Fri Apr 17 2026

Logo

પૈસાદાર થવું છે? મહારાષ્ટ્રના આ ગામમાં એક મચ્છર મારવા પર મળે છે 400 રૂપિયા; જાણો ભારતના સૌથી ધનિક ગામની અનોખી કહાની

2026-03-13 17:19:21
Author: Darshna Visaria
Article Image

ભારતમાં સાપોના ગામ કે જોડિયા બાળકોના ગામ વિશે તમે સાંભળ્યું હશે, પરંતુ મહારાષ્ટ્રમાં આવેલા હિવરે બાઝાર ગામની વાત સાવ અલગ છે. મળતી માહિતી અનુસાર આ ગામમાં તમને એક પણ મચ્છર જોવા નહીં મળે. આ જ કાર છે કે ગ્રામજનો દાવો કરે છે કે તેઓ અહીં આવનારા પર્યટકોને એક ખુલ્લો પડકાર આપે છે, જો કોઈ વ્યક્તિ ગામમાં એક પણ મચ્છર પકડીને બતાવે, તો તેને દરેક મચ્છર દીઠ 400 રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. સ્વચ્છતા અને જળ વ્યવસ્થાપનને કારણે આ ગામ સંપૂર્ણપણે મચ્છરમુક્ત બન્યું છે.

મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લાના હિવરે બાઝાર ગામ એ મચ્છરમુક્ત ગામ છે. આ ગામમાં તમને એક પણ મચ્છર નહીં જોવા મળે. ગામવાસીઓ આ ગામની મુલાકાતે આવનારા પર્યટકોને એક મચ્છર મારવા માટે 400 રૂપિયા આપવાની ઓફર પણ કરે છે. મચ્છર મારવા પર આવી અનોખી ઓફર આપતું કદાચ મહારાષ્ટ્ર જ નહીં પણ દેશનું આ પહેલું ગામ હશે. 

જોકે, આ સિવાય ગામની બીજી સૌથી મોટી ખાસિયત છે આ ગામની જાહોજલ્લાલી. આ ગામમાં કુલ 305 પરિવારો રહે છે, જેમાંથી લગભગ 80 ટકા પરિવારો કરોડપતિ છે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે આ ગામમાં એક પણ પરિવાર ગરીબી રેખા નીચે નથી. ગામમાં ઈલેક્ટ્રિસિટી, પાણી અને રસ્તાઓનું વ્યવસ્થાપન એટલું સચોટ છે કે કોઈપણ ટુરિસ્ટ અહીં આવીને આ ગામના પ્રેમમાં પડી જાય તો નવાઈ નહીં. 

જોકે, હંમેશાથી જ આ ગામની સ્થિતિ આવી જ હતી એવું વિચારી રહ્યા હોવ તો એવું નથી. 80 અને 90ના દાયકામાં આ ગામની સ્થિતિ અત્યંત દયનીય હતી. ભયંકર દુકાળને કારણે લોકો પાસે ખાવા માટે પૂરતું અનાજ નહોતું અને અનેક લોકો ગામ છોડીને સ્થળાંતર કરી ગયા હતા. 

જોકે, ત્યારબાદ ગ્રામજનોએ એક થઈને 'જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ કમિટી'ની સ્થાપના કરી. આ સિવાય જળ સંચય, વૃક્ષારોપણ અને ખેતીમાં નવા પ્રયોગો કરીને ગ્રામજનોએ પોતાના ગામનો કાયાકલ્પ કરી નાખ્યો. આજે આ ગામ આખા મહારાષ્ટ્ર અને ભારત માટે રોલ મોડેલ સમાન છે.