Fri Apr 17 2026

Logo

અમદાવાદમાં 133 ટ્રાફિક જંકશનની થશે કાયાકલ્પ, જાણો કેટલા કરોડનો થશે ખર્ચ

2026-03-17 09:34:00
Author: MayurKumar Patel
Article Image

અમદાવાદઃ શહેરમાં 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોમનવેલ્થ પહેલા શહેરના રોડ રસ્તા ટ્રાફિક મુકત બન તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 20.08 કરોડની યોજનાને મંજૂરી આપી છે. જે અંતર્ગત 133 જંકશનની કાયાકલ્પ કરવામાં આવશે.  . આ યોજનાનો મુખ્ય હેતુ પદયાત્રીઓ માટે રસ્તાઓ સુરક્ષિત બનાવવા અને વાહનચાલકો માટે ટ્રાફિકની સમસ્યા ઘટાડવાનો છે.

29 જંક્શનોની ડિઝાઇન ફાઇનલ

પ્રથમ તબક્કામાં 29 જંક્શનોની ડિઝાઇન ફાઇનલ કરી દેવામાં આવી છે, જ્યારે બાકીના 104 જંક્શનો માટે પણ આયોજન તૈયાર છે. આ યાદીમાં આર.ટી.ઓ.  નેહરુનગર, જલારામ કચ્છી ભવન અને વિજય ચાર રસ્તા જેવા મહત્વના જંક્શનો સામેલ છે. આ ઉપરાંત જજિસ બંગલો ચાર રસ્તા, પકવાન ચાર રસ્તા, ઇસ્કોન ચાર રસ્તા અને પેલેડિયમ મોલ જંક્શનના વિકાસ માટે પણ આયોજન કરવામાં આવ્યું છે.

100થી વધુ જંક્શનો પર ટ્રાફિક વધ્યો

આ ઉપરાંત શહેરમાં 100થી વધુ જંક્શનો પર ટ્રાફિકમાં ભારે વધારો થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્વીકાર્યું  કે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે પદયાત્રીઓ માટે રસ્તો ઓળંગવો જોખમી બન્યો છે. રૂ. 20 કરોડના આ બજેટનો ઉપયોગ મુખ્ય જંક્શનોનો ટ્રાફિક સર્વે અને વિકાસ, પદયાત્રીઓ માટે ખાસ ક્રોસિંગની વ્યવસ્થા, સાઇન બોર્ડ, રોડ માર્કિંગ, લેન લાઇન, સ્ટોપ લાઇન અને ઝેબ્રા ક્રોસિંગ બનાવવા માટે થશે.

પ્રારંભિક અંદાજ કરતાં 47 ટકા બજેટ વધ્યું

આ મંજૂર કરાયેલું બજેટ પ્રારંભિક અંદાજ રૂ.13.59 કરોડ કરતા 47.7 ટકા વધારે છે, જેને માર્ચમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પસાર કરવામાં આવ્યું હતું.  AMC ના પ્રસ્તાવ મુજબ, જંક્શન પરની વણવપરાયેલી જગ્યાઓને ટ્રાફિક આઇલેન્ડમાં ફેરવવામાં આવશે અને વાહનોની અવરજવર સુધારવા માટે લેન સ્પષ્ટ કરવામાં આવશે. રસ્તાની પહોળાઈ મુજબ ફ્રી લેફ્ટ ટર્નની વ્યવસ્થા કરાશે. 

મોટા જંકશનો પર વધુ ટ્રાફિક સમસ્યા

સૂત્રોએ જણાવ્યું કે, મીઠાખળી, નેહરુનગર અને આર.ટી.ઓ. જેવા મોટા જંક્શનો ટ્રાફિક જામની સમસ્યા વધારે છે. પીક અવર્સ દરમિયાન આ જંક્શનો વાહનોની અવરજવરમાં અવરોધ ઉભો કરે છે. આથી, ટ્રાફિકના પ્રશ્નો ઉકેલવા માટે આ જંક્શનોની રિડિઝાઇન કરવાનું આયોજન છે.