Fri Apr 17 2026

Logo

આઝાદી ને કપડાં વચ્ચે અટવાયેલી છોકરી: કપડાંની લંબાઈથી ચરિત્રનું માપ?

2026-03-15 08:47:00
Author: રાજ ગોસ્વામી
Article Image

 

મોર્નિંગ મ્યૂસિંગ - રાજ ગોસ્વામી


દિલ્હીમાં, સમીના મિશ્રા નામની એક ડોકયુમેન્ટરી ફિલ્મકાર, લેખક અને શિક્ષક છે. તે બાળકોના શિક્ષણ અને તેમના મુદ્દાઓ પર કામ કરે છે. સમીના ‘હમ હિન્દુસ્તાની’ પોએટ્રી પોડકાસ્ટ ચલાવે છે, જેમાં બાળકો કવિતા મારફતે તેમના વિચારો અને ભાવનાઓ વ્યક્ત કરે છે. તાજેતરમાં, સમીનાનો એક ઇન્ટરવ્યૂ સાંભળવા મળ્યો હતો. તેમાં એક વાત બહુ સ્પર્શી ગઈ.

સમીનાએ ઝારખંડમાં એક વર્કશોપ કર્યો હતો. તેમાં અનેક બાળકોએ ભાગ લીધો હતો. એમાં એક વિષય હતો : 

‘આઝાદી.’ .... સમીનાનું કહેવું હતું કે આઝાદી એટલે શું તેની વાત બાળકો તેમના બેકગ્રાઉન્ડ અનુસાર કહેતાં હોય છે.

એમાંય છોકરા માટે જે આઝાદી હોય છે, છોકરીની આઝાદી તેના કરતાં અલગ હોય છે. પછી સમીનાએ કહ્યું કે એ વર્કશોપમાં એક નાની બાળકી આઝાદી પર કવિતા લખી તેમાં એક સૂચક પંક્તિ હતી-

‘આઝાદી મેરા ઘર હૈ, જહાં મેં છોટે કપડે પહેન સકતી હું.’

આ એક લાઈન ભારતમાં કપડાંને લઈને સ્ત્રીઓને કેવી રીતે આંકવામાં આવે છે તેની કડવી સચ્ચાઈ બયાન કરે છે.

ઘર, જેને આપણે સૌથી સુરક્ષિત સ્થાન માનીએ છીએ, ત્યાં ‘ટૂંકાં કપડાં પહેરી શકવાની’ વાત જો આઝાદી બની જાય તો સમજવું જોઈએ કે બહારની દુનિયા કેટલી નિયંત્રણકારી છે. એક નાની બાળકીના મનમાં આ વિચાર ક્યાંથી આવ્યો? એને કોણે શીખવ્યું કે કપડાંનું કદ એની સલામતી, 

એની ઈજ્જત અને એની સ્વીકાર્યતા સાથે જોડાયેલું છે?

આ પ્રશ્ન માત્ર એક વર્કશોપ કે એક બાળકીનો નથી. આ સમગ્ર સામાજિક માનસનો પ્રશ્ન છે. આપણા સમાજમાં સ્ત્રીના કપડાંને તેના ચરિત્ર સાથે જોડવાની પરંપરા બહુ જૂની છે. ‘સંસ્કારી’ અને ‘અસંસ્કારી’ના માપદંડમાં ઘણીવાર કપડાં સૌથી પહેલી કસોટી બને છે. છોકરી શું પહેરે છે, કેટલું ઢાંકે છે, કેટલું દેખાય છે- આ બધું જ લોકોની ટોકાટોકનો વિષય બની જાય છે.

અહીં વિચાર કરવાની વાત એ છે કે છોકરાઓ માટે આઝાદીનો અર્થ મોટેભાગે બહાર જવાની, મિત્રો સાથે ફરવાની, કારકિર્દી બનાવવાની કે પોતાના સપનાંઓ પાછળ દોડવાની હોય છે, જ્યારે ઘણી છોકરીઓ માટે આઝાદીનો અર્થ હજી પણ શરીર પરનો અધિકાર છે. તે શું પહેરે, કેવી રીતે ચાલે, ક્યારે બહાર જાય, આ બધું જ હજી પણ પરિવાર અને સમાજના દેખરેખ હેઠળ હોય છે. 

ઘણીવાર ‘સુરક્ષા’ના નામે કપડાં પર નિયંત્રણ મૂકવામાં આવે છે. કહેવામાં આવે છે કે ‘અમને તારી ચિંતા છે,’ ‘સમાજ ખરાબ છે,’ ‘લોકો શું કહેશે?’ પરંતુ આ ચિંતા ઘણીવાર મૂળ પ્રશ્નને ઢાંકી દે છે; પ્રશ્ન કપડાંનો નથી, પ્રશ્ન નજરનો છે. જો કોઈની નજરમાં ખોટ હોય તો તેની જવાબદારી કપડાં પર કેમ મૂકી દેવી?

વિડંબના એ છે કે જ્યારે પણ કોઈ સ્ત્રી પર અત્યાચાર થાય ત્યારે પહેલી ચર્ચા એના કપડાંની થાય છે. જાણે ગુનો કોઈ વ્યક્તિએ નહીં, પણ કપડાંએ કર્યો હોય. આ માનસિકતા પીડિતાને જ કઠેડામાં ઊભી કરે છે. ‘તેણે શું પહેર્યું હતું?’-

આ સવાલ ગુનેગારને નહીં, સ્ત્રીની ઊલટતપાસ લે છે.

આ વલણનો પ્રભાવ ખૂબ ઊંડો છે. છોકરીઓ બાળપણથી જ શીખી જાય છે કે તેમણે ‘સાવધાન’ રહેવાનું છે. તેનું   શરીર તેનું નથી, પણ પરિવારની ઇજ્જતનું પ્રતીક છે એટલે તેણે એવું જ પહેરવાનું છે જેમાં ઈજ્જત સચવાય. અને જ્યારે શરીર પરનો અધિકાર છીનવાઈ જાય ત્યારે આત્મવિશ્વાસ પણ ધીમે ધીમે ઘટે છે.

જોકે કપડાં વ્યક્તિની નૈતિકતા નક્કી કરતા નથી. નૈતિકતા વર્તનથી આવે છે, સંવેદનાથી આવે છે, અન્ય પ્રત્યેના આદરથી આવે છે. એક વ્યક્તિ સાદા કપડાંમાં પણ અસંવેદનશીલ હોઈ શકે, અને આધુનિક વસ્ત્રોમાં પણ અત્યંત સંસ્કારી અને જવાબદાર હોઈ શકે.  અહીં પ્રશ્ન પરંપરા વિરુદ્ધ આધુનિકતાનો નથી. સાડી, સલવાર-કમીઝ કે જીન્સ, આ બધાં વસ્ત્રો જ છે. પ્રશ્ન એ છે કે પસંદગીનો અધિકાર કોના હાથમાં છે? જો કોઈ સ્ત્રી સાડી પહેરવા માંગે, તો તેની પસંદ છે અને જો કોઈ જીન્સ કે સ્કર્ટ પહેરવા માંગે તો એ પણ એની પસંદ છે. સાચી આઝાદી પસંદગીમાં છે, વસ્ત્રમાં નહીં.

સમીનાની વર્કશોપમાં બાળકીની કવિતા એક ચેતવણી જેવી છે. તે બતાવે છે કે નાની ઉંમરે જ છોકરીઓ સમજી જાય છે કે બહારની દુનિયામાં તેમને કપડાંથી આંકવામાં આવશે એટલા માટે તેનું ઘર તેની આઝાદીનું રક્ષક બની જાય છે, પરંતુ શું સમાજનું લક્ષ્ય એવું ન હોવું જોઈએ કે આખી દુનિયા જ દરેક બાળક માટે સુરક્ષિત બને?

આ દિશામાં બદલાવ ધીમે ધીમે આવી રહ્યો છે. વધુ સ્ત્રીઓ શિક્ષિત બની રહી છે. આર્થિક રીતે સ્વતંત્ર બની રહી છે અને પોતાના અવાજ સાથે આગળ આવી રહી છે. સોશ્યલ મીડિયા અને જાહેર ચર્ચાઓ પણ આ મુદ્દાને કેન્દ્રમાં લાવે છે. હવે વધુ લોકો સમજવા લાગ્યા છે કે સ્ત્રીનાં કપડાં તેના ચરિત્રનો માપદંડ નથી.

2016માં સ્ત્રીઓના હેરેસમેન્ટ પર આવેલી ‘પિંક’ ફિલ્મની ચર્ચાને આગળ ધપાવતાં, ફિલ્મમાં મહત્ત્વનો કિરદાર અદા કરનારા અમિતાભ બચ્ચને (તે વખતે 4 અને 18 વર્ષની) તેમની બે પૌત્રીઓ, આરાધ્ય અને નવ્યાને એક પત્રમાં લખ્યું હતું;

‘લોકોના જજમેન્ટના પડછાયામાં ના જીવશો. ખુદના વિચારો અનુસાર નિર્ણય કરજો. કોઈને પણ એટલો હાવી થવા ના દેશો કે તમને ખુદ એવું લાગવા માંડે કે તમારા સ્કર્ટની લંબાઈ તમારા કેરેક્ટરનો માપદંડ છે. કોઈને પણ એવી સલાહ આપવાની ઈજાજત ના આપશો કે તમારા ફ્રેન્ડ્સ કોણ અને કેવા હોવા જોઈએ.’

બચ્ચનજીએ આવું લખવું પડે છે તે બતાવે છે કે સમાજમાં હજી પણ કામ ઘણું બાકી છે. માતા-પિતા, શિક્ષકો અને સમાજને મળીને બાળકોને શીખવવું પડશે કે આદર નજરમાં હોવો જોઈએ, નિયંત્રણમાં નહીં. છોકરાઓને શીખવવું પડશે કે સ્ત્રીનું શરીર તેમની ઇચ્છાઓઓનો વિષય નથી. અને છોકરીઓને સમજાવવું પડશે કે તેમનું મૂલ્ય તેમના વસ્ત્રોથી ઘણું વિશાળ છે. અને ત્યારે કોઈ બાળકી કવિતામાં લખશે-  ‘આઝાદી મેરા દેશ હૈ, જહાં મેં બિના ડર કે જી સકતી હું.’ તે દિવસ સુધી, આપણને જાતને પૂછવું પડશે- અમે કપડાંને જોઈ રહ્યા છીએ કે મનુષ્યને? અને જો જવાબ કપડાં હોય તો બદલાવની શરૂઆત આપણી જ અંદરથી કરવી પડશે.