Fri Apr 17 2026

Logo

કચ્છમાં વીજ તંત્રનો સપાટો: એક જ દિવસમાં ૩,૭૯૧ કનેક્શન કટ, ૨.૨૭ કરોડની વસૂલાત!

2026-03-25 13:06:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં સરકારી વિભાગો બાકી લેણાં વસૂલવા માટે એક્શન મોડમાં આવી ગયા છે. પશ્ચિમ કચ્છ વીજ વર્તુળ કચેરી દ્વારા બાકી વીજ બિલોની વસૂલાત માટે મંગળવારે એક આક્રમક 'મેગા ડ્રાઈવ' હાથ ધરવામાં આવી હતી, જેમાં તંત્રએ કડક વલણ અપનાવતા હજારો જોડાણો કાપી નાખ્યા હતા.

આ મહા-ઝુંબેશને સફળ બનાવવા માટે ભુજ, માંડવી અને નખત્રાણા ડિવિઝનની કુલ ૨૦૨ જેટલી ટીમો મેદાનમાં ઉતારવામાં આવી હતી. જે ગ્રાહકો લાંબા સમયથી વીજ બિલ ભરપાઈ કરવામાં આળસ કરી રહ્યા હતા, તેમના વિરુદ્ધ તવાઈ બોલાવતા દિવસભરની કામગીરીમાં અંદાજે ૩,૭૯૧ વીજ જોડાણો સ્થળ પર જ કાપી નાખવામાં આવ્યા હતા. પીજીવીસીએલની આ આકરી કાર્યવાહીને પગલે બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

તંત્રની આ કડક ઝુંબેશની અસર વસૂલાત પર સીધી જોવા મળી હતી. વીજ કાપના ભય અને વિભાગની સક્રિયતાને કારણે સાંજ સુધીમાં કુલ રૂપિયા ૨.૨૭ કરોડ જેવી માતબર રકમની વસૂલાત કરવામાં આવી છે. પીજીવીસીએલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ પૂરું થવા સુધી આ ઝુંબેશ હજુ વધુ તેજ બનાવવામાં આવશે. જે ગ્રાહકોના બિલ બાકી છે તેમને વીજ કાપની અગવડતાથી બચવા માટે વહેલી તકે નાણાં ભરી દેવા અપીલ કરવામાં આવી છે.

દરમ્યાન,એક તરફ બાકીદારો સામે કડક કાર્યવાહી થઈ રહી છે, તો બીજી તરફ જાગૃત ગ્રાહકોની સંખ્યા પણ નોંધપાત્ર રીતે વધી છે. પશ્ચિમ કચ્છમાં લોકો હવે બિલ ભરવા માટે કચેરીએ જઈ લાંબી કતારોમાં ઉભા રહેવાને બદલે ઓનલાઈન માધ્યમોને પ્રાધાન્ય આપી રહ્યા છે.આ વર્ષે અંદાજે ૫૬ ટકા ગ્રાહકોએ ઓનલાઈન બિલ ભર્યા છે.

 લોકોમાં ટેકનોલોજી પ્રત્યે જાગૃતિ વધી છે. ઓનલાઈન પેમેન્ટને કારણે કલેક્શન વિન્ડો પર ભીડ ઘટી છે અને ગ્રાહકો તેમજ વિભાગ બંનેના સમયની બચત થઈ રહી છે તેમ પશ્ચિમ કચ્છ પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર તપન વોરાએ જણાવ્યું હતું.

(ઉત્સવ વૈદ્ય)