મોતીહારી: બિહારના મોતીહારી જિલ્લામાં પોલીસે એક મદરેસામાં દરોડા પાડી એક પિસ્તોલ અને જીવતા કારતૂસ ઝડપ્યા છે. આ કેસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ સ્થળે મોટી ઘટનાને અંજામ આપવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું. આ દરોડા દરમિયાન પોલીસે ઘણા મુખ્ય દસ્તાવેજો જપ્ત કર્યા છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ત્રણ શંકાસ્પદોની અટકાયત કરી હતી.
અટક કરેલા ત્રણ લોકોની સઘન પૂછપરછ
આ અંગે પોલીસને ગુપ્ત માહિતી મળી હતી. હાલ પોલીસે અટક કરેલા ત્રણ લોકોની સઘન પૂછપરછ ચાલી રહી છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. હાલમાં મદરેસા પરિસરને સીલ કરી દેવામાં આવ્યું છે. તેમજ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે.
મદરેસામાં શસ્ત્રોનો વેપાર થઈ રહ્યો હોવાની માહિતી
પોલીસે જણાવ્યું હતું કે મદરેસામાં શસ્ત્રોનો વેપાર થઈ રહ્યો હોવાની અને મોટા ગુનાનું કાવતરું ઘડાઈ રહ્યું હોવાની બાતમી મળી હતી. આ માહિતીના આધારે પોલીસની એક ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન શસ્ત્રો અને અન્ય શંકાસ્પદ સામગ્રી મળી આવી હતી. જ્યારે કસ્ટડીમાં લેવાયેલા વ્યક્તિઓનો કોઈ સંગઠિત કે શંકાસ્પદ ગેંગ સાથે કોઈ સંબંધ છે કે કેમ તે નક્કી કરવા માટે પોલીસ કામ કરી રહી છે. તેમના નેટવર્ક અને પ્રવૃત્તિઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.
પીએફઆઈ સાથે જોડાયેલા યાકુબની આ જ મદરેસામાંથી ધરપકડ
ઉલ્લેખનીય છે કે,આ એ જ મદરેસા છે જ્યાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)સાથે જોડાયેલો યાકુબ ઉર્ફે ઉસ્માન ઉર્ફે સુલતાનની ચકિયા પોલીસ અને એનઆઈએની ટીમે ધરપકડ કરી હતી. જેણે અયોધ્યામાં રામ મંદિર અંગે વાંધાજનક સામગ્રી પોસ્ટ કરી હતી અને સોશિયલ મીડિયા પર ધમકીઓ આપી હતી.