Fri Apr 17 2026

Logo

બાબરામાં ગૌચરની જમીનમાં દબાણની ના પાડતા 70 વર્ષીય વૃદ્ધની કરપીણ હત્યા; સમગ્ર પંથકમાં અરેરાટી

2026-03-30 16:05:00
Author: Devayat Khatana
Article Image

 

બાબરા: અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે ગૌચરની જમીનમાં દબાણ કરવાના જૂના મનદુખમાં એક વૃદ્ધની લાકડીના ફટકા મારી  હત્યા કરી દેવામાં આવી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી. પોલીસ ચોપડે નોંધાયેલી વિગત મુજબ, ફરિયાદી મંગળુભાઈ જીવાભાઈ ધાધલના બનેવી બાબભાઈ મોકાભાઈ ખાચર (ઉં.વ. 70) પર રમેશ ઉર્ફે દુડી ગોરધનભાઈ સોલંકી નામના શખ્સે જીવલેણ હુમલો કર્યો હતો. બે દિવસ પહેલા એટલે કે ૨૮ માર્ચના રોજ બપોરે જ્યારે વૃદ્ધ પોતાની વાડીએથી ઢોર લઈને પરત ફરી રહ્યા હતા તે સમયે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. 

મળતી વિગતો અનુસાર, આ હત્યા પાછળનું મુખ્ય કારણ બે દિવસ પહેલા થયેલી દબાણની તકરાર હોવાનું બહાર આવ્યું હતું. આરોપી રમેશ ગૌચરની જમીનમાં દબાણ કરી ખેતી કરવા માંગતો હતો, જેની બાબભાઈએ ના પાડી હતી. આ બાબતનો ખાર રાખીને આરોપીએ રસ્તામાં બાબભાઈને આંતરી, ઢોર સાઈડમાં રાખવા જેવી સામાન્ય બાબતે ગાળો આપી લાકડી વડે આડેધડ હુમલો કર્યો હતો. આ હુમલામાં વૃદ્ધને માથા, હાથ, પગ અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને પાંસળીઓમાં મલ્ટીપલ ફ્રેક્ચર થયા હતા.

હુમલા બાદ ગંભીર હાલતમાં લોહીલુહાણ હાલતમાં પડેલા બાબભાઈને તાત્કાલિક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન રાત્રિના ૧૦:૧૫ વાગ્યે તેમણે દમ તોડ્યો હતો. આ મામલે બાબરા પોલીસે આરોપી રમેશ ઉર્ફે દુડી સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (B.N.S.S) ની કલમ ૧૦૩(૧) (ખૂન), ૩૫૨ અને જી.પી. એક્ટની કલમ ૧૩૫ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.