Sat Oct 31 2026

Logo

CBFCમાં મોટો ડેટા લીક! 500 ફિલ્મોની સ્ક્રિપ્ટ અને કોન્ટ્રાક્ટ થયા એક્સપોઝ...

2026-10-25 15:09:08
Author: Mumbai Samachar Team
CBFCમાં મોટો ડેટા લીક! 500 ફિલ્મોની સ્ક્રિપ્ટ અને કોન્ટ્રાક્ટ થયા એક્સપોઝ...

CBFC


ફિલ્મોની રિલીઝ પહેલાં તેમની વાર્તા અને સ્ક્રીપ્ટને ગુપ્ત રાખવામાં આવે છે, જેથી વાર્તા લીક ન થઈ જાય. પરંતુ હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો એક મોટો ડેટા લીક થયાના સમાચાર સામે આવ્યા છે. અહેવાલ મુજબ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ના ઓનલાઇન પોર્ટલ પરથી 500થી વધુ ફિલ્મો સંબંધિત દસ્તાવેજો લીક થવાની ઘટના સામે આવી છે. જેમાં ફિલ્મોની સ્ક્રીપ્ટ, સર્ટિફિકેશન સાથે જોડાયેલા રેકોર્ડ્સ અને કરાર (કોન્ટ્રાક્ટ) જેવા મહત્વપૂર્ણ દસ્તાવેજો સામેલ હોવાનું કહેવાય છે.

કેવી રીતે લીક થયો ફિલ્મોનો ડેટા?

આ મામલો CBFCના e-Cinepramaan પોર્ટલ સાથે જોડાયેલો છે. આ જ પોર્ટલ મારફતે ફિલ્મોને સર્ટિફિકેટ આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે. અહેવાલ મુજબ, આ પોર્ટલ પર રહેલા કેટલાક દસ્તાવેજો સુધી પહોંચ બનાવી લેવામાં આવી હતી અને તેને ઈન્ટરનેટ આર્કાઈવ પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ કરાવી દેવાયા હતા. જોકે, આ કેસમાં ડેટા કઈ રીતે લીક થયો અને કેટલી માહિતી પ્રભાવિત થઈ છે, તેનું સંપૂર્ણ ચિત્ર હજુ સ્પષ્ટ થયું નથી.

સ્ક્રીપ્ટની સાથે કોન્ટ્રાક્ટ પણ થયા જાહેર

આ ડેટા લીકમાં માત્ર ફિલ્મોની સ્ક્રીપ્ટ જ નહીં, પરંતુ અન્ય જરૂરી દસ્તાવેજો પણ સામેલ હોવાનું જણાવાયું છે. જેમાં CBFCના કટ ઓર્ડર અને ફિલ્મો સાથે જોડાયેલા વ્યવસાયિક કરારો પણ સામેલ છે. કેટલાક દસ્તાવેજોમાં ડિસ્ટ્રિબ્યુશન ડીલ અને લાયસન્સિંગ ફી જેવી વિગતો હોવાની વાત સામે આવી છે.

આવી માહિતી ફિલ્મ નિર્માતાઓ અને ડિસ્ટ્રિબ્યુટર્સ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. જો આ વિગતો સાર્વજનિક થઈ જાય, તો બિઝનેસ ડીલ અને વાતચીત પર અસર પડી શકે છે. આનો અર્થ એ નથી કે 500 ફિલ્મોની આખી મૂવી લીક થઈ ગઈ છે. આ મામલો મુખ્યત્વે તેમની સાથે જોડાયેલા દસ્તાવેજોનો છે.

CBFCએ શરૂ કરી તપાસ

અહેવાલ મુજબ, CBFCએ આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે અને સિક્યુરિટી ઓડિટ પણ કરવામાં આવી રહ્યું છે. તે જ સમયે, ઈન્ટરનેટ આર્કાઈવે સંબંધિત એકાઉન્ટને હટાવવા અને સાયબર ક્રાઈમ અધિકારીઓને ફરિયાદ કરવાની વાત કરી છે. ભારતીય સાયબર સુરક્ષા એજન્સી CERT-Inને પણ આ અંગે જાણ કરવામાં આવી છે.

હાલ તો આ ડેટા લીક પાછળ કોની ભૂલ હતી અને કેટલી જાણકારીનો ખોટો ઉપયોગ થયો, તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. પરંતુ આ ઘટના બાદ ફરી એકવાર સવાલ ઉભો થયો છે કે સરકારી ઓનલાઇન પોર્ટલ પર રાખેલા સંવેદનશીલ દસ્તાવેજો કેટલા સુરક્ષિત છે.

વધુ જુઓ...