અમદાવાદઃ ગુજરાતીઓની ઓળખ વેપારી અને શેરબજારમાં રોકાણકાર તરીકેની છે. ઈરાન યુદ્ધ સહિત વૈશ્વિક ભૌગોલિક સ્થિતિના કારણે ગુજરાતીઓ થોડા સમયથી શેરબજારથી અળગા રહ્યા હોય તેમ લાગે છે. ફેબ્રુઆરીમાં નવા રોકાણકારોની સંખ્યામાં 50 %નો ઘટાડો થયો હતો. ખાસ કરીને અમદાવાદ અને સુરતના રોકાણકારો નિરુત્સાહ રહ્યા હતા. જેના કારણે જાન્યુઆરીની તુલનામાં ફેબ્રુઆરીમાં નવા રજિસ્ટ્રેશનમાં 50.4%નો ઘટાડો નોંધાયો હતો. . નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના અહેવાલ મુજબ, ફેબ્રુઆરીમાં નવા ઇક્વિટી રોકાણકારોની નોંધણીમાં ગુજરાતમાં રાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ માસિક ઘટાડો નોંધાયો હતો.
આ મામલે મહારાષ્ટ્ર છે મોખરે
ગુજરાતમાં જાન્યુઆરીમાં 1.48 લાખ નવા રોકાણકારો ઉમેરાયા હતા, જેની સામે ફેબ્રુઆરીમાં માત્ર 74,000 નોંધાયા હતા. આ સાથે ફેબ્રુઆરી મહિનામાં નવા રોકાણકારોના ઉમેરાની દ્રષ્ટિએ ગુજરાત સાતમા ક્રમે રહ્યું છે. જોકે, વ્યક્તિગત રોકાણકારોના ટર્નઓવર અને સહભાગિતાની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર પછી ગુજરાત હજુ પણ બીજા ક્રમે યથાવત છે.
રાષ્ટ્રીય સ્તરે, ફેબ્રુઆરીમાં 13.3 લાખ નવા રોકાણકારો ઉમેરાયા હતા, જે જાન્યુઆરીની સરખામણીમાં 24.5% નો ઘટાડો દર્શાવે છે. નવા રજિસ્ટ્રેશનમાં તીવ્ર ઘટાડો થયો હોવા છતાં, વ્યક્તિગત રોકાણકારોની ભાગીદારી અને ટર્નઓવરમાં ગુજરાતનું બીજું સ્થાન જળવાઈ રહ્યું છે.
ઉત્તર પ્રદેશમાં નવા રોકાણકારો વધ્યા
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, નવા રોકાણકારોના રજિસ્ટ્રેશનમાં ઉત્તર પ્રદેશ 14.8% હિસ્સા સાથે મોખરે રહ્યું હતું. ત્યારબાદ મહારાષ્ટ્ર 10.6% સાથે બીજા, તમિલનાડુ 7% સાથે ત્રીજા, પશ્ચિમ બંગાળ 6.9% સાથે ચોથા અને બિહાર 6.4% સાથે પાચમા ક્રમે હતા. આ રાજ્યોએ મળીને મહિનાના કુલ રોકાણકારોમાં 45.7% હિસ્સો આપ્યો હતો. તમામ રાજ્યોમાં માસિક ધોરણે ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ ગુજરાતમાં સૌથી વધુ 50.4% નો ઘટાડો જોવા મળ્યો હતો.
સુરત - અમદાવાદમાં રોકાણકારો ઘટ્યો
દેશના મુખ્ય જિલ્લાઓમાં સુરત અને અમદાવાદ સૌથી વધુ પ્રભાવિત થયા હતા. ફેબ્રુઆરી 2026 માં, ટોચના 10 જિલ્લાઓમાં નવા રોકાણકારોના ઉમેરામાં ઘટાડો થયો છે. સુરત અને અમદાવાદમાં અનુક્રમે 49.8% અને 46.5% નો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો.દિલ્હી-NCRમાં સૌથી વધુ 70,748 નવા રોકાણકારો નોંધાયા હતા, પરંતુ ત્યાં પણ 25.7% નો ઘટાડો હતો.
વ્યક્તિગત રોકાણકારો દ્વારા બજારની પ્રવૃત્તિમાં ગુજરાત ટોચના રાજ્યોમાં રહ્યું હતું. મહારાષ્ટ્રમાં કેશ માર્કેટમાં 2.9 લાખ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જ્યારે ગુજરાતમાં 1.7 લાખ કરોડનું ટર્નઓવર રહ્યું હતું. જે જાન્યુઆરી કરતા 6.8% વધુ છે. વ્યક્તિગત રોકાણકારોની ભાગીદારીમાં 14 લાખ સક્રિય રોકાણકારો સાથે ગુજરાત બીજા ક્રમે છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, બજાર અસ્થિર છે અને તેની અસર નવા રોકાણકારો પર પડી છે. અમને વિશ્વાસ છે કે એકવાર સ્થિરતા આવશે પછી રોકાણકારોની નોંધણીમાં ફરી વધારો થશે.