અમરેલીઃ સમગ્ર રાજ્યમાં સામાન્ય અને ગરીબ પરિવારના દીકરા-દીકરીઓ ભણી ગણીને આગળ વધી શકે તે પ્રકારની શિક્ષણ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. રાજ્યમાં "કન્યા કેળવણી મહોત્સવ" થકી દીકરીઓનો શાળા ડ્રોપ આઉટ રેશીયો 2 ટકા જેટલો નીચે આવ્યો છે. દેવકા વિદ્યાપીઠ ખાતે દાતાઓના સહયોગથી 1,100 બેડની ગર્લ્સ હોસ્ટેલ અને 580 વિદ્યાર્થિનીઓની ક્ષમતા સાથેના અદ્યતન સુવિધાસભર બિલ્ડિંગ આકાર પામ્યા છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા વિદ્યાપીઠ ખાતે નવનિર્મિત અદ્યતન કન્યા છાત્રાલય અને ભોજનાલયના નૂતન બિલ્ડિંગનું તકતી અનાવરણ કરીને લોકાર્પણ કર્યું હતું.
ગુજરાતમાં કન્યા કેળવણી માટેનો પાયો કોણે નાખ્યો?
આ પ્રસંગે મુખ્ય પ્રધાને જણાવ્યું કે, ગુજરાતમાં કન્યા કેળવણી માટેનો મજબૂત પાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન તરીકે નાખ્યો હતો. સામાન્ય અને ગરીબ પરિવારના દીકરા-દીકરીઓ ભણી ગણીને આગળ વધી શકે તે પ્રકારની શિક્ષણ વ્યવસ્થા કરી છે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની સફળગાથા પર પ્રકાશ પાડતાં મુખ્ય પ્રધાને ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવને પરિણામે ડ્રોપ આઉટ રેશીયો ઘટીને 2 ટકા જેટલો નીચે આવ્યો છે.
દીકરીઓ અંગે રાજ્ય સરકારે શું ભૂમિકા નિભાવી?
દીકરીઓને આર્થિક અગવડના કારણે અભ્યાસ અધુરો છોડવો ન પડે તે માટે રાજ્ય સરકારે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાઓ શરૂ કરી છે. રાજ્યમાં અત્યારસુધીમાં 'નમો લક્ષ્મી' યોજના હેઠળ 21.34 લાખ દીકરીઓને રૂપિયા 1,438 કરોડની સહાયનો લાભ પહોંચાડવામાં આવ્યો છે. ઉપરાંત નમો સરસ્વતી' યોજના હેઠળ 2.96 લાખ વિદ્યાર્થીઓને રૂપિયા 220 કરોડની સહાય રકમ સીધી જ તેમના બેન્ક ખાતામાં જમા કરવામાં આવી છે.
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાની દેવકા વિદ્યાપીઠ ખાતે નવનિર્મિત કન્યા છાત્રાલય અને ભોજનાલયનું લોકાર્પણ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, ચાંપરડાના પૂજ્ય મુક્તાનંદ બાપુ અને સાથી મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં કર્યું.
— Bhupendra Patel (@Bhupendrapbjp) April 1, 2026
દીકરીઓના સર્વાંગી વિકાસ માટે સમર્પિત આ સંસ્થામાં આજે 1100 બેડની ક્ષમતા… pic.twitter.com/iWBcow7ni2
દેવકા વિદ્યાપીઠનું લોકાર્પણ કરવામાં આવ્યું
દેવકા વિદ્યાધામમાં શિક્ષણની સાથે જીવનઘડતર અને ચરિત્ર નિર્માણ, ગીતા પાઠ, સંસ્કાર સિંચન જેવા રાષ્ટ્રીય મૂલ્ય નિર્માણના શિક્ષણયજ્ઞને મુખ્ય પ્રધાને એક અદ્વિતીય પ્રશંસનીય કામગીરી તરીકે બિરદાવી હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2012માં તત્કાલીન મુખ્ય પ્રધાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે દેવકા વિદ્યાપીઠનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દેવકા વિદ્યાપીઠ ગર્લ્સ હોસ્ટેલ અને ભોજનાલય નૂતન બિલ્ડિંગ લોકાર્પણ પ્રસંગે દેવકા વિદ્યાપીઠ શ્રી સૂર્યકાન્ત ઓઝા, ગૌતમભાઈ ઓઝા સહિતના ટ્રસ્ટીશ્રીઓ, ચાપરડા ગુરુકુળ સંચાલક મુક્તાનંદ બાપુ, ધારાસભ્ય હિરાભાઈ સોલંકી, મહેશભાઈ કસવાલા, બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.