હેડિંગ વાંચીને તમને ચોક્કસ જ એવું થયું હશે કે આવું કેમ? પરંતુ તમારી જાણકારી માટે કે ચીનમાં ભારતના રાજદૂત જ્યારે પોતાનો કાર્યકાળ સંભાળે છે, ત્યારે માત્ર તેમની જવાબદારીઓ જ નહીં પણ તેમની ઓળખ પણ બદલાઈ જાય છે. દાયકાઓ જૂની આ પરંપરા મુજબ ભારતીય રાજદૂતો એક નવું ચીની નામ અપનાવે છે. આ કોઈ સામાન્ય ફેરફાર નથી, પરંતુ ચીની સંસ્કૃતિ અને ભાષા સાથે જોડાવા માટેની એક અત્યંત કુશળ રાજદ્વારી વ્યૂહરચના છે.
તાજેતરમાં ભારતના નવનિયુક્ત રાજદૂત વિક્રમ દોરઈસ્વામીએ પોતાનું નામ 'વેઈ જિયામેંગ' રાખ્યું છે, જે આ પરંપરાનો એક ભાગ છે. ચીની ભાષા મેન્ડરિન એ સૂર અને લય પર આધારિત ભાષા છે. ભારતીય નામોના ઘણા અક્ષરો ચીની ફોનેટિક સિસ્ટમમાં બંધ બેસતા નથી, જેના કારણે ત્યાંના લોકો માટે તેનું ઉચ્ચારણ કરવું અત્યંત કઠિન હોય છે. ગવર્ન્મેન્ટ ઓફિસ, મીટિંગ, મીડિયા રિપોર્ટ્સ અને કોઈ પણ કોમ્યુનિકેશનમાં મૂંઝવણ કે મુશ્કેલી ન પડે એ માટે સ્થાનિક નામ અપનાવવામાં આવે છે.
આ સિલસિલો 1950માં ભારત અને ચીન વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થપાયા ત્યારથી શરૂ થયો હતો. ભારતના પ્રથમ રાજદૂતને પણ ચીની નામ આપવામાં આવ્યું હતું, જે 'પેન એન જી' તરીકે ઓળખાયા હતા. આ પરંપરા માત્ર ભારત પૂરતી સીમિત નથી, પરંતુ વિશ્વના અન્ય દેશોના રાજદૂતો અને ઉદ્યોગપતિઓએ પણ ચીનમાં કામ કરતી વખતે ત્યાંની ભાષા મુજબના નામ અપનાવે છે.
ચીન જ નહીં પણ દુનિયાના કોઈ પણ દેશમાં દરેક નામની પાછળ એક ગૂઢ અર્થ અને એક સંદેશ છુપાયેલો હોય છે. આ જ ન્યાયે ભારતના પડોશી દેશ ગણાતા ચીનમાં નામ માત્ર ઓળખ નથી, પણ વ્યક્તિના ગુણો દર્શાવે છે. વાત કરીએ નવા નિર્વાચિત રાજદૂત વિક્રમ દોરઈસ્વામીના ચીની નામ વેઈ જિયામેંગના અર્થની તો આ નામનો ખૂબ જ ગૂઢ અર્થ છે.
વેઈ જિયામેંગ નામના અર્થની તો આ નામમાં 'વેઈ' એક પ્રાચીન સામ્રાજ્ય સાથે જોડાયેલો શબ્દ છે. 'જિયા'નો અર્થ વૃદ્ધિ કરવી અને 'મેંગ' નો અર્થ સંધિ કે ગઠબંધન થાય છે. આમ, આ એક નામના અર્થ અને તેમાં છુપાયેલો સંદેશ કંઈક એવો છે કે વિક્રમ દોરઈસ્વામી બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે આવ્યા છે.
વાત કરીએ કે આખરે ભારતીય રાજદૂતે ચીનમાં જઈને પોતાનું નામ કેમ બદલવું પડે છે એની તો જ્યારે કોઈ વિદેશી રાજદ્વારી સ્થાનિક ભાષાનું નામ અપનાવે છે, ત્યારે ચીનમાં તેને તેમની સંસ્કૃતિ પ્રત્યેના સન્માન તરીકે જોવામાં આવે છે. આ સિવાય આવું કરવાથી વાતચીત માટે એક અનુકૂળ અને વિશ્વાસપાત્ર વાતાવરણ ઊભું થાય છે, જે કૂટનીતિમાં અત્યંત મહત્વનું છે.