Thu May 07 2026

Logo

પંજાબની ટીમ સોળે કળાએ ખીલી હતી, પણ 16 કૅચ છૂટતાં હારની હારમાળા શરૂ થઈ

3 hours ago
Author: Ajay Motiwala
Article Image

PTI/BCCI


ન્યૂ ચંડીગઢઃ આઇપીએલ-2026ના પ્રથમ અડધા તબક્કામાં તમામ છ મૅચ જીતીને ઘણા દિવસો સુધી પૉઇન્ટ્સ-ટેબલમાં નંબર-વન પર રહેલા પંજાબ કિંગ્સ (PBKS)એ છેલ્લી ત્રણેય મૅચમાં પરાજય જોવો પડ્યો છે અને એના ખેલાડીઓથી છૂટી રહેલા કૅચ (CATCHES DROPPED) આ ટીમ માટે સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. અમુક અંશે આ ટીમની બૅટિંગ અને બોલિંગ પણ નબળી પડી છે, પરંતુ ખુદ કૅપ્ટન શ્રેયસ ઐયરે જ કહ્યું છે કે `અમારા ખેલાડીઓ કૅચ છોડી રહ્યા છે એ અમારા માટે સૌથી મોટો આંચકો છે.'

હૈદરાબાદનો ઈશાન કિશન (32 બૉલમાં 55 રન) નવ રન પર હતો ત્યારે લૉકી ફર્ગ્યુસનના બૉલમાં પંજાબના કૂપર કૉનોલીએ તેનો આસાન કૅચ છોડ્યો હતો. હિન્રિક ક્લાસેન પણ નવ રન પર હતો ત્યારે ચહલના બૉલમાં શશાંક સિંહના હાથે તેને જીવતદાન મળ્યું હતું.

PTI/BCCI

એક જાણીતી ક્રિકેટ-વેબસાઇટની સમીક્ષા મુજબ વર્તમાન સીઝનમાં પંજાબની ટીમના ખેલાડીઓને કૅચ ઝીલવાના કુલ 56 ચાન્સ મળ્યા જેમાંથી 16 ચાન્સ તેમણે ગુમાવ્યા છે. બીજી રીતે કહીએ તો પંજાબના ખેલાડીઓએ આ વખતે કુલ 16 કૅચ છોડ્યા છે. ચેન્નઈની ટીમની પણ આવી જ સ્થિતિ છે. ઋતુરાજ ગાયકવાડના નેતૃત્વમાં ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ની ટીમે પણ 16 કૅચ છોડ્યા છે અને 10 ટીમમાં આ બે ટીમ કૅચ ઝીલવાની બાબતમાં 71.43ની ટકાવારી સાથે સૌથી નબળી છે.

સામાન્ય રીતે પંજાબની ટીમમાંથી શશાંક સિંહે આ વખતે સૌથી વધુ કૅચ છોડ્યા છે, પરંતુ બુધવારે હૈદરાબાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મૅચમાં પંજાબના લૉકી ફર્ગ્યુસન અને કૂપર કૉનોલીથી પણ કૅચ છૂટી જતાં હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં ચાર વિકેટે 235 રન કરી શકી હતી અને પંજાબની ટીમે સાત વિકેટે 202 રન કર્યા એને કારણે 33 રનથી પરાજય જોવો પડ્યો હતો. 34 રનમાં ઓપનર પ્રિયાંશ આર્ય (એક રન) અને સૂર્યાંશ શેડગે (પચીસ રન)ની વિકેટ લેનાર હૈદરાબાદના કૅપ્ટન પૅટ કમિન્સને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

PTI/BCCI

ન્યૂ ઝીલૅન્ડની ભૂતપૂર્વ ક્રિકેટર કેટી માર્ટિને કૅચ છોડવાની પંજાબની કચાશને `વાઇરસ' તરીકે ઓળખાવી છે. ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સુકાની અને પંજાબના હેડ-કોચ રિકી પૉન્ટિંગે પણ બુધવારના પરાજય પછી કહ્યું, `કેટીની વાત સાચી છે. અમારા ખેલાડીઓની કૅચ છોડવાની કચાશ વાઇરસ જેવી છે. બિચારો શશાંક સિંહ જ્યાં ઊભો હોય છે ત્યાં કૅચ ઝીલવાનો તેને મોકો મળે છે, પણ તે છોડી રહ્યો છે. અમે હૈદરાબાદ સામે સારું રમ્યા, પણ કૅચ છૂટ્યા એ બહુ ખોટું થયું.' પંજાબના સ્પિન-બોલિંગ કોચ સાઇરાજ બહુતુલેએ કહ્યું, `ઇશાન કિશન અને હિન્રિક ક્લાસેન જેવા બૅટ્સમેનના કૅચ છોડો તો તેઓ ઝડપથી રન બનાવી જ લે.'