Fri Apr 17 2026

Logo

મધ્ય-પૂર્વમાં યુદ્ધના પડઘા: સુરતની ટેક્સટાઇલ અને જામનગરની બ્રાસ ઇન્ડસ્ટ્રી પર મોટું સંકટ

2026-03-24 15:58:30
Author: Mumbai Samachar Team
Article Image

સુરત: મધ્ય-પૂર્વના દેશોમાં ચાલી રહેલા યુદ્ધ અને દરિયાઈ માર્ગો પર સર્જાયેલી અસ્થિરતાની માઠી અસર હવે ગુજરાતના મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રો પર જોવા મળી રહી છે. ખાસ કરીને સુરતનો કાપડ ઉદ્યોગ અને જામનગરનો બ્રાસ ઉદ્યોગ કાચા માલની અછત અને ઊર્જા સંકટનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે હજારો એકમોના ઉત્પાદન પર બ્રેક લાગી છે, જે આગામી દિવસોમાં રાજ્યના અર્થતંત્ર માટે ચિંતાનો વિષય બની શકે છે.

સુરતના ટેક્સટાઇલ પ્રોસેસિંગ એકમોમાં કોલસાની ભારે અછત સર્જાતા સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન (SGTPA) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટોક લાંબો સમય ચાલે તે હેતુથી સુરતની અંદાજે 425 જેટલી મિલો હવે અઠવાડિયામાં બે દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ રણનીતિથી ઉર્જા સંસાધનોની બચત થશે અને પ્રોસેસિંગ હાઉસ લાંબા સમય સુધી કાર્યરત રાખી શકાશે. ઉલ્લેખનીય છે કે, દરિયાઈ માર્ગો પ્રભાવિત થવાથી ઈન્ડોનેશિયાથી આવતા કોલસાનો પુરવઠો ખોરવાયો છે.

જો કે, ટેક્સટાઇલ મિલોને એકસાથે બંધ રાખવી શક્ય નથી, કારણ કે તે પાંડેસરા, સચિન અને પલસાણા જેવા વિસ્તારોના 'કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ' (CETP) સાથે જોડાયેલી છે. આથી, એસોસિએશને અલગ-અલગ વિસ્તારો માટે અલગ-અલગ દિવસો નક્કી કર્યા છે.

આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય મિલોના સંચાલન માટે જરૂરી પાણી, કોલસો, વીજળી અને કેમિકલ્સના મર્યાદિત જથ્થાનો કાર્યક્ષમ ઉપયોગ કરવાનો છે. જો આ પગલાં લેવામાં ન આવે, તો આગામી 15 દિવસમાં સમગ્ર ઉદ્યોગ ઠપ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.

બીજી તરફ, 'બ્રાસ સિટી' તરીકે ઓળખાતા જામનગરમાં પણ સ્થિતિ ગંભીર બની છે. અહીં છેલ્લા 10 દિવસથી LPG ગેસનો પૂરતો પુરવઠો ન મળતા બ્રાસના એકમો પર આર્થિક સંકટ છવાયું છે. જામનગરના આશરે 8000 એકમોમાંથી લગભગ 2000 જેટલા યુનિટ્સ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે, જ્યારે મોટા ઉદ્યોગોમાં પણ કામકાજ 40% જેટલું ઘટી ગયું છે. ગેસની અછતને કારણે માત્ર ઉત્પાદન જ નહીં, પરંતુ શ્રમિકોને જમવા બનાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે, જેના કારણે પરપ્રાંતીય મજૂરો વતન ભણી પલાયન કરી રહ્યા છે.

આ કપરા સમયમાં ઉદ્યોગપતિઓનો મુખ્ય ઉદ્દેશ્ય પોતાના એકમો અને કારીગરોને સાચવી રાખવાનો છે. અત્યારે ઉત્પાદન ઘટાડીને પણ ઉદ્યોગને જીવંત રાખવો જરૂરી છે, જેથી જ્યારે બજારમાં ફરી તેજી આવે ત્યારે તુરંત જ ગ્રાહકોની માગ પૂરી કરી શકાય. કાચા માલ અને ગેસની આ તીવ્ર અછત જો વહેલી તકે દૂર નહીં થાય, તો ગુજરાતના આ બંને મહાકાય ઉદ્યોગોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે.