અમદાવાદઃ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોના વાતાવરણમાં બે દિવસમાં પલટો આવશે. જોકે ગઈકાલે અમદાવાદમાં તાપમાનનો પારો 39 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો હતો. જેની સાથે તે ભારતનું સૌથી ગરમ મેટ્રો શહેર બન્યું હતું. અમદાવાદે બેંગલુરુ 35 ડિગ્રી સેલ્સિયસ, ચેન્નાઈ 32 ડિગ્રી સેલ્સિયસ, હૈદરાબાદ 36 ડિગ્રી સેલ્સિયસ, કોલકાતા 35 ડિગ્રી સેલ્સિયસ, મુંબઈ 35 ડિગ્રી સેલ્સિયસ, નવી દિલ્હી 31 ડિગ્રી સેલ્સિયસ અને પુણે 37 ડિગ્રી સેલ્સિયસ જેવા મોટા શહેરોને ગરમીમાં પાછળ રાખ્યા હતા.
રસપ્રદ વાત એ છે કે, શહેરના અલગ-અલગ વિસ્તારોમાં તાપમાન અલગ અલગ નોંધાયું હતું. AQI.in ના ડેટા મુજબ, કેટલાક વિસ્તારો અન્ય કરતા નોંધપાત્ર રીતે વધુ ગરમ હતા. ગોતા, થલતેજ અને બોડકદેવ જેવા વિસ્તારોમાં તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે ચાંદખેડા 39 ડિગ્રી સેલ્સિયસ સાથે શહેરનો સૌથી ગરમ વિસ્તાર બનીને ઉભર્યો હતો. બોપલ, સાઉથ બોપલ, ઉસ્માનપુરા અને નારણપુરા જેવા વિસ્તારોમાં તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ ની આસપાસ રહ્યું હતું.
હવામાન વિભાગ અને AQI.in ના ડેટામાં તફાવત
હવામાન વિભાગ પ્રમાણે, અમદાવાદમાં 37.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જે સામાન્ય કરતાં 0.7 ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું. જ્યારે રાજકોટમાં 38.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. અમરેલીમાં 38.5 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં38 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગ અને AQI.in ના ડેટામાં અમદાવાદના તાપમાનમાં 1.4 ડિગ્રી સેલ્સિયસનો તફાવત જોવા મળ્યો હતો.
કેમ અમદાવાદના અમુક વિસ્તારો વધુ ગરમ છે?
નિષ્ણાતોના મતે આ તફાવત કોઈ સંયોગ નથી, પરંતુ અર્બન હીટ આઇલેન્ડ ઇફેક્ટનું પરિણામ છે. જે વિસ્તારોમાં સિમેન્ટ-કોંક્રિટની ઈમારતો અને રસ્તાઓ વધુ છે અને હરિયાળી ઓછી છે, ત્યાં ગરમી વધુ પકડાઈ રહે છે. સૂત્રોના કહેવા પ્રમાણે, શહેરમાં જોવા મળતી તાપમાનની આ વિવિધતા સ્પષ્ટપણે 'અર્બન હીટ આઇલેન્ડ ઇફેક્ટ' દર્શાવે છે. જે વિસ્તારોમાં ગ્રીન કવર ઓછું છે અને બાંધકામ ગીચ છે, ત્યાં ગરમી વધુ ટ્રેપ થાય છે, જેનાથી તે વિસ્તારો વધુ ગરમ બને છે.
ગુજરાતમાં કેવું રહેશે હવામાન
હવામાન વિભાગ અનુસાર,ગુજરાતમાં આગામી 24 કલાકમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. ત્યારબાદના બે દિવસમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થશે. તે પછી કોઈ મોટો ફેરફાર નહીં થાય. લઘુત્તમ તાપમાનમાં આગામી 7 દિવસ સુધી કોઈ મોટા ફેરફાર થવાની શક્યતા નથી. અમદાવાદમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.
આગામી બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે. 29 માર્ટે બનાસકાંઠા અને કચ્ચના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ તથા 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 30 અને 31 માર્ચ દરમિયાન બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર તેમજ કચ્છ જિલ્લાના છુટાછાવાયા વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.