Sat Apr 18 2026

Logo

ભાવનગરમાં મહિલા બુટલેગરો પર તવાઈઃ 2 ઘર, 14 દુકાન, 7 રૂમ પર બુલડોઝર ફેરવી દેવાયું

2026-03-23 11:15:00
Author: Devayat Khatana
Article Image


ભાવનગર: શહેરમાં જિલ્લા પોલીસ વડા દ્વારા શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ, ખાસ કરીને પ્રોહિબિશન અને શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી હતી. આજે સવારમાં જ શહેરના પાંચ અસામાજિક તત્વોના રહેણાંક મકાનો પર બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.  આ કાર્યવાહી પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટો કાફલો જોડાયો હતો. 

મળતી વિગતો અનુસાર, ભાવનગર જિલ્લા પોલીસ વડા દ્વારા શહેરમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓ, ખાસ કરીને પ્રોહિબિશન અને શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે આજે સવારમાં જ શહેરના પાંચ અસામાજિક તત્વોના રહેણાંક મકાનોનું ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી શહેરના આડોડીયા વિસ્તારમાં આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવી હતું. 

પોલીસ દ્વારા આ જેસીબી મશીન દ્વારા આ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે, જેમાં ભાવનગર મનપા, પશ્ચિમ ગુજરાત વિજકંપની તેમજ ફાયર વિભાગની ટીમ પણ જોડાઈ હતી. આ કાર્યવાહીમાં બે બુટલેગરના ઘર, તેમજ ગેરકાયદેસર બાંધકામ ધરાવતી 14 દુકાન અને 7 ઓરડી તોડી પાડવામાં આવી હોવાની વિગતો મળી હતી. તેમજ આ કાર્યવાહી હજુ પણ ચાલુ હોવાનું જાણવા મળ્યું હતું. 

જે ચાર અસામાજિક તત્વોની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે, તેમ ચાર મહિલાઓ છે અને એક પુરુષ છે. ચાર મહિલાઓમાં અંજનાબેન પંકજભાઈ રાઠોડ, મીનાબેન રાકેશભાઈ રાઠોડ, પ્રીતિબેન આરજુભાઈ અને હિરલબેન નિમેષભાઈ પરમારનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય મોહમ્મદ ઝુબેર જાહીદભાઈ શેખ વિરુદ્ધ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.