Fri Apr 17 2026

Logo

અમદાવાદ સહિત રાજ્યની 166 મનપામાં મિલેટ મહોત્સવ અને ફાર્મર માર્કેટનું આયોજન: ક્યારે શરૂ થશે?

2026-03-18 22:14:16
Author: Vimal Prajapati
Article Image

અમદાવાદઃ રાજ્ય કક્ષાનો મિલેટ મહોત્સવ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાવાનો છે. અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે 85 સ્ટોલ અને અન્ય શહેરોમાં 620 સ્ટોલ ખેડૂત મંડળીઓ, FPO અને ખેડૂતોને વિનામૂલ્યે ફાળવ્યા આવ્યાં છે. જેમાં મિલેટ પ્રદર્શની, ફૂડ ફેસ્ટ, કૃષિ-ટેક ઝોન, એગ્રી-સ્ટાર્ટઅપ અને મહિલા ઉદ્યોગ સાહસિકોના સ્ટોલ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. 

તારીખ 21 અને 22 માર્ચ સુધી મિલેટ મહોત્સવનું આયોજન

ગુજરાતના કૃષિ વિભાગ હસ્તકના ગુજરાત એગ્રી ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા આગામી તારીખ 21 અને 22 માર્ચના રોજ રાજ્યવ્યાપી "મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2026"નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય કક્ષાનો મુખ્ય મિલેટ મહોત્સવ કાર્યક્રમ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે, જેની સાથે જ રાજ્યની અન્ય સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, ભાવનગર, જામનગર, જૂનાગઢ, નવસારી, વાપી, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ મહાનગરપાલિકા ખાતે પણ એકસાથે આ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. અન્ય મહાનગરપાલિકામાં આયોજિત મિલેટ મહોત્સવમાં વિવિધ મંત્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહી ઉત્સાહવર્ધન કરશે.

અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે અંદાજે 85 સ્ટોલ લાગશે

આ બે દિવસીય મહોત્સવ અંતર્ગત અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે અંદાજે 85 સ્ટોલ અને રાજ્યના અન્ય શહેરોમાં કુલ 620 સ્ટોલ વિવિધ ખેડૂત મંડળીઓ, એફ.પી.ઓ. અને વ્યક્તિગત ખેડૂતોને કોઈપણ જાતના ભાડા વિના એટલે કે, વિનામૂલ્યે ફાળવવામાં આવ્યા છે. આ આયોજનના માધ્યમથી ખેડૂતોને તેમના મિલેટ ઉત્પાદનો સીધા ગ્રાહકો સુધી પહોંચાડવા અને મધ્યસ્થીઓ દૂર કરી યોગ્ય ભાવ અપાવવા માટેનું એક સબળ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. 

મિલેટ મહોત્સવને નાગરીકો માટે આકર્ષણનું કેન્દ્ર 

નાગરિકો માટે આ મહોત્સવમાં મિલેટ પ્રદર્શની, ફૂડ ફેસ્ટ, કૃષિ-ટેક ઝોન, એગ્રી-સ્ટાર્ટઅપ અને મહિલા ઉદ્યોગ સાહસિકોના સ્ટોલ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ મહોત્સવની મુલાકાત લેતા નાગરીકો અહીં મિલેટની શુદ્ધ બનાવટોની ખરીદી કરવાની સાથે-સાથે તેની તાજી અને પૌષ્ટિક વાનગીઓનો લ્હાવો પણ માણી શકશે. રાજ્યના મહાનગરોમાં વસતા નાગરિકોને આ મહોત્સવની અચૂક મુલાકાત લેવા માટે જીતુ વાઘાણી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. 

શ્રી અન્ન અને પ્રાકૃતિક ખેતીને એકબીજાના પૂરકઃ જીતુ વાઘાણી

મિલેટ ઓછા પાણી અને રાસાયણિક ખાતર વગર ઉગી શકતા હોવાથી તે ગૌ-આધારિત ખેતી માટે અત્યંત ઉત્તમ છે. ગુજરાતમાં વધી રહેલા પ્રાકૃતિક ખેતીના વ્યાપને પ્રોત્સાહન આપી ધરતી માતાની રક્ષા કરવાનો સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારનો મુખ્ય આશય છે. ખેડૂતોની આવકમાં સીધો વધારો કરવાના પ્રયાસરૂપે યોજાનારો આ મહોત્સવ ગુજરાતના કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ લાવશે.