Sat Oct 31 2026

Logo

પ્રદીપ પુર્ણેકર હત્યાકેસ: મહિનો વીત્યા છતાં હત્યા પાછળનો હેતુ હજી અસ્પષ્ટ

2026-10-29 17:58:15
Author: Yogesh D. Patel
પ્રદીપ પુર્ણેકર હત્યાકેસ: મહિનો વીત્યા છતાં હત્યા પાછળનો હેતુ હજી અસ્પષ્ટ

પોલીસ અસલી ગુનેગારોને બચાવી રહી છે: પરિવારજનોનો આક્ષેપ

થાણે: થાણેમાં શિવસેના (યુબીટી)ના નેતા પ્રદીપ પુર્ણેકરની તેની ઓફિસમાં ગોળી મારી કરાયેલી હત્યાને મહિનો વીતી ગયા છતાં પોલીસ આ હત્યા પાછળનો હેતુ હજી શોધી શકી નથી. પોલીસ અસલી ગુનેગારોને બચાવી રહી છે, એવો આક્ષેપ પુર્ણેકરના પરિવારજનોએ કર્યો છે.

અધિકારીના જણાવ્યા અનુસાર વર્ચસ માટેની લડાઇ, ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોજેક્ટસ અને ડ્રગ પેડલરનો વિરોધ સહિત અનેક પાસાંઓ પર વિચારણા કરવામાં આવી રહી છે.

પુર્ણેકરની હત્યાને કારણે શહેરમાં રાજકીય તણાવ સર્જાયો છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ટાંકીને પોલીસે મહાવિકાસ આઘાડી (એમવીએ) અને મહાયુતિને આ ઘટનાને લઇ વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે.

શિવસેના (યુબીટી)ના ભૂતપૂર્વ સાંસદ રાજન વિચારે સહિતના મહાવિકાસ આઘાડીના નેતાઓની હાજરીમાં પુર્ણેકર પરિવારે પોલીસ પર અસલી ગુનેગારોને બચાવવાનો અને તેમના પ્રશ્ર્નોના સંતોષકારક જવાબ ન આપવાનો આક્ષેપ કર્યો હતો. 
તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે પોલીસે તેમને સોંપવામાં આવેલા મહત્ત્વપૂર્ણ ડિજિટલ પુરાવા અને સીસીટીવી ફૂટેજને અવગણ્યા છે. 

પુર્ણેકરની ભત્રીજી ખુશબૂએ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ના દાવો સામે પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે તાજેતરમાં ધરપકડ કરાયેલો અમિત સિંહ ‘ખોટો આરોપી’ છે. તેણે દાવો કર્યો હતો કે મુખ્ય સૂત્રધાર પોલીસની પકડથી હજી દૂર છે.
દરમિયાન થાણે પોલીસે કહ્યું હતું કે આ કેસનાં તમામ પાસાંની વ્યાપક અને પારદર્શક રીતે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કોઇ પણ વ્યક્તિ ગમે તેટલા મોટા હોદ્દા પર હોય, તેને બચાવવામાં આવશે નહીં. 

નોંધનીય છે કે 29 સપ્ટેમ્બરે થાણેમાં પ્રદીપ પુર્ણેકરની તેની ઓફિસમાં અજાણ્યા શખસોએ ગોળી મારી તથા શસ્ત્રના ઘા ઝીંકી હત્યા કરી હતી. આ પ્રકરણે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને કેસની તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવી હતી. એસઆઇટીએ આ કેસમાં પાંચ જણની ધરપકડ કરી છે. (પીટીઆઇ)