Fri Apr 17 2026

Logo

કચ્છ અને બનાસકાંઠામાં  દારૂની પરમિટ ધારકોની સંખ્યામાં વધારો: બે વર્ષમાં સરકારને થઈ નોંધપાત્ર આવક

2026-03-25 14:43:00
Author: Mayur Patel
Article Image

ભુજઃ ગુજરાત વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં દારૂની પરમિટ અંગેના આંકડાઓ સામે આવ્યા છે. સરકારી ડેટા અનુસાર, સરહદી જિલ્લા એવા કચ્છમાં બનાસકાંઠાની સરખામણીએ દારૂની પરમિટ ધરાવતા લોકોની સંખ્યા પાંચ ગણી વધારે જોવા મળી છે. ગત ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ની પરિસ્થિતિએ  બનાસકાંઠામાં ૩૨૯ જ્યારે કચ્છમાં ૧૫૫૮ વ્યક્તિઓ દારૂની પરમિટ ધરાવે છે.

વર્ષ ૨૦૨૫માં બનાસકાંઠામાં ૩૪ અને કચ્છમાં ૨૦૮ નવી પરમિટ આપવામાં આવી હતી. પરમિટ રિન્યુઅલની બાબતમાં પણ કચ્છ મોખરે છે, જ્યાં વર્ષ ૨૦૨૫માં ૩૨૭ પરમિટ રિન્યુ કરવામાં આવી હતી, જેની સામે બનાસકાંઠામાં માત્ર ૬૮ પરમિટ રિન્યુ થઈ હતી. નોંધનીય છે કે, છેલ્લા એક વર્ષમાં કચ્છમાં એક પણ પરમિટ રદ કરવામાં આવી નથી, જ્યારે બનાસકાંઠામાં ૨૦૨૪ દરમિયાન ૨ પરમિટ રદ થઈ હતી.

આ પરમિટ પ્રક્રિયા દ્વારા સરકારની આવકમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. બનાસકાંઠામાં વર્ષ ૨૦૨૪માં રૂ. ૭,૮૪,૦૦૦ ની આવક સામે વર્ષ ૨૦૨૫માં વધીને રૂ. ૯,૦૨,૦૦૦ થઈ છે જયારે રણપ્રદેશ કચ્છમાં વર્ષ ૨૦૨૪માં કચ્છ જિલ્લામાં રૂ. ૯૫,૩૬,૦૦૦ ની જંગી આવક થઈ હતી, જોકે ૨૦૨૫માં આ આંકડો રૂ. ૩૮,૧૦,૦૦૦ રહ્યો છે.

રાજ્યના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા જાહેર કરાયેલા આ આંકડા દર્શાવે છે કે પરમિટ દ્વારા દારૂના વપરાશના નિયમન સાથે સરકારને નોંધપાત્ર મહેસૂલી આવક પ્રાપ્ત થઈ રહી છે.

(ઉત્સવ વૈદ્ય)