ગાંધીનગરઃ 15મી વિધાનસભાનું 8મું સત્ર હવે પૂરું થવા આવ્યું છે. આજે વિધાનસભામાં વિરમગામથી ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે તેમના મત વિસ્તારનો પ્રશ્ન ઉઠાવ્યો હતો.
હાર્દિક પટેલે શું પ્રશ્ન પૂછ્યો
વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે પૂછ્યું કે, વર્ષ 2024-5માં અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં 15માં નાણાપંચ હેઠળ 70 ટકાની ગ્રામ્ય કક્ષાની કુલ કેટલી ગ્રાન્ટની ફાળવણી કરી છે અને 31-12-2025ની સ્થિતિએ તેમાંથી કેટલા કામો હાથ ધરાયેલા છે અને કેટલા પૂર્ણ થયા છે?
જેનો જવાબ આપતાં પંચાયત પ્રધાને જણાવ્યું કે, વર્ષ 2024-25માં અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં 15માં નાણાપંચ હેઠળ 70 ટકાની ગ્રામ્ય કક્ષાની કુલ રૂ. 6,82,43,639 ની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. તેમાંથી 31-12-2025ની સ્થિતિએ કુલ 237 કામો હાથ ઘરવામાં આવ્યા છે અને 207 કામ પૂર્ણ થયા છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ખેલો ઈન્ડીયા અભિયાનને ગ્રામીણ સ્તરે વધુ મજબૂતી આપવાના હેતુથી આયોજિત સામાજિક એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનો વિરમગામમાં ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકારના રમત-ગમત અને યુવક સેવા વિભાગના સહયોગથી તથા વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલના આયોજન હેઠળ શરૂ થયેલી આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન ગુજરાત સરકારના રાજ્યપ્રધાન કૌશિકભાઈ વેકરીયા અને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ તથા વડોદરાના સાંસદ હેમાંગભાઈ જોશીના હસ્તે વિરમગામ ખાતે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના "ખેલો ઈન્ડીયા" અભિયાનને ગામડાં સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે વિરમગામ ખાતે છેલ્લા ત્રણ વર્ષથી સામાજિક એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ વર્ષે વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા વિસ્તારની કુલ 120 ટીમોએ આ ટુર્નામેન્ટમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. આ ટુર્નામેન્ટ દ્વારા વિરમગામના યુવાનોમાં રમતગમત પ્રત્યે રસ વધશે તેમજ ક્રિકેટના માધ્યમથી સામાજિક એકતા વધુ મજબૂત બનશે અને વિકસિત વિરમગામના સંકલ્પને પણ બળ મળશે.