નવી દિલ્હી/બીજિંગઃ ઈરાન-અમેરિકા/ઈઝરાયલ વચ્ચેના યુદ્ધ વચ્ચે પડોશી દેશ ચીન અવનવા દાવાઓને લઈ ચર્ચામાં રહે છે. એક બાજુ તિબેટ પર ડોળો જમાવી રહ્યું છે, જ્યારે હવે ભારતના અભિન્ન રાજ્ય અરુણાચલ પ્રદેશ મુદ્દે પણ નવા નવા દાવા કરી રહ્યું છે, ત્યારે આજે આ મુદ્દે ભારત સરકારે બીજિંગને જડબાતોડ જવાબ આપતા કહ્યું હતું કે અરુણાચલ પ્રદેશનું નામ બદલવાથી વાસ્તવિકતા બદલાશે નહીં.
અરૂણાચલ પ્રદેશમાં ચીન બોર્ડરથી નજીક આવેલા ગ્રામ્ય વિસ્તાર પર ચીને ફરી એકવાર પોતાનો ખોટો દાવો કર્યો છે. નામ આપવાને લઈને ચીને ફરી વિવાદાસ્પદ નિવેદન આપી દીધુ છે. ચીનના વિદેશ મંત્રાલયે અરૂણાચલને જાંગનાન દર્શાવી દીધું છે. ભારતના રાજ્ય પર ચીને દાવો કર્યો હતો કે, ચીન રાષ્ટ્રની સંપ્રભુતા અંતર્ગત નામ રાજ્યનું નામ બદલી દેવામાં આવશે.
હકીકતને કોઈ બદલી નહીં શકે
ચીન દ્વારા નામ બદલવાની હરકત પર ચીનને જડબાતોડ જવાબ આપતા ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, આવા ખોટા દાવા ગ્રાઉન્ડ લેવલ પર જે હકીકત છે એને બદલી શકતા નથી.અરૂણાચલ પ્રદેશ ભારતનું રાજ્ય છે, ભારતનો અભિન્ન હિસ્સો છે, અવિભાજ્ય ભૂમિ રહી છે. આગળના સમયમાં પણ રહેશે. અરૂણાચલ પ્રદેશની કુલ 23 જગ્યાના નામ બદલવાનો દાવો ચીને કર્યો હતો. આ અંગે એક યાદી જાહેર કરી હતી. છેલ્લા એક દાયકામાં ચીન આવું છઠ્ઠી વાર કર્યું છે. અરૂણાચલ પ્રદેશને ચીન જાંગનાન કહે છે. વર્ષ 2017માં અરૂણાચલ પ્રદેશના છ સ્થાનના નામ બદલી ચીને એક યાદી જાહેર કરી હતી.
પોતાની ક્લ્પના અનુસાર નામ આપ્યા
વર્ષ 2021માં આ જ પ્રકારને 15 જગ્યાની ખોટા નામની યાદી જાહેર કરી હતી. વર્ષ 2023માં 11 જગ્યાઓના પોતાની રીતે નામ જાહેર કરીને લીસ્ટ બહાર પાડ્યું હતું. ચીન અરૂણાચલ પ્રદેશને દક્ષિણી તિબેટનો ભાગ છે એવો દાવો કરે છે. ભારતે કહ્યું હતું કે, ભારતીય ક્ષેત્રને ચીન પોતાની કલ્પના અનુસાર નામ આપી રહ્યો છે. પણ હકીકત કોઈ બદલી શકે એમ નથી. આનાથી દ્વીપક્ષીય સંબંધોને સામાન્ય કરવામાં જે પ્રયાસ થઈ રહ્યા છે એના પર અસર સીધી પડી શકે એમ છે. વિદેશ મંત્રાલય પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, નવી દિલ્હી ભારતીય વિસ્તાર ધરાવતા જે સ્થાનો પર ચીને પોતાની રીતે નામકરણ કર્યું છે એ મુદ્દાનો વિરોધ કરે છે.
ચીનની આવી હરકત યોગ્ય નથી
ચીનના આ પ્રકારના કૃત્યોથી એલર્ટ રહેવાની જરૂર છે. આ પ્રકારની હરકત સંબંધોમાં નકારાત્મકતા પેદા કરે છે. સંબંધોના જે સકારાત્મક પ્રયાસો થઈ રહ્યા છે એને નબળા બનાવે છે. વર્ષ 2020 પછી ભારત અને ચીન વચ્ચે જે સંબંધો હતા એમા એકાએક ખટાશ આવી ગઈ છે. છેલ્લા દોઢ વર્ષથી ભારત અને ચીન વચ્ચે ફરી સારા સંબંધો શરૂ થાય એ માટેના પ્રયાસ થઈ રહ્યા છે. એવામાં ચીનની આવી હરકત યોગ્ય નથી.