મથુરા: ભગવાન શ્રી કૃષ્ણની નગરી મથુરામાં ઈદના અવસરે લોહીયાળ જંગ જેવી સ્થિતિ સર્જાઈ છે. મથુરાના કોસીકલાં વિસ્તારમાં ગૌ-તસ્કરી રોકવા ગયેલા જાણીતા ગૌ-સેવક ચંદ્રશેખર ઉર્ફે 'ફરસાવાળા બાબા'ની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવતા સમગ્ર ઉત્તર પ્રદેશમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગૌ-સેવક ચંદ્રશેખર બાબાને નવીપુર વિસ્તારમાં ગૌ-તસ્કરો સક્રિય હોવાની બાતમી મળી હતી. તેઓ પોતાની ટીમ સાથે આ તસ્કરોનો પીછો કરી રહ્યા હતા. આ દરમિયાન તસ્કરોએ પકડાઈ જવાની બીકે માનવતાની હદ વટાવી દીધી હતી અને પોતાની ગાડી બાબા પર ચઢાવી દીધી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બાબાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. પોલીસ હાલ નાકાબંધી કરીને ફરાર આરોપીઓને શોધી રહી છે.
બાબાની હત્યાના સમાચાર વાયુવેગે ફેલાતા હજારોની સંખ્યામાં ગૌ-ભક્તો અને ગ્રામીણ જનતા ઉમટી પડી હતી. રોષે ભરાયેલા ટોળાએ આગ્રા-દિલ્હી હાઈવે પર ચક્કાજામ કરી દીધો હતો. આક્રોશ એટલો હતો કે ભીડ દ્વારા પોલીસ અને વહીવટી તંત્રની ગાડીઓ પર ભારે પથરાવ કરવામાં આવ્યો હતો. જેમાં એસડીએમ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓના વાહનોને ભારે નુકસાન થયું છે. સ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસને અશ્રુ ગેસના ગોળા છોડવાની ફરજ પડી હતી.
ઘટનાની ગંભીરતાને જોતા માત્ર સ્થાનિક પોલીસ જ નહીં પરંતુ સેનાની ટુકડીને પણ તૈનાત કરવામાં આવી છે. એસપી સિટી અને એડીએમ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે કેમ્પ કરી રહ્યા છે. બાબાનો પાર્થિવ દેહ તેમના વતન અંજનોખ લાવવામાં આવતા ત્યાં શોકનું મોજું ફરી વળ્યું છે. હિન્દુવાદી સંગઠનોએ આ મામલે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેના કારણે હાલ સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.