દાર્જિલિંગ: પશ્ચિમ બંગાળમાં આ મહિને યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકારણ ગરમાયું છે. જેમાં ટીએમસી અને ભાજપ એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યું છે. જેમાં આજે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી રેલીને સંબોધતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મમતા સરકાર પર મોટો આરોપ લગાવ્યો હતો. તેમણે બંગાળ સરકાર પર પૂર રાહતના નામે 100 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે.
ગોરખા નેતાઓ અને કાર્યકરો સામે દાખલ કેસ પાછા ખેંચાશે
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું કે, ઉત્તર બંગાળમાં પૂર રાહત માટે કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલા ₹100 કરોડનું કૌભાંડ થયું છે. તેમજ ભાજપ સત્તામાં આવ્યા પછી આ પૈસા પાછા મેળવશે. અમિત શાહે પોતાના નિવેદનમાં ગોરખા મુદ્દા પર પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે જો ભાજપ બંગાળમાં સત્તામાં આવશે, તો દાર્જિલિંગમાં ગોરખા મુદ્દાને પ્રાથમિકતાના ધોરણે ઉકેલ લાવવામાં આવશે. તેમણે વધુમાં વચન આપ્યું હતું કે ગોરખા નેતાઓ અને કાર્યકરો સામે દાખલ કરાયેલા તમામ પેન્ડિંગ કેસ પાછા ખેંચવામાં આવશે.
માલદાના લોકોને વિડીયો સંદેશ દ્વારા સંબોધિત કર્યા
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ખરાબ હવામાનને કારણે દાર્જિલિંગના લેબોંગ પહોંચી શક્યા ન હતા. તેમણે માલદાના લોકોને વિડીયો સંદેશ દ્વારા સંબોધિત કર્યા. તેમણે જણાવ્યું હતું કે તેઓ 21 એપ્રિલના રોજ કુર્સિયાંગમાં યોજાનારી રેલીમાં વ્યક્તિગત રીતે હાજર રહેશે.તેમણે મુખ્યમંત્રી મમતા બેનર્જી પર ગોરખા મુદ્દાના ઉકેલ માટે કેન્દ્ર દ્વારા બોલાવવામાં આવેલી બેઠકોમાં ભાગ લેવામાં નિષ્ફળ જવાનો આરોપ મૂક્યો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્ય સરકારની બેદરકારીને કારણે આ સમસ્યા આજે પણ યથાવત છે.