Fri Apr 17 2026

Logo

અમદાવાદ-મહેસાણા રોડ પર સરકારે બે વર્ષમાં ઉઘરાવ્યો અધધ ટોલ ટેક્સ

2026-03-10 13:00:00
Author: MayurKumar Patel
Article Image

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં અમદાવાદ-મહેસાણા રોડ પર ઉઘરાવવામાં આવલા ટોલ ટેક્સ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે પૂછ્યું કે, તા. 31-12-2025ની સ્થિતિએ અમદાવાદ-મહેસાણા ટોલ રોડ પર વાહનો પાસેથી  ટોલ ટેક્સ ઉઘરાવવાનું કામ કઈ એજન્સીને ક્યારે અને કેટલા સમય માટે સોંપવામાં આવ્યું, બે વર્ષમાં કેટલી રકમનો ટોલ ટેક્સ ઉઘરાવવમાં આવ્યો, આ ટોલ ટેક્સ ઉઘરાવવાની અવધિ ક્યારે પૂર્ણ થાય છે?

તેનો જવાબ આપતાં સરકારે જણાવ્યું કે, રાજ્યમાં અમદાવાદ-મહેસાણા રોડ પર ટોલ ટેક્સ ઉઘરાવવાનું કામ ગુજરાત રોડ એન્ડ ઈન્ફ્રાસ્ટ્ર્કચર કંપની લિમિટેડને તા. 20-02-2003 થી 19-02-2033 સુધી સોંપવામાં આવ્યું છે.  એજન્સી દ્વારા ટોલ ટેક્સ નહીં પરંતુ યુઝર ફી ઉઘરાવવામાં આવે છે. વર્ષ 2024માં રૂ. 132,38,88,172 અને વર્ષ 2025માં 164,46,01,815 રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે. ટોલ ટેક્સની ઉઘરાવવાની અવધિ 19-02-2033ના રોજ પૂર્ણ થશે.

જાન્યુઆરી 2026માં અમદાવાદ અને ઉત્તર ગુજરાતને જોડતા રાજ્યનો સૌથી વ્યસ્ત ગણાતા અમદાવાદ-મહેસાણા 51 કિમીના હાઇવેને આઠ માર્ગીય  કરવાના ₹2,630 કરોડના મહત્વકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી.  અડાલજથી પાલાવાસણ સર્કલ (મહેસાણા) સુધી આ રોડ બનશે. મેઈન રોડ આઠ માર્ગીય થશે અને બંને બાજુ 7 મીટરનો પહોળો સર્વિસ રોડ બનાવાશે. આ રોડ પર એક એલિવેટેડ કોરિડોર અને આઠ ફ્લાયઓવર બનાવાશે.

તાજેતરના સર્વે મુજબ આ હાઈવે પર દૈનિક 1 લાખથી વધુ વાહનો પસાર થાય છે. ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે સરકાર આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરશે.આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના લાખો લોકોને સીધો ફાયદો થશે. અમદાવાદ આવતા-જતા મુસાફરોનો સમય બચશે અને પરિવહન વધુ સુરક્ષિત બનશે.