Fri Apr 17 2026

Logo

ગુજરાતમાં 3 વર્ષમાં નકલી ડોક્ટરોની 2824 ફરિયાદો અને 169 ઝડપાયા

2026-03-27 21:10:56
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ
: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન રાજ્યમાં ફૂટી નીકળેલા બોગસ ડોક્ટરો અંગે ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી હતી. છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યભરમાં નકલી ડિગ્રી સાથે પ્રેક્ટિસ કરતા વ્યક્તિઓ વિરુદ્ધ કુલ ૨,૮૨૪ ફરિયાદો નોંધાઈ હોવાનું ખૂલ્યું હતું, જેમાં વર્ષ 2021માં 839, 2022માં 875 અને સપ્ટેમ્બર 2023 સુધીમાં 1010 ફરિયાદોનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન અત્યાર સુધીમાં 169 નકલી ડોક્ટરોની ઓળખ કરવામાં આવી છે, જેમાંથી 154 વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું ખૂલ્યું હતું. મોરબીમાં 577, મહેસાણામાં 568 અને સુરતમાં 520 જેટલી સર્વાધિક તપાસના કેસો નોંધાયા હતા.

તપાસ દરમિયાન નવસારીમાં ૨૨૧ ફરિયાદો સામે આવી છે, જ્યારે અમદાવાદમાં ૩૫ ફરિયાદોની તપાસમાં ૧૧ નકલી ડોક્ટરો ઝડપાયા હતા. તંત્રની કડકાઈને કારણે વડોદરા અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં અનેક લેભાગુ તત્વો પોતાના ક્લિનિક બંધ કરીને ફરાર થઈ ગયા હોવાનું પણ સામે આવ્યું હતું. સુરતના માંડવી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસોમાં આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.