Fri Apr 17 2026

Logo

મિડલ-ઈસ્ટ યુદ્ધથી અમદાવાદ, સુરતના સોલર, રિયલ એસ્ટેટ અને પ્લાસ્ટિક સેક્ટરની પણ માઠી બેઠી!

2026-03-29 10:06:00
Author: Devayat Khatana
Article Image

AI Genrated Image


અમદાવાદ: મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં જોવા મળી છે. ભારતમાં LPGની અછત, પેટ્રોલિયમ પેદાશોની અછતના અહેવાલોને સરકારે નકારી કાઢ્યા છે. પરંતુ ગેસની અછતના કારણે ગુજરાતમાં મોરબીના સિરામિક ઉદ્યોગની માઠી બેસાડી છે. જો કે આ સિવાય પણ ગુજરાતના અન્ય સેક્ટરોએ છે કે જેને વત્તા ઓછા પ્રમાણમાં પણ યુદ્ધની અસરનો માર વેઠવાનો વારો આવ્યો છે. 

સોલર પેનલ ઉત્પાદન ક્ષેત્રમાં યુદ્ધનું અંધારું 
ઈરાન-ઈઝરાયલ વચ્ચે વધતા જતા તણાવને કારણે સુરતના સોલર પેનલ ઉત્પાદન ક્ષેત્ર પર ગંભીર અસર પડી છે. ગલ્ફ દેશોમાં અસ્થિરતાને લીધે ગ્લોબલ સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે, જેના કારણે અંદાજે રૂ. 25,000 કરોડના ઓર્ડર જોખમમાં મુકાયા છે. સુરત દેશના કુલ સોલર પેનલ ઉત્પાદનમાં 50-55 ટકા હિસ્સો ધરાવે છે, પરંતુ હાલમાં ચીન, વિયેતનામ અને થાઈલેન્ડ જેવા દેશોમાંથી આવતા કાચા માલની આવક અનિયમિત થઈ ગઈ છે. બીજી તરફ, ડોલર સામે નબળા પડતા રૂપિયાને કારણે સોલર સેલ્સ અને સ્પેરપાર્ટ્સની આયાત મોંઘી થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

સ્થાનિક ઉદ્યોગપતિએ જણાવ્યું હતું કે જૂના ઓર્ડર્સ ફિક્સ્ડ ભાવે નક્કી થયેલા હોવાથી ઉત્પાદકોએ ઓર્ડર દીઠ લગભગ 20 ટકા જેટલું નુકસાન સહન કરવું પડી રહ્યું છે, જે ખાસ કરીને નાના અને મધ્યમ એકમો માટે જોખમી છે. ભૌગોલિક અસ્થિરતાને કારણે નિકાસના રૂટ પણ ખોરવાયા છે, જેનાથી વિદેશી ડિલિવરી આર્થિક રીતે પરવડે તેમ નથી. જો આ સ્થિતિ લાંબો સમય ચાલશે તો હજારો લોકોની આજીવિકા પર જોખમ આવી શકે છે, જેના પગલે હવે ઉદ્યોગજગત દ્વારા સરકાર પાસે રાહત પેકેજ અને આયાત ડ્યુટીમાં ફેરફારની માંગ કરવામાં આવી રહી છે.

અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટ પર યુદ્ધનું ગ્રહણ?
અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટ પર ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષની સીધી કોઈ અસર જોવા મળી નથી, પરંતુ વધતા જતા ક્રૂડ ઓઇલના ભાવને કારણે બાંધકામ ખર્ચમાં વધારો થવાની ભીતિ સેવાઈ રહી છે. ક્રૂડ ઓઈલ મોંઘું થતા સ્ટીલ, સિરામિક્સ અને લોજિસ્ટિક્સ ખર્ચ વધી રહ્યો છે, જેના કારણે ડેવલપર્સ નવા પ્રોજેક્ટ્સ લોન્ચ કરવાનું મોકૂફ રાખી શકે છે. ક્રેડાઈ (CREDAI)ના  જણાવ્યા અનુસાર, જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો પ્રોજેક્ટના ખર્ચમાં વધારો થશે. હાલમાં સ્ટીલના ભાવમાં 3 ટકા અને સિરામિક્સ તથા ટાઇલ્સમાં 4 ટકા જેટલો વધારો જોવા મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

તો બીજી તરફ, મોંઘવારીને કારણે મધ્યમ વર્ગના ખરીદદારો અત્યારે ઘર ખરીદવાનું ટાળી રહ્યા છે. જોકે, નિષ્ણાતો માને છે કે પ્રોજેક્ટની માંગમાં ટૂંકા ગાળા માટે ઘટાડો થઈ શકે છે, પરંતુ કિંમતો સ્થિર રહેવાની ધારણા છે. NRI અને NRG રોકાણકારો માટે ભારત એક સુરક્ષિત રોકાણ સ્થળ તરીકે ઉભરી રહ્યું છે. રૂપિયાના મૂલ્યમાં ઘટાડો થવાથી વિદેશી રોકાણકારો માટે ભારતમાં મિલકત ખરીદવી ફાયદાકારક બની શકે છે, જે સ્થાનિક બજારમાં માંગ જાળવી રાખવામાં મદદરૂપ થશે.

પ્લાસ્ટિક ઉદ્યોગને પણ ફટકો 
તે ઉપરાંત મિડલ-ઈસ્ટના યુદ્ધને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ જતાં ગુજરાતના પ્લાસ્ટિક ઉત્પાદકોને છેલ્લા એક મહિનામાં રૂ. 18,000 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. યુદ્ધના કારણે પોલિમર કાચા માલના ભાવમાં અણધાર્યો ઉછાળો અને અનિયમિત પુરવઠાએ ખરાબ રીતે અસર કરી છે. ભારતનો 60 ટકા પ્લાસ્ટિક ઉદ્યોગ ગુજરાતમાં આવેલો છે, જે 50 લાખ લોકોને પ્રત્યક્ષ અને 2.5 કરોડ લોકોને પરોક્ષ રોજગારી આપે છે, પરંતુ હાલની કટોકટીમાં 50 ટકા જેટલા યુનિટ્સ બંધ હાલતમાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.