Mon Nov 16 2026

Logo

લોકલ ટ્રેનમાં લંપટોથી સાવધાન....

2026-10-31 18:52:18
Author: Yogesh C. Patel
લોકલ ટ્રેનમાં લંપટોથી સાવધાન....

AI પ્રતીકાત્મક તસવીર


ટ્રેનમાં ગુપચુપ મહિલાઓના વીડિયો ઉતારીને એઆઈથી તેની નગ્ન રીલ્સ બનાવનારો પકડાયો આરોપીએ આ રીતે અનેક મહિલાઓના મોર્ફ વીડિયો બનાવી ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકલ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે મહિલાઓએ લંપટોથી સાવધાન રહેવા જેવો કિસ્સો મુંબઈ પોલીસની કાર્યવાહીથી સામે આવ્યો છે. ટ્રેનમાં ગુપચુપ મહિલાઓના વીડિયો ઉતારીને એઆઈની મદદથી તેની નગ્ન રીલ્સ બનાવનારા યુવાનને પોલીસે પકડી પાડી લૉકઅપભેગો કરી દીધો હતો. આરોપીએ અનેક મહિલાઓના વીડિયો અને તસવીરોને મોર્ફ કરી ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા હોવાનું તપાસમાં જણાયું હતું.

સાઉથ રિજન સાયબર પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર નંદકુમાર ગોપાળેની ટીમે ધરપકડ કરેલા આરોપીની ઓળખ મોહમ્મદ સાબીર મોહમ્મદ રુસ્તમ (31) તરીકે થઈ હતી. વસઈમાં રહેતા અને ટેલરિંગનું કામ કરતા આરોપી પાસેથી પોલીસે ગુનામાં વપરાયેલો મોબાઈલ ફોન જપ્ત કર્યો હતો.પોલીસના જણાવ્યા મુજબ 22 જૂનની રાતે સાડાઆઠ વાગ્યાની આસપાસ 19 વર્ષની કૉલેજ સ્ટુડન્ટ તેની બહેનપણી સાથે ચર્ચગેટથી વિરાર જતી ફાસ્ટ ટ્રેનમાં ચઢી હતી.

ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરતી વિદ્યાર્થિની અને તેની બહેનપણીનો આરોપીએ મોબાઈલ ફોનથી ગુપચુપ વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયો 27 જૂને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યા પછી વિદ્યાર્થિનીને આ અંગે જાણ થઈ હતી.ફરિયાદ અનુસાર આરોપીએ વીડિયોને એઆઈની મદદથી બીભત્સ બનાવવામાં આવ્યો હતો. પછી અશ્ર્લીલ ગીત સાથે તેને વાયરલ કરી વિદ્યાર્થિનીનો વિનયભંગ અને બદનામી કરવામાં આવી હતી. આ રીલ પર 1,11,000થી વ્યૂઝ આવ્યા હતા.

આ મામલે યુવતીની ફરિયાદને આધારે સાઉથ રિજન સાયબર પોલીસે ગુનો નોંધ્યો હતો. ડેપ્યુટી પોલીસ કમિશનર (સાયબર ક્રાઈમ) બજરંગ બનસોડેના માર્ગદર્શન હેઠળ સાયબર પોલીસે તપાસ હાથ ધરી હતી. જે એકાઉન્ટ પરથી ઈન્સ્ટાગ્રામ પર રીલ પોસ્ટ કરવામાં આવી હતી તે બોગસ હોવાનું જણાયું હતું. તેના પ્રોફાઈલ પર એક યુવતીની તસવીર મૂકવામાં આવી હતી. ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી પોલીસની ટીમે આરોપી રુસ્તમને શોધી કાઢ્યો હતો.

પકડાયેલા આરોપીના મોબાઈલ ફોનની તપાસ કરતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી. આરોપીએ આ રીતે લોકલ ટ્રેનોમાં અનેક મહિલાઓની જાણબહાર તેમના વીડિયો ઉતાર્યા હતા. પછી એઆઈની મદદથી નગ્ન રીલ્સ બનાવી વ્યૂઝ મેળવવા માટે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હોવાનું મોબાઈલની તપાસમાં જણાયું હતું.

વધુ જુઓ...