(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બૃહ્નમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) ઉપક્રમના કર્મચારીઓને ૩૩,૦૦૦ રૂપિયાનું બોસન જાહેર કરવામાં આવ્યું છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે બોનસની રકમમાં બે હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આગામી ત્રણ નવેમ્બર, ૨૦૨૬ના કર્મચારીઓના બૅન્ક ખાતામાં આ રકમ જમા કરવામાં આવશે એવી જાહેરાત શુક્રવારે કરવામાં આવી હતી.
બેસ્ટ કર્મચારીઓને દર વર્ષની માફક આ વર્ષે પણ બોનસ મળે એવી માગણી કર્મચારીઓના તમામ યુનિયન દ્વારા કરવામાં આવી હતી.
આ માગણી પર બેસ્ટ સમિતિની બેઠકમાં ચર્ચા પણ કરવામાં આવી હતી. છેવટે શુક્રવારે બેસ્ટ સમિતિના અધ્યક્ષ તૃષ્ણા વિશ્ર્વાસરાવે બેસ્ટ કર્મચારીઓને ૩૩,૦૦૦ રૂપિયાનું બોનસ આપવાની જાહેરાત કરી હતી. બોનસનો લાભ બેસ્ટના ૨૨,૬૫૪ કર્મચારીઓને મળશે. બોનસ માટે બેસ્ટ ઉપક્રમને ૭૫ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
બોનસને શિંદેસેના-ભાજપ વચ્ચે શ્રેય લેવા ખટપટ
મુંબઈ મહાનગરપાલિકાના કર્મચારીઓની માફક જ બેસ્ટ ઉપક્રમના કર્મચારીઓને પણ બોનસ આપવામાં આવે એવી માગણી કર્મચારીઓના યુનિયન દ્વારા થઈ રહી હતી. આર્થિક સંકટ હોવા છતાં બેસ્ટ ઉપક્રમે ૩૩,૦૦૦ રૂપિયાનું બોનસ આપવાનો નિર્ણય લીધો હતો. જોકે કર્મચારીઓને બોનસ આપવાની સત્તાવાર રીતે બેસ્ટ ઉપક્રમ દ્વારા જાહેરાત કરવામાં આવે એ પહેલા જ ભાજપ દ્વારા બોનસની જાહેરાત કરીને તેનો શ્રેય લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ભાજપ-શિંદે સેના વચ્ચે લાંબા સમયથી ખેંચતાણ ચાલી રહી છે, તેમાં ભાજપના નેતા પ્રસાદ લાડ બેસ્ટ ઉપક્રમના મેનેજર કોલાબામાં આવેલા બેસ્ટ ભવનમાં મુલાકાત લીધા બાદ કર્મચારીઓને બોનસ આપવામાં આવશે એવી બપોરે જાહેરાત કરી દેતા શિંદેસેના નગરસેવિકા અને બેસ્ટ સમિતિના ચેરપર્સન તૃષ્ણા વિશ્ર્વાસરાવે સત્તાવાર રીતે બેસ્ટ ઉપક્રમ બોનસ બાબતે જાહેર કરે તે પહેલા ક્રેડિટ લેવા માગતા નેતા સામે ભારે નારાજગી જાહેર કરી હતી અને સાંજે પત્રકાર પરિષદ લઈને બેસ્ટના કર્મચારીઓ માટે બોનસની સત્તાવાર રીતે જાહેરાત કરી હતી.
AI પ્રતીકાત્મક તસવીર