કોચીઃ કોચી જનારી એક ફ્લાઈટમાં ઈમરજન્સી દરવાજો ખોલવાનો કેસ સામે આવ્યો છે. આ પ્રયાસ કરનારા પ્રવાસીની ધરપકડ કરવામાં આવી છે. મલેશિયાના કોલાલંપુરથી કોચી આવી રહેલી એક ફ્લાઈટમાં પ્રવાસીએ ઈમરજન્સી દરવાજો ખોલવાનો પ્રયાસ કરતા અન્ય પ્રવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા.
આ પ્રવાસની સામે કાયદેસરના પગલાં લેવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં અન્ય પ્રવાસીઓને ધમકાવવાનો પણ આરોપ છે. ક્રૂ મેમ્બર્સ સાથે પણ એમની વર્તણૂંક સારી ન હતી. પોલીસે એક રિપોર્ટ આપતા જણાવ્યું હતું કે, ઈમરજન્સી દરવાજો ખોલવાનો આ પ્રવાસી પર આરોપ છે. આ વ્યક્તિનું નામ જમશીર અથાનિક્કલ છે. ગત બુધવારે તે કુલાલંપુરથી કોચી આવી રહેલી ફ્લાઈટમાં બેઠો હતો.
ક્યાંનો છે આરોપી?
રિપોર્ટ અનુસાર આ ઘટનામાં વિમાન હવામાં હતુ એ સમયે રાત્રીના 9.10 વાગ્યા હતા. ફ્લાઈટના ક્રૂ મેમ્બર્સે પ્રવાસીને કંટ્રોલ કરી લીધો હતો. કોચીમાં બેટિક એર સુરક્ષા પ્રભારીની ફરિયાદ પર પોલીસે આ કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે. ગુરૂવારની રાત્રે ફ્લાઈટ કોચી પહોંચ્યા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. એની સામે હવે કાયદેસરના પગલાં લેવામાં આવી રહ્યા છે. અન્ય પ્રવાસીઓને ધમકી આપવાના મામલે પણ એની સામે કલમ અંતર્ગત કાર્યવાહી કરાશે.
આ ઉપરાંત સુરક્ષના નિયમોનું પાલન ન કરતા અને સાર્વજનિક સુરક્ષાને જોખમમાં મૂકતા પ્રવાસી પર આ નિયમભંગ કરવા પર કાર્યવાહી કરાશે. હાલ આ કેસમાં તપાસ ચાલુ કરી દેવામાં આવી છે. ફ્લાઈટ 40 મિનિટ બાદ કોચ્ચી ફ્લાઈટ પહોંચી એ પછી પોલીસે કાર્યવાહી કરી હતી. CISFના જવાનોએ એને પકડી લીધો હતો અને પોલીસના હવાલે કરી દીધો હતો. આ મૂળ કેરળનો જ રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
પહેલો કિસ્સો નથી
વિગત એવી પણ મળી રહી છે કે, જ્યારે ફ્લાઈટ ટેકઓફ થઈ એ સમયે તેણે ફ્લાઈટની બારીને પણ મોટું નુકસાન પહોંચાડ્યું છે. આ કારણે પ્રવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. પ્રવાસીઓ ભયભીત થઈ ગયા હતા. આ ફ્લાઈટ આવ્યા બાદ સમગ્ર ફ્લાઈટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. એ પછી બીજા ઑપરેશન માટે ફ્લાઈટને મંજૂરી આપવામાં આવી હતી. પોલીસ આ કેસમાં આરોપીની પૂછપરછ કરી રહી છે. પ્રવાસીઓ હંગામો કર્યો હોય એવી કોચી એરપોર્ટની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ પ્રવાસીએ હંગામો કર્યો હોવાની વાત સામે આવી ચૂકી છે.