ગાંધીનગરઃ ઈરાન યુદ્ધના કારણે ગુજરાત સહિત દેશમાં ગેસના પુરવઠા પર અસર પડી છે. આ દરમિયાન રાજ્યમાં ગેસના પૂરવઠા અંગે ઉર્જા પ્રધાન ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે ગેસનો પૂરવઠો ખોરવાય નહીં તે માટે સરકાર સંપૂર્ણ આયોજન કરી રહી છે. રાજ્ય સરકારની પ્રાથમિકતા ઘરોમાં ગેસ પહોંચાડવાની છે. તેમાં કોઈપણ નુકસાન નહીં થાય તે સુનિશ્ચિત કરવા પ્રયત્નો ચાલી રહ્યા છે. ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં 50 ટકા કાપ મૂકવામાં આવ્યો છે, જ્યારે ફર્ટિલાઈઝર કંપનીઓ અને દૂધની ડેરીમાં વપરાતા ગેસમાં 40 ટકા કાપ લાગુ કરવામાં આવ્યો છે. ઉર્જા પ્રધાનનું કહેવું છે કે ઘરોમાં એકપણ ચૂલો બંધ ન થાય અને કોમર્શિયલ સિલિન્ડરમાં હાલ કોઈપણ પ્રકારનો કાપ લાગુ કરવામાં આવ્યો નથી.
મહેસાણાંમાં યુદ્ધના પ્રભાવની અસર દૂધસાગર ડેરી પર સ્પષ્ટ જોવા મળી રહી છે. ડેરીના ગેસ પુરવઠામાં 40 ટકાનો કાપ મુકાયો છે, જેના કારણે મિલ્ક પાવડરના ઉત્પાદનમાં ઘટાડો થશે અને 200 ટનનું ઉત્પાદન 150 ટન સુધી ઘટી શકે છે. ગેસ કાપના કારણે ડેરીના 2 પાવડર પ્લાન્ટ બંધ કરવાની સ્થિતિ ઉભી થઈ છે. દૂધ પ્રોસેસિંગ યથાવત્ રાખવા માટે ડેરી ફર્નેસ ઓઈલ અને સોલિડ ફ્યુઅલ આધારિત બોઈલરની તૈયારી કરી રહી છે. તમામ પશુપાલકોનું દૂધ રાબેતા મુજબ જ લેવામાં આવશે.
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. પેટ્રોલિયમ મંત્રાલયે ઘરેલુ ગેસ સિલિન્ડર માટે બુકિંગનો સમયગાળો લંબાવ્યો છે. સૂત્રો કહે છે કે આ 21 દિવસથી વધારીને 25 દિવસ કરવામાં આવ્યો છે. કાળાબજાર અને સંગ્રહખોરીને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે જણાવ્યું છે કે હાલમાં ઘરેલુ ગેસ, ડીઝલ કે પેટ્રોલની કોઈ અછત નથી. મંત્રાલયે LPG સિલિન્ડર માટે બુકિંગનો સમયગાળો ત્રણ દિવસ પહેલા 15 દિવસથી વધારીને 21 દિવસ કર્યો હતો, પરંતુ હવે આ સમયગાળો 21 દિવસથી વધારીને 25 દિવસ કરવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે ગ્રાહકોએ હવે બે સિલિન્ડર બુક કરવા વચ્ચે 24 દિવસનો તફાવત જાળવવો પડશે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સ્થાનિક ગ્રાહકો માટે ગેસના ભાવમાં વધારો થવાની શક્યતા નહિવત છે. દેશમાં ગેસનો પુરવઠો જાળવી રાખવા માટે અને સપ્લાય ચેઈનમાં કોઈ અવરોધ ન આવે તે હેતુથી ઔદ્યોગિક વપરાશ માટેના લિક્વિફાઈડ નેચરલ ગેસના જથ્થાને હવે ઘરેલું વપરાશ માટે ડાયવર્ટ કરવામાં આવશે. ઉપરાંત સ્પષ્ટતા કરી હતી કે ઘરેલું ગ્રાહકો માટે ગેસના દરોમાં કોઈ ફેરફાર કે રેશનલાઈઝેશન (કપાત) કરવામાં આવશે નહીં.