માનસ મંથન - મોરારિબાપુ
एही महें रघुपति नाम उदास ।
अति पवन पूरण श्रुति सारा ॥
પરમાત્મા રાઘવેન્દ્રની મહત્ત કૃપાથી આપણે રામકથાનું ગાન કરવા એકઠા થયા છીએ. આપ રામકથાના ઉપાસક છો. આજે પ્રથમ દિવસે જ્યારે કથાનો પ્રારંભ થાય છે ત્યારે કથાના વિષયમાં વક્તા વાત કરે છે, એના મહિમાનું ગાન કરે છે કે કથા વસ્તુત: શું છે? હું પ્રત્યેક સ્થળે કહેતો રહું છું કે રામકથા શું છે એની શું આપને ખબર નથી? સૌ જાણે છે કે મહારાજ દશરથજીના ચાર પુત્ર, જેમના જનકપુરમાં લગ્ન થયા પછી ગરબડ થઈ અને વનમાં જવું પડ્યું. ત્યાં જાનકીજીનું અપરણ થયું.
ભગવાન રામે સેતુનું નિર્માણ કર્યું અને રાવણ પર વિજય પ્રાપ્ત કર્યો. પછી પુષ્પક વિમાનમાં આરૂઢ થઈ સીતાજીને સાથે લઈ મિત્રો સાથે શ્રી અવધ ધામ પાછા આવ્યા. રામરાજ્યની સ્થાપના થઈ. બસ, કથા પૂરી થઈ ગઈ!
આટલી કથાની સૌને ખબર છે. તેમ છતાં રામકથા માટે લોકોની આટલી રુચિ કેમ છે ? શા માટે લોકો વારંવાર કથા સાંભળે છે? રામકથાના આયોજનમાં આટલી મોટી શક્તિ ખર્ચાય છે, આટલી બુદ્ધિ કામે લાગે છે અને કેટલી મોટી ધન રાશિ પણ કથાના આયોજન પાછળ ખર્ચવી પડે છે!
સંસારમાં લોકો જ્યારે આટલા બધા વ્યસ્ત છે અને તમામ બાબતોમાં પૈસાનો વિચાર કરે છે, પોતાના ફાયદાનો વિચાર કરે છે, મને શું ફાયદો થશે તેનો જ વિચાર કરે છે એવા સમયમાં રામાયણ તરફ આટલો લગાવ કેમ? અને અમે વક્તા લોકો તો બીજું કરીએ પણ શું? અમારો તો શ્વાસ અને વિશ્વાસ, બંને રામ અને રામકથા થઈ ગયા છે. અમે જઈએ પણ ક્યાં? અને એટલે અમે સતત ગાતા રહીએ છીએ-
हमारा तो क्या ह्म तो दीवाने ठहरे,
चले तो चले और बैठे तो बैठे ।
तुम्हारी नजर इतनी बेताब क्यों है?
की तुम्हे भी कोई गम सताने लगे है ?
રામકથા તંદુરસ્તી નહીં પરંતુ પીડા પ્રદાન કરે છે. એક એવી પીડા પ્રદાન કરે છે કે જેની સામે અનંત તંદુરસ્તી કુરબાન થઈ જાય છે. આ પીડ, આ પીડ, આપણી અંદર એક કસક, મીઠું દર્દ જગાવતો પ્રભુ પ્રીતિ ઉત્પન કરતો ગ્રંથ છે. છેક ભગવાન વેદથી જે કથા વહેતી રહી છે તે રામકથા શું છે એ સૌ જાણે છે. તો પછી આપણે વિચાર કરવો પડે કે લોકો શા માટે બધું છોડીને આટલા કલાકો કથામાં બેસે છે?
શું આ મંડપનો પ્રભાવ છે? નહિ. શું માઇક્રોફોનનો પ્રભાવ છે ? ના. તો પછી શું કોઈ વક્તાનો પ્રભાવ છે? નહીં. આ પ્રભાવ ગોસ્વામીજીની મંત્રમયિ ચોપાઈઓનો છે. ફક્ત ચોપાઈઓ અથવા જે કંઈ પણ કહો તેનો આ પ્રભાવ છે. અને એટલા માટે અમે કથાનું ગાન કર્યા સિવાય રહી શકતા નથી અને આપ સાંભળવા માટે સદાય સદાય લાલાઈત રહો છો. ભગવાનની કૃપા છે કે આપણે આ કથાનું ગાન કર્યા કરીએ છીએ.
તમે જાણો છો આ ગ્રંથના સાત કાંડ છે. તેમાંના બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્ક્નિધાકાંડ, સુંદરકાંડ અને લંકાકાંડ એ છ કાંડમાં જીવનની સમસ્યાઓને ચરિતાર્થ કરી છે, જીવનના સંઘર્ષોને લોકની સામે રજૂ કર્યા છે. ભગવાન રાઘવને અને એના પરિવારને માધ્યમ બનાવીને. જે સમસ્યાઓ, જે સંઘર્ષો, પ્રત્યેક વ્યક્તિના જીવનમાં દરેક કાળમાં આવી છે, આવતી રહી છે,આવતી રહેવાની છે. ઉત્તરકાંડમાં તેના બધા જ જવાબો તુલસીદાસજીએ તૈયાર કરીને આપી દીધા છે. તો એવો એક મહાન ગ્રંથ... જે સમસ્યા પણ બતાવે છે, મારામાં અને તમારામાં પડેલી સમસ્યાઓને ખોલે છે અને તેનું સંપૂર્ણ સમાધાન પણ આપે છે. અદ્ભુત સમાધાન આપે છે. તો એવા મહાન ગ્રંથનું પારાયણ... સત્સંગ આજથી શરૂ થઈ રહ્યું છે.
રામાયણને સંતોએ ત્રણ ભાગમાં વહેંચી છે. પ્રત્યે વ્યક્તિના જીવનમાં ત્રણ ભાગ હોય છે. આ કથા કેવળ વાર્તા નથી, કેવળ ઈતિહાસ નથી,આ કથા મારા અને તમારા જીવનનું દર્શન છે. અયોધ્યાના મહાત્માઓ તો એમ કહે છે કે, બાલકાંડનો આરંભ, અયોધ્યાનો મધ્ય અને ઉત્તરનો અંત જે બરાબર સમજે એ પૂરો સાધુ. આવી એક વ્યાખ્યા છે. રામાયણના તત્ત્વજ્ઞાનને પ્રારંભ, મધ્ય અને અંત એમ ત્રણ ભાગમાં વહેંચી શકાય. રામકથાનો આરંભ સંશયથી-શંકાથી થાય છે; સવાલ છે, પ્રશ્ન છે.
રામાયણનો મધ્ય સમાધાન છે. અને રામાયણનો અંત જીવની રાઘવની શરણાગતિ છે. સંશયના સમાધાન અને શરણાગતિમાં મને અને તમને દોરી જતો આ ગ્રંથ પ્રત્યેક વ્યક્તિના જીવનમાં સંશયોનું પ્રતિનિધિત્વ કરે છે. મારા અને તમારા જીવનમાં આવતી સમસ્યાઓનું સમાધાન એમાં છે. પૂર્ણ સમાધાન છે. અને એમ કરતાં કરતાં અંતે જે પામવાનું છે તે ઈશ્વરની શરણાગતિ તરફ આપણને દોરી જાય છે.
તો રામકથા શું છે ? જે ગ્રંથમાં, જે શાસ્ત્રમાં, આપણા બધા શાસ્ત્રો, આપણા દેશના બધાં શાસ્ત્રો પૂર્ણ છે. પોત પોતાનાં સ્થાને પૂર્ણ છે. ગુલાબ `ગુલાબ' છે. મોગરો, મોગરો છે અને ચમેલી, ચમેલી છે. સૌ પોતાનાં સ્થાનમાં પૂર્ણ છે. હું `રામચરિતમાનસ'ના માધ્યમથી રામકથા કહી રહ્યો છું ત્યારે એટલું જ કહીશ કે આપણા બધા શાસ્ત્રો પૂર્ણ છે. શાસ્ત્ર પૂર્ણ ક્યારે માની શકાય ? કોઈપણ શાસ્ત્ર અને પૂર્ણ ત્યારે જ માની શકાય જ્યારે એમાં ઘણી બધી ત્રણ ત્રણ વાતો હોય.
`ગીતા'માં સંદેશ, ઉપદેશ અને આદેશ બધું મળે છે.
`રામચરિતમાનસ' એવું શાસ્ત્ર છે જેનો આરંભ સંદેશ થી થાય છે, મધ્યમાં સમાધાન મળે છે અને પૂર્ણાહુતી શરણાગતિમાં થાય છે. સંદેહથી શરૂવાત થાય કે, મધ્યમાં સમાધાન મળે છે અને અંતમાં શરણાગતિ સુધીની આ યાત્રા છે. આ શરણાગતિનું શાસ્ત્ર છે, કબૂલ કરી લો. નહીં કરો તો પણ અંતે તો કરવું જ પડશે, અનુભવમાંથી પસાર થયા પછી કરવું પડશે.
આ ભિષણ કલિકાલમાં શરણાગતિ સિવાય બીજો કોઈ ઉકેલ નથી, ઉપાય નથી. એટલા માટે તો `વિનયપત્રિકા'માં ગોસ્વામીજી કહે છે કે આપણે લાખ ચેષ્ટા કરીએ, લાખ સાધન કરીએ પરંતુ બધા સાધન અંતે તો થકાવટ આપનારા છે, શ્રમ છે. શાસ્ત્રની પૂર્ણાહુતી શરણાગતિમાં છે.
(સંકલન: જયદેવ માંકડ)