે મારઝૂડ કરતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વધુમાં, તેમના સાળી ઘરમાં ચઢવણીઓ કરી તેમના ચારિત્ર્ય બાબતે ખોટા આક્ષેપો કરતી હોવાનો આક્ષેપ પણ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
આરોપીઓના અસહ્ય ત્રાસથી કંટાળીને જયંતીભાઈ અવારનવાર તેમના ભાઈ નરેશભાઈના ઘરે રહેવા આવી જતા હતા. છેલ્લે ૧૫ માર્ચના રોજ તેમનો મોટો પુત્ર સમજાવીને તેમને પરત પેથાપુર લઈ ગયો હતો, પરંતુ ત્યાં ફરીથી ત્રાસ શરૂ થતા તેઓ ૧૯ માર્ચે ફરી ચાંદલોડીયા પરત આવ્યા હતા. અંતે, સતત હેરાનગતિથી કંટાળીને તેમણે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હોવાનો આક્ષેપ થયો હતો. પોલીસે આ મામે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આત્મહત્યાના દુષ્પ્રેરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.