નવી દિલ્હીઃ દિલ્હીના પાલમ વિસ્તારમાં સર્જાયેલી ભયાનક આગની ઘટનામાં એક જ પરિવારના 9 લોકોના મૃત્યુ થયા હતા. આ દુર્ઘટના પછી આજે શોક સભા દરમિયાન આમ આદમી પાર્ટી (આપ) અને ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. બંને પક્ષોના નેતાઓ પીડિતોના પરિવારજનોને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન પહેલા બંને નેતાઓ વચ્ચે બોલાચાલી થઈ અને બાદમાં મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો.
બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો
પાલમ વિસ્તારમાં બુધવારે રાત્રે એક મકાનમાં આગ લાગી, જેમાં એક જ પરિવારના 9 સભ્યોના મોત થયા હતા. આ ઘટનાને લઈને ગુરુવારે શોક સભા દરમિયાન AAP નેતાઓ પહેલા પહોંચ્યા અને પીડિતોને મળ્યા હતા, આપ નેતા સાથે સાથે BJP કાર્યકર્તાઓ આવ્યા હોવાથી આ વિવાદ સર્જાયો હતો. બીજેપીની હાજરીથી AAP લોકો ગુસ્સે થયા. બંને પક્ષો વચ્ચે દલીલો થઈ અને મારામારી થઈ હતી. મામલો એટલો ઉગ્ર બન્યો હતો કે, પોલીસે વચ્ચે પડીને બંને પક્ષને શાંત કર્યાં હતાં.
ઘટના માટે ભારદ્વાજે ભાજપ સરકારને જવાબદાર ઠેરવી
આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાએ ભાજપ પર આક્ષેપો કરવામાં આવ્યાં હતાં. આગની આ ઘટના માટે ભારદ્વાજે ભાજપ સરકારને જવાબદાર ઠેરવવાનું શરૂ કર્યું હતું, જેના કારણે ઉગ્ર બોલાચાલી થઈ હતી. થોડીવારમાં ચર્ચા અપશબ્દો અને ધક્કામુક્કીમાં ફેરવાઈ ગઈ હતી. ઘટનાસ્થળે હાજર કાર્યકરોમાં ભારે હોબાળો મચી ગયો. બોલાચાલી ચાલી રહી હતી તે દરમિયાન કોઈએ ખુરશી ફેંકી હતી, જે આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ ધારાસભ્ય વિનય મિશ્રાને વાગી હોવાનો પણ દાવા કરવામાં આવી રહ્યો છે.
— Saurabh Bharadwaj (@Saurabh_MLAgk) March 19, 2026
આ સમગ્ર ઘટના માટે સૌરભ ભારદ્વાજે સોશિયલ મીડિયા પર આ ઘટના સંબંધિત એક વીડિયો શેર કર્યો અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આ શોક સભામાં અરવિંદ કેજરીવાલ પણ આવવાના હતાં, પરંતુ તે પહેલા જ આપ નેતા સૌરભ ભારદ્વાજ ત્યાં પહોંચી ગયાં હતાં.