Fri Apr 17 2026

Logo

ભાવનગરમાં જુગારની રેડમાં પોલીસ પર છરી-ધોકા ઉછળ્યા, 19 સામે નામજોગ ફરિયાદ

2026-03-16 10:11:00
Author: Devayat Khatana
Article Image

કર્મચારીને છરી મારી તળાવમાં ફેંક્યો, એકનું માથું ફોડ્યું; રોકડ અને મોબાઈલની લૂંટ

ભાવનગર: જિલ્લાના વેળાવદર નજીક એક ચોંકવાનારો બનાવ પ્રકાશમાં આવ્યો હતો.  ભાવનગર જિલ્લાના વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન હેઠળના જસવંતપુરા ગામે રવિવારે સાંજે જુગારની રેડ કરવા ગયેલી પોલીસ ટીમ પર સ્થાનિકોએ લાકડાના ધોકા અને છરી વડે હિંસક હુમલો કર્યો હતો. પેટ્રોલીંગમાં રહેલા પોલીસ કર્મચારીઓએ જ્યારે જાહેરમાં જુગાર રમી રહેલા શખ્સોને પકડવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસની ફરજમાં અડચણ ઊભી કરીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ બનાવ અંગે વેળાવદર પોલીસે 19 નામજોગ અને અન્ય અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ લક્કીરાજસિંહ ગોહિલ અને તેમનો સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે સીકોતર માતાના મંદિર પાસે કેટલાક લોકો જુગાર રમતા દેખાયા હતા. વધારાની પોલીસ ફોર્સ બોલાવતા જ જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન એક મહિલાની ઉશ્કેરણીથી ટોળું વિફર્યું હતું અને અંકિત મેર નામના શખ્સે લાકડાના ધોકા વડે લક્કીરાજસિંહના માથામાં ગંભીર ઈજા કરી હતી. અન્ય એક મિત્ર પ્રતિપાલસિંહને છરી મારી તળાવમાં ફેંકી દેવામાં આવ્યા હતા.

હુમલાખોરોએ માત્ર પોલીસ સાથે માત્ર મારપીટ જ નહીં, પરંતુ પોલીસ અને તેમના સાથીદારો પાસેથી લૂંટ પણ ચલાવી હતી. આરોપીઓએ લક્કીરાજસિંહના ખિસ્સામાંથી રૂ. 2200 રોકડા ભરેલું પાકીટ તેમજ પ્રતિપાલસિંહનો મોબાઈલ ફોન, ગાડીની ચાવી અને રૂ. 2000ની રોકડ જુંટવી લીધી હતી. ગંભીર રીતે ઘવાયેલા પોલીસ કર્મચારીઓને સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં લક્કીરાજસિંહને માથાના ભાગે ચાર ટાંકા અને પ્રતિપાલસિંહને હથેળીમાં પાંચ ટાંકા આવ્યા હતા.

આ મામલે પોલીસે રાકેશ ડાભી, નિલેશ મકવાણા, હાર્દિક મકવાણા સહિત કુલ 19 વ્યક્તિઓ સામે BNS ની કલમ 109(1), 121(1), 310(2), 352, 351(3) અને જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ફરિયાદ નોંધી છે. સરકારી ફરજ પર રહેલા પોલીસ જવાનો પર થયેલા આ હુમલાને પગલે પંથકમાં ચકચાર મચી ગઈ છે.